Western Times News

Gujarati News

સ્વીગી, ઝોમેટો, ઓલા જેવી કંપનીઓ પાસેથી AMC મુવીંગ વ્હીકલ ટેક્ષ લેવામાં આવશેઃ દેવાંગ દાણી

પ્રતિકાત્મક

મ્યુનિ. કોર્પોરેશને એડવાન્સ ટેક્ષ રિબેટ યોજના જાહેર કરીઃ નાગરિકોને ૧પ ટકા સુધી વળતર મળશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક ચાલુ નાણાંકિય વર્ષમાં પણ એડવાન્સ ટેક્ષ રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે જેમાં નાગરિકોને ૧પ ટકા સુધી રિબેટ મળી શકશે. જે કર્મચારીઓ કોર્પોરેશનની પ્રતિષ્ઠા ખરડાય તેવા કામ કરતા હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સ્વીગી, ઝોમેટો જેવી કંપનીઓ પાસેથી મુવીંગ વ્હીકલ ટેક્ષ વસુલ કરવામાં આવશે. AMC Moving Vehicle Tax will be collected from companies like Swiggy, Zomato, Ola: Devang Dani

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા અનુસાર નાણાંકિય વર્ષ-ર૦રપ-ર૬ માટે ૮ એપ્રિલથી એડવાન્સ ટેક્ષ રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. જે નાગરિકો ઓનલાઈન ટેક્ષ ભરપાઈ કરશે તેમને ૧૩ ટકા વળતર આપવામાં આવશે.

જયારે ર૦રપ-ર૬ પહેલા સળંગ ત્રણ વર્ષ એડવાન્સ ચુકવ્યો હોય તેવા નાગરિકોને વધુ ર ટકા રિબેટ મળી કુલ ૧પ ટકા વળતર આપવામાં આવશે. ર૦ર૪-રપના વર્ષમાં એડવાન્સ ટેક્ષ રિબેટ યોજનામં રૂ.૭૬.૮૪ કરોડની આવક થઈ હતી જેમાં નાગરિકોને રિબેટ પેટે ૮૦.૭પ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતાં. આ સ્કીમનો પ૮ર૮૬૪ કરદાતાઓએ લાભ લીધો હતો.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફરતા વાહનો પર જાહેરાત કરનાર કંપનીઓ પાસેથી વસુલ કરવામાં આવતા ટેક્ષમાં વધારો કરવામાં આવ્યો છે સાથે સાથે ઓલા, ઉબેર, રેપીડો, સ્વીગી, ઝોમેટો જેવી કંપનીઓ જે પણ મુવીંગ વ્હીકલ પર જાહેરાત કરે છે તેમનો ડેટા એકત્ર કરી તેમની પાસેથી પણ ટેક્ષ વસુલ કરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશનને મુવીંગ વ્હીકલ ટેક્ષ પેટે દર વર્ષે રૂ.૩૦ લાખની આવક થાય છે.

શહેરની ફુટપાથો પર થતા દબાણને રોકવા ફુટપાથ તૈયાર થાય તેની સાથે જ રેલીંગ લગાવવામાં આવશે. બાલવાટિકા રાઈડસ દુર્ઘટના બાદ શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરવામાં આવ્યા હતા પરંતુ હવે તમામ સ્થળે એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ થઈ ગયા હોવાથી પ્રહલાદનગરમાં પણ આ પાર્ક શરૂ કરવામાં આવશે જેમાં કોર્પોરેશનને ર૭ ટકા રેવન્યુ મળશે.

આ ઉપરાંત નવીનિકરણ કરવામાં આવેલ બાલવાટિકાનું ૧પથી ર૦ દિવસમાં લોકાર્પણ થશે. શહેરમાં વૃક્ષોની ગણતરી શરૂ થઈ ગઈ છે અને અત્યાર સુધી ૧ લાખ ૩૦ હજાર જેટલા વૃક્ષોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં જરૂરિયાત મુજબ મેન પાવર વધારવામાં આવશે. શહેરમાં વરસાદી પાણીના સંચય માટે પરકોલેટીંગ વેલ માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

જેમાં મ્યુનિ. શાળાના શિક્ષકોને પણ જોડવામાં આવશે. કોર્પોરેશન સંચાલિત સીએચસી અને એમ.જે લાયબ્રેરીને વાર્તાનુકુલિન કરવામાં આવશે. નાગરિકો તરફથી વારંવાર મળતી ફરિયાદોને ધ્યાનમાં લઈ કોર્પોરેશનની ઈમેજ ખરાબ કરતા હોય તેવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.