AMC મ્યુનિ. ઈજનેર વિભાગે એક મહિનામાં 93 રોડના કામ પૂર્ણ કર્યા

પ્રતિકાત્મક
રોડ મામલે શાસક પક્ષના દાવા પોકળઃ કોંગ્રેસ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ દિવાળી સુધી ૧૦૦ જેટલા રોડ રીસર્ફેસ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી જે પૈકી ૯૦ જેટલા રોડના કામ પૂર્ણ થયા હોવાનો દાવો કમિટી ચેરમેન તરફથી કરવામાં આવ્યો છે જયારે વિપક્ષ કોંગ્રેસે આ દાવાને ખોટો જાહેર કર્યો છે.
મ્યુનિ. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિ ચેરમેન મહાદેવભાઈ દેસાઈના જણાવ્યા પ્રમાણે ઓકટોબર-નવેમ્બરમાં ૧૧૭ નવા રોડ બનાવવા માટે જે આયોજન કરવામાં આવ્યું હતું તે પૈકી ૯૩ રોડના કામ પૂર્ણ થઈ ગયા છે જયારે ૧૩ રોડના કામ ચાલી રહયા છે. મ્યુનિ. રોડ પ્રોજેકટ વિભાગને ર૧ રોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જે પૈકી ૧૪ રોડના કામ પુરા થઈ ગયા છે અને ૬ ના કામ ચાલી રહયા છે.
નોંધનીય બાબત એ છે કે રોડ પ્રોજેકટ વિભાગમાં પર૦ર૧ મેટ્રીક ટન જથ્થાના વપરાશનો અંદાજ તૈયાર કર્યો હતો જે મુજબ વપરાશ થયો છે. મધ્યઝોનમાં ૬ રોડ માટે આયોજન કરવામાં આવ્યું હતું જે તમામના કામ પૂર્ણ થઈ ગયા છે. ઈજનેર વિભાગ તરફથી લગભગ ૧પ૦ કિ.મી. લંબાઈના ૯૩ રોડના કામ પુરા કરવામાં આવ્યા છે જે પેટે અંદાજે રૂા.૮પ કરોડનો ખર્ચ થયો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા સહેજાદ ખાન પઠાણે તંત્રના દાવા ખોટા હોવાનું જણાવ્યું હતું તેમના કહેવા મુજબ ચોમાસાથી દિવાળી સુધી ૧૦૧ રોડના કામ પુરા કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી જેના કામ થયા નથી મ્યુનિ. શાસકો ખોટા આંકડા રજુ કરી પ્રજાને ગેરમાર્ગે દોરી રહયા છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.