Western Times News

Gujarati News

નવી ટીપી સ્કીમોમાં વિકાસ પરવાનગી આપતા પહેલા અંડર ગ્રાઉન્ડ યુટીલીટીના કામો પૂર્ણ કરવામાં આવશે

નાના બાળકોને મોબાઈલની લત છોડાવવા વિધાનસભા દીઠ રમતગમતના મેદાનો તૈયાર કરાશે: દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બાળકો અને યુવાનોને કોમ્પ્યુટર- મોબાઈલની લત છોડાવવા માટે રમત ગમતના મેદાન ડેવલપ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં ર૦૦૦ સીસીટીવી લગાવવા માટે ટુક સમયમાં ટેન્ડર જાહેર કરવામાં આવશે. નવા વિસ્તારોમાં પરામર્શ થયેલ ટીપી સ્કીમોમાં અંડર ગ્રાઉન્ડ યુટીલીટીના કામ ઝડપથી પુરા કરવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ જે વિસ્તારોમાં ટીપી સ્કીમ પરામર્શ થઈ ગઈ છે તે વિસ્તારોમાં ડેવલપમેન્ટના કામ શરૂ થાય તે પહેલા ટેલીફોન, ગેસ, લાઈટ, ડ્રેનેજ, પાણી સહિતની તમામ યુટીલીટીના કામ પહેલા પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ આ વિસ્તારોમાં વિકાસની પરવાનગી આપવામાં આવશે. જેથી વારંવાર ખોદકામ કરવાની જરૂરિયાત ન રહે. શહેરના કઠવાડા, સરખેજ સહિતના ૧૦ વિસ્તારોમાં ટીપી પરામર્શ થઈ ગયેલ છે.

જેમાં અંડર ગ્રાઉન્ડ યુટીલીટીના કામ પુરા કરવામાં આવશે. આજના ડીઝીટલ યુગમાં બાળકો ખુલ્લા મેદાનમાં રમવાનું ભુલી ગયા છે અને ઘણા એવા કિસ્સા બહાર આવે છે કે મોબાઈલના વ્યસનના કારણે બાળકોની જીંદગી પણ બરબાદ થઈ રહી છે તેથી બાળકોને ફરીથી ખુલ્લા મેદાનમાં લઈ જવા માટે વિધાનસભા દીઠ એક રમતગમતનું મેદાન ડેવલપ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે પશ્ચિમ ઝોનમાં -પ, ઉત્તર-પ, ઉ.પ.-૧, દ.પ.-૪, દક્ષિણ-ર, પૂર્વ-ર મળી કુલ ૧૯ પ્લે ગ્રાઉન્ડ ડેવલપ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

શહેરના નાના મોટા જંકશનો પર નવા સીસીટીવી ઈન્સ્ટોલ કરવામાં આવશે જે અંગે થોડા સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી જેનો અમલ પણ હવે કરવામાં આવી રહયો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૦૦ સીસીટીવી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. જે મંજુર થયા બાદ ઈન્સ્ટોલ કરવામાં આવશે. લાંભામાં એનઆઈડીસી વિસ્તારમાં રૂ.૮ કરોડના ખર્ચથી નવા રોડ બનાવવામાં આવશે.

જેના માટે નડતર રૂપ દબાણ દુર કરવામાં આવ્યા છે. શહેરમાં નવા બાંકડા મુકવા માટે કોર્પોરેટરોની સતત માંગણી થઈ રહી છે તેથી તમામ કોર્પોરેટરોને બાંકડા મળી રહે તે દિશામાં કામ કરવામાં આવશે અને ૮૦ઃર૦ સ્કીમ અંતર્ગત ખાનગી સોસાયટીઓમાં આરસીસી રોડ બનાવવાની ફાઈલો પણ મંજુર કરવામાં આવી રહી છે જે એતર્ગત પૂર્વ ઝોનમાં રૂ.પ કરોડની ફાળવણી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.