AMCની સામાન્ય સભામાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવ બહુમતીથી મંજૂર

(પ્રતિનિધિ) અમદાવાદ, દેશમાં વન નેશન- વન ઇલેક્શનના સમર્થનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૧ ફેબ્રુઆરી (શુક્રવારે) પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સ્પષ્ટ બહુમતીથી આ પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યો છે. વિપક્ષ કોંગ્રેસ દ્રારા પ્રસ્તાવનો વિરોધ કરવામાં આવ્યો હતો. મેયરે રજૂ કરેલા પ્રસ્તાવને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સમર્થન આપીને ઠરાવની નકલ રાષ્ટ્રપતિને મોકલવા માટે મંજૂરી આપી હતી.
વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી વન નેશન- વન ઇલેક્શનના પ્રસ્તાવને પસાર કરાયો છે. મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર, એક ચૂંટણીએ આપણા દેશની લોકસભા તથા રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજીને દેશના લોકતંત્રને વધુ પ્રભાવી અને પારદર્શક બનાવવાનો છે.
સમગ્ર દેશમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીની જરૂરીયાતોના કારણો જણાવવામાં આવેતો તેનાથી દેશ પરનો નાણાકીય બોજમાં ઘટાડો થશે એટલે કે દેશમાં એક સાથે ચૂંટણી યોજવાથી દેશમાં વારંવાર યોજાતી બહુવિધ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા નાણાકીય ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે અને તે બચતનુ ફંડ દેશના અન્ય વિકાસના કામોમાં ઉપયોગ કરી શકાય છે.
દેશમાં એકસાથે ચૂંટણી પ્રક્રિયા યોજાય તો નાણાકીય બચત થશે જ સાથે સાથે વારંવાર યોજાતી ચૂંટણી પ્રક્રિયામાં વપરાતુ માનવબળ, સાધનસામગ્રી અને સુરક્ષાબળ જેવા સંસાધનો સંબંધિત ખર્ચ થાય છે તેમાં પણ ઘટાડો થાય તેમ છે. સામાન્ય રીતે ચૂંટણી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આદર્શ આચારસંહિતાનો અમલ થતો હોય છે.
જેથી દેશના જુદા-જુદા ભાગોમાં જ્યારે-જ્યારે અલગ-અલગ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતી હોય છે ત્યારે-ત્યારે આદર્શ આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે વિકાસ કાર્યો પણ આચારસંહિતા દરમ્યાન કરી શકાતા નથી. દેશના વિકાસલક્ષી કામોમાં વિલંબતાને કારણે સમય જતા તે વિકાસ કાર્યોમાં ખર્ચમાં થતો વધારો પણ સહન કરવો પડતો હોય છે.
સમગ્ર દેશમાં એક જ સમયે ચૂંટણી યોજવામાં આવે તો દેશના વિકાસ સાથે-સાથે દેશના અર્થતંત્રમાં પણ સુધારો થાય અને વિશ્વસ્તરે દેશની આર્થિક સધ્ધરતામાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાશે. વારંવાર દેશના અલગ-અલગ ભાગોમાં યોજાતી અલગ-અલગ ચૂંટણીને કારણે દેશમાં રાજનૈતિક અસ્થિરતા ઉદ્દભવે છે અને તેને કારણે પણ જે નીતિગત નિર્ણયો લેવામાં પણ વિલંબ થાય છે.
જેથી જો સમગ્ર રાષ્ટ્રમાં એકસાથે ચૂંટણી યોજાય તો રાજકીય અસ્થિરતામાં ઘટાડો થાય અને દેશના હિત અને સુરક્ષાને લગતા નીતિગત નિર્ણયો સમયસર લઈ શકાય અને તેનો અમલ પણ સમયસર કરી શકાય છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે સમગ્ર રાષ્ટ્રમાં એક જ સમયે ચૂંટણી યોજાય તો ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલ નાણાંકીય ખર્ચમાં ઘટાડો થાય અને રાજકીય અસ્થિરતામાં ઘટાડો થાય તો દેશના હિત અને સુરક્ષાને લગતા સરકારી કામકાજમાં નિરંતરતા આવે અને નીતિગત નિર્ણયો લેવામાં વિલંબ ન થાય દેશનુ અર્થતંત્ર વધુ ધબકતુ રહેશે. દેશના વિકાસના કામોને વેગ મળી શકે છે.