૪૧ બ્રિજ પર AMCની ‘તીસરી આંખ’ પાલડીના કંટ્રોલ સેન્ટરથી મોનિટરીંગ
નહેરૂબ્રિજ, સુભાષબ્રિજ, આંબેડકરબ્રિજ, દધીચિબ્રિજ વગેરેને સીસીટીવી કેમેરા હેઠળ આવરી લેવામાં આવ્યા
(એજન્સી)અમદાવાદ, રાજ્યભરમાં ભારે ચકચાર ફેલાવનાર તથ્ય પટેલના હિટ એન્ડ રન અકસ્માતકાંડને એક વર્ષ પૂરું થઈ ગયું છે. તથ્ય પટેલ દ્વારા ઈસ્કોન બ્રિજ ઉપર મોડી રાતે ભારે અકસ્માત સર્જાયો હતો જેમાં નવ લોકો કાળના મુખમાં હોમાઈ ગયા હતા.
આ દર્દનાક અકસ્માતકાંડ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના ૮૧ જેટલા બ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની કવાયત હાથ ધરી હતી જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૪૧ બ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવાઈ ગયા હોઈ તેનું મોનિટરીંગ પાલડી ખાતેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી મ્યુનિસિપલ તંત્ર કરી રહ્યું છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી આ અંગે વધુ માહિતી આપતા કહે છે કે સત્તાવાળાઓ દ્વારા કુલ ૪૧ બ્રિજ કે જેમાં નદી પરના બ્રિજ, રેલવે ઓવરબ્રિજ અને માઈનોર બ્રિજનો સમાવેશ થાય છે તેવા બ્રિજને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ તમામ કેમેરાનું સઘન મોનિટરીંગ પાલડી ખાતેના મ્યુનિસિપલ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરથી થઈ રહ્યું છે. એટલે કે, આ તમામ બ્રિજ પરના ટ્રાફિકની અવર-જવર આ કંટ્રોલ રૂમ પર જોવા મળી રહી છે.
નદી પરના બ્રિજમાં જૂના સ્વામી વિવેકાનંદબ્રિજ, જૂના સરદાર પટેલ બ્રિજ, જૂના મહાત્મા ગાંધીબ્રિજ, સુભાષબ્રિજ, મહર્ષિ દધીચિબ્રિજ ખાતે લગાવેલા સીસીટીવી કેમેરાનું પાલડી ખાતેના કંટ્રોલ રૂમથી મોનિટરીંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત ઈન્કમટેક્ષના અરૂણ જેટલી ફલાય ઓવરબ્રિજ, અંજલિ ક્રોસ રોડના સુષમા સ્વરાજ ફલાય ઓવરબ્રિજ, વિરાટનગર ક્રોસ રોડના Âસ્પ્લટ ફલાય ઓવરબ્રિજ,
રાજેન્દ્ર પાર્ક ક્રોસ રોડના Âસ્પ્લટ ફલાય ઓવરબ્રિજ, અજિત મિલ જંકશન ફલાય ઓવરબ્રિજ, સીટીએમ ફલાય ઓવરબ્રિજ, ફર્સ્ટ લેવલ અને સેકન્ડ લેવલ, સોનીની ચાલી ફલાય ઓવરબ્રિજ એમ આ ફલાય ઓવરબ્રિજને પણ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા હેઠળ આવરી લઈ તેનું મોનિટરીંગ પાલડીના કંટ્રોલરૂમથી કરવામાં આવી રહ્યું છે તેમ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન વધુમાં જણાવે છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રેલવે ઓવરબ્રિજ પર પણ સીસીટીવી કેમેરા લગાવાઈ ગયા છે. જેનું પાલડીના કંટ્રોલરૂમથી મોનિટરીંગ થાય છે. આ રેલવે ઓવરબ્રિજમાં સારંગપુર રેલવે ઓવરબ્રિજ, અસારવાના અમરસિંહ ચૌધરી રેલવે ઓવરબ્રિજ, ગિરધરનગરના બાબુ જગજીવનરામ રેલવે ઓવરબ્રિજ, ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ,
શ્રેયસના વસંત ગજેન્દ્ર ગડકર રેલવે ઓવરબ્રિજ, ચાણક્યપુરીના મોરારજી દેસાઈ રેલવે ઓવરબ્રિજ, મેમ્કોના લાલભાઈ કસ્તૂરભાઈ રેલવે ઓવરબ્રિજ, ગોતાના સુંદરસિંહ ભંડારી રેલવે ઓવરબ્રિજ, શાહીબાગ લાડલા પીરના આચાર્ય મહાપ્રજ્ઞ રેલવે ઓવરબ્રિજ અને નરોડા જીઆઈડીસી વિસ્તારના રેલવે ફાટક-૯ના રેલવે ઓવરબ્રિજ ખાતે પણ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરાઈ છે તેમ તેઓ વધુમાં કહે છે.
આ તમામ બ્રિજ ઉપરાંત તંત્ર દ્વારા રેલવે અંડરપાસ ખાતે પણ સીસીટીવી કેમેરા ગોઠવાઈ ગયા છે અને રેલવે અંડરપાસમાંથી થતી ટ્રાફિકની અવરજવરને પાલડીના કંટ્રોલરૂમથી નીહાળી શકાય છે. આ રેલવે અંડરપાસમાં આઈટીઆઈટીના શ્રીમદ રાજચંદ્ર, અંડરપાસ, મીઠાખળીના અંડરપાસ, અર્જુન આશ્રમ પાસેના રેલવે ફાટક નં.૪ના અંડરપાસ, અર્જુન આશ્રમ પાસેના રેલવે ફાટર નં.પના અંડરપાસ,
ચામુંડા ક્રોસિંગ વિસ્તારના રેલવે ફાટક નં.રરના અંડરપાસ, વસ્ત્રાપુર સ્ટેશનના રેલવે ફાટક નં.ર૦ના અંડરપાસ, મકરબા ક્રોસિંગના રેલવે ફાટક નં.રપના અંડરપાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પરીક્ષિત મજમુદારબ્રિજ અને પ્રબોધ રાવલબ્રિજ એમ બે માઈનોર બ્રિજને પણ મ્યુનિ. સત્તાવાળાઓએ સીસીટીવી કેમેરા હેઠળ આવરી લીધા હોઈ કુલ ૪૧ બ્રિજ પરની ટ્રાફિકની તમામ પ્રકારની અવરજવરને કંટ્રોલ રૂમથી મોનિટરીંગ કરાઈ રહ્યું છે.