AMC ફ્લાયઓવર બનાવવા રાતોરાત 90 વૃક્ષો કાપવાનો પ્લાન બનાવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/06/Panjrapol1.jpg)
અમદાવાદમાં પાંજરાપોળ ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવા ૯૦ વૃક્ષો કાપી નાંખવાની યોજના બનાવી
(એજન્સી)અમદાવાદ, શહેરમાં દર વર્ષે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આ વખતે તો ઉનાળામાં તાપમાનનો પારો ૪૭ ડિગ્રીએ પહોચ્યો હતો. ગરમી વધવાનું કારણ અમદાવાદ શહેર ક્રોંક્રેટનું જંગલ બનતું જાય છે. અને વિકાસના નામે બેરોકટોક વૃક્ષ છેદન થઈ રહ્યું છે. ત્યારે હવે લોકો જ વૃક્ષછેદનનો વિરોધ કરી રહ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાંજરાપોળ ચાર રસ્તા પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે.
બ્રિજ બનાવવા માટે મોડી રાત્રે વૃક્ષો કાપવામાં આવી રહ્યા હતા, જેના પગલે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પર્યાવરણ પ્રેમી અને સ્થાનિક લોકોના વિરોધના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગની ટીમ પરત આવી ગઈ હતી. બ્રિજ બનાવવા માટે ૯૦થી વૃક્ષો કાપવામાં આવશે.
અમદાવાદમાં પાંજરોપાળ ચાર રસ્તા પર કરોડોના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. અને બ્રિજ બનાવવા માટે અડચણરૂપ બનતા લીલાછમ ૯૦ જેટલા વૃક્ષો કાપવાનો નિર્ણય લીધો છે. આથી વૃક્ષો કાપવા સામે સ્થાનિક નાગરિકો વિરોધ કરી રહ્યા છે.
આ અંગે ગાર્ડન વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરના પાંજરાપોળ પાસે ઓવરબ્રિજ બનવાનો છે, જેના માટે બંને તરફ સર્વિસ રોડ બનાવવા માટે નડતરરૂપ ઝાડ કાપવાની જરૂરિયાત છે.
જેના માટે સક્ષમ સત્તાની મંજૂરી લઈને ઝાડ કાપવાની શરૂઆત કરી હતી. શનિવારે રાત્રે જ્યારે ગાર્ડન વિભાગની ટીમ ત્યાં ઝાડ કાપી રહી હતી. ત્યારે ત્રણ જેટલા ઝાડ કાપવામાં આવતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને ટીમ સાથે બોલા ચાલી કરી હતી. જેથી ટીમ પરત આવી ગઈ હતી. બ્રિજ બનાવવા માટે જે ઝાડ કાપવાની જરૂરિયાત છે, એટલા ઝાડ જ દૂર કરવામાં આવી રહ્યા છે.
એએમસી દ્વારા શહેરના પાંજરાપોળ પાસે જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, તેને લઈને અગાઉથી વિવાદ ચાલી રહ્યો છે. બ્રિજ કઈ દિશામાં બનાવવો તેને લઈને વિવાદ થયા બાદ હવે બ્રિજના બંને તરફ ૯૦થી વધુ ઝાડ કાપવામાં મામલે સ્થાનિક લોકોએ વિરોધ કરી રહ્યા છે. વૃક્ષો કાપવા મામલે સ્થાનિક લોકોએ આંદોલનની અને જો વૃક્ષો કપાશે તો મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની ચીમકી આપી છે.