અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને પ્લોટ વેચાણ કરી રૂ.1102 કરોડની આવક મેળવી

એસ્ટેટ વિભાગને પણ 2023-24ની સરખામણીમાં રૂ.700 કરોડ કરતા વધુ થઈ છે.-એસ્ટેટ, સી.સી.પી.અને નગર વિકાસ વિભાગની આવકમાં ધરખમ વધારો થયો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાંથી ઓક્ટ્રોય દર શૂન્ય થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની રેવન્યુ આવકનો મુખ્ય સ્ત્રોત ટેક્ષ અને એસ્ટેટ વિભાગ પર રહ્યો છે. નાણાકીય વર્ષ 2024-25 માં ટેક્ષ વિભાગને રૂ.2660 કરોડ Bade માતબર આવક થઈ છે.
તો એસ્ટેટ વિભાગને પણ 2023-24ની સરખામણીમાં રૂ.700 કરોડ કરતા વધુ થઈ છે. એસ્ટેટ વિભાગ ની આવકમાં પ્લાન પાસ, બી.યુ. એફ.એસ.આઈ., જાહેરાત વગેરે નો સમાવેશ થાય છે. 2024-25માં પ્લોટ વેચાણ પેટે રૂ.1100 કરોડની આવક થઈ છે.
નાણાકીય વર્ષ 2024-25માં મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર વિકાસ, સીટી પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ત્રણેય વિભાગની સંયુકત આવક રૂ.2765 કરોડ થઈ છે. જે પાછલા વર્ષની સરખામણીમાં રૂ.749 કરોડ વધારે છે. 2023-24માં આ આવક રૂ.2016 કરોડ અને 2022-23માં 1169 કરોડ હતી.
મતલબ કે, 2022-23 કરતા 2024-25માં મનપાની તિજોરીમાં રૂ.1596 કરોડ વધુ જમા થયા છે. જો કે, નગર વિકાસ વિભાગની આવકમાં પાછલા વર્ષની સરખામણીમાં રૂ.161 કરોડનો ઘટાડો થયો છે. 2024-25માં નગર વિકાસ વિભાગની આવક રૂ.1446 કરોડ, સી.સી.પી.ની આવક રૂ.91 કરોડ અને એસ્ટેટ વિભાગને રૂ.1227 કરોડની આવક થઈ છે.
મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગની કુલ રૂ.1227 કરોડની આવકમાં સૌથી મોટો હિસ્સો પ્લોટ વેચાણની આવકનો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને 2024-25માં પ્લોટ વેચાણ પેટે રૂ.1102 કરોડની આવક થઈ છે. જાહેરાત પેટે માત્ર રૂ.34 કરોડની આવક અને હોલ ભાડાની આવક પેટે રૂ.29 કરોડ જમા થયા છે.
નગર વિકાસ વિભાગ ની આવક નો મુખ્ય સ્ત્રોત એફ.એસ.આઈ.રહ્યો છે. એડિશનલ એફ.એસ.આઈ.પેટે રૂ.659 કરોડ અને બી.આર.ટી.એસ. કોરિડોર પાસે આપવામાં આવેલ એફ.એસ.આઈ.ની આવક રૂ.145 કરોડ થઈ છે.જયારે અન્ય ફી પેટે રૂ.566 કરોડ ની આવક જમા થઈ છે.