ના ડ્રેનેજ… ના ખાળકુવા: મ્યુનિસિપલ પ્લોટમાં છોડવામાં આવતા સુઅરેજ વોટર
પૂજા ફાર્મ (લાંભા) થી 100 ફૂટ રોડ પરના રહીશો વધુ એક વખત ફસાયા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, “અમે તીવ્ર દુર્ગંધ અને મચ્છરોથી ત્રાસી ગયા છીએ. મ્યુનિ.કોર્પોરેશન માં વારંવાર ફરિયાદ કરવામાં આવી છે તેમજ જવાબદાર અધિકારીઓ અનેક વખત સ્થળ તપાસ કરી ગયા છે તેમ છતાં અમારા ઘર પાસેના ખુલ્લા પ્લોટમાં છોડવામાં આવતા સુઅરેજ વોટરની સમસ્યા નો કોઈ જ ઉકેલ આવતો નથી”
આ શબ્દો કોઈ નાગરિક ના નહિ પરંતુ બે-બે ટર્મ સુધી ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડી અને કોર્પોરેટર બનેલા દશરથભાઈ વાઘેલા ના છે.દશરથ ભાઈ 2010 થી 2015 સુધી ઇસનપુર અને 2025 થી 2021 સુધી લાંભા ના કોર્પોરેટર પદે રહી ચૂક્યા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરના પૂર્વ કોર્પોરેટરને શા માટે મ્યુનિસિપલ વહીવટી તંત્ર સામે ફરિયાદ કરવી પડે છે તે બાબત પણ જાણવી અને સમજવી જરૂરી છે.
પૂર્વ કોર્પોરેટર દશરથ ભાઈ વાઘેલા પૂજા ફાર્મ, લાંભા પાસે આવેલા પૂજા બંગલો માં રહે છે. આમ તો આ રોડ પર પૂજા બંગલો ને સૌથી શ્રેષ્ઠ સોસાયટી માનવામાં આવે છે. પરંતુ આ સોસાયટીના રહીશો સ્થિતિ આસપાસ થયેલા નવા ડેવલપમેન્ટ ના કારણે ખરાબ થઈ ગઈ છે. જેનું મુખ્ય કારણ એ છે કે સોસાયટીના મુખ્ય દરવાજા સામે અને બાજુમાં જ આવેલા મ્યુનિસિપલ પ્લોટમાં છેલ્લા દોઢ-બે વર્ષથી બેરોકટોક સુઅરેજ વોટર છોડવામાં આવી રહયા છે
જેના પરિણામે, મ્યુનિસિપલ પ્લોટ સુઅરેજ ના તળાવ બની ગયા છે. હવે, અહીં પ્રશ્ન એ થાય કે મ્યુનિસિપલ પ્લોટમાં સુરએજ વોટર કોણ છોડી રહ્યુ છે અને મ્યુનિસિપલ અધિકારીઓ શા માટે કોઈ કાર્યવાહી કરતા નથી? ભાજપના જ પૂર્વ કોર્પોરેટરની ફરિયાદ નો નિકાલ કેમ થતો નથી? આ તમામ સવાલના જવાબ પૂર્વ કોર્પોરેટર દશરથ ભાઈ સાથેની ચર્ચા દરમ્યાન મળ્યા છે.
દશરથભાઈએ જે વિગતો આપી તેનો સારાંશ જોઈએ તો વટવા વોર્ડમાં પૂજા ફાર્મ થી ન્યુ વટવા રોડ તરફ જવા માટેના રોડ પર તંત્ર ઘ્વારા અનેક હાઇરાઈઝ રેસી./કોમર્શિયલ સ્કીમોને બાંધકામ માટે મંજૂરી આપી છે. જે પૈકી લગભગ સાત થી આઠ સ્કીમના બાંધકામ પૂર્ણ થતાં તેને બી.યુ.પણ ઇસ્યુ કરી છે. તેથી બિલ્ડરો ઘ્વારા સભ્યો ને પઝેશન આપવામાં આવ્યા છે.
એક અંદાજ મુજબ આ રોડ પર હાલ એક હજાર કરતા વધુ પરિવાર વસવાટ કરે છે અને 100 જેટલા કોમર્શિયલ એકમો પણ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચૂંટાયેલી પાંખ ઘ્વારા બિલ્ડર લોબીને ખુશ કરવા અહીં 100 ફૂટનો રોડ બનાવવામાં આવ્યો છે. સ્ટ્રીટ લાઈટો પણ નાખવામાં આવી છે. આમ, તંત્ર ઘ્વારા બે પ્રાથમિક સુવિધા આપવામાં આવી છે પરંતુ ખાટલે મોટી ખોટ ડ્રેનેજ અને પાણી ની છે. બિલ્ડરો ઘ્વારા પ્રાઇવેટ બોર બનાવવામાં આવતા હોવાથી પાણીની સમસ્યા હલ થઈ છે પરંતુ ડ્રેનેજ નું શુ?
મ્યુનિ. કોર્પોરેશને આ વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમ ન હોવા છતાં જે સ્કીમોને બાંધકામ પુરા થયા તેની બી.યુ.ઇસ્યુ કરી છે. તેના માટે એમ કહેવાય છે કે આ બી.યુ. ખાલકુવા ની શરતે આપવામાં આવી છે. પરંતુ દશરથભાઈના કહેવા મુજબ મોટાભાગની સ્કીમો માં ખાલકુવા બનાવવામાં આવ્યા નથી અથવા તો તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેથી સભ્યો ઘ્વારા રોજ જે પાણીનો વપરાશ કરવામાં આવે છે તે નજીકના મ્યુનિ. પ્લોટના છોડવામાં આવે છે જેના માટે અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈનો પણ નાખવામાં આવી છે.
જે સ્કીમની નજીક મ્યુનિ. પ્લોટ નથી તે સ્કીમના બિલ્ડરો નજીકમાં આવેલી કેનાલમાં આ સુઅરેજ વોટર છોડી રહયા છે. કર્ણાવતી-6 અને તેની આસપાસની સ્કીમ આ રીતે કેનાલમાં સુઅરેજ પાણી છોડે છે. જયારે પૂજા બંગલો આસપાસની તમામ સ્કીમોના સુરેજ વોટર પૂજા બંગલો પાસે આવેલા મ્યુનિ. પ્લોટમાં છોડવામાં આવી રહયા છે. જેના કારણે સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે અને 24 કલાક ગંદા પાણીની દુર્ગંધ થી જિંદગી નર્ક સમાન બની ગઈ છે..
પૂજા ફાર્મથી વટવા તરફ જતા 100 ફિટ રોડ પર ખુલ્લામાં/કેનાલમાં છોડવામાં આવતા સુઅરેજ વોટર અંગે આસી.કમિશનર પ્રયાગ સોનીનો સંપર્ક કરતા તેમણે શરૂઆતમાં આ બાબતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જો કે, ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે રહીશોને ખાલકુવા ખાલી કરવા માટે ફરિયાદ ક્યાં કરવી તેનો ખ્યાલ ન હોવાથી આ પરિસ્થિતિ થઈ છે.
આ રોડ પર તમામ મિલ્કતો 25 મીટર કરતા વધુ ઊંચાઈની હોવાથી બી.યુ.પરમિશન તેમની સત્તામાં આવતી નથી.જો કે, 100 ફૂટ રોડ પર બી.યુ. માં પણ લાલીયાવાડી થઈ હોય તેમ લાગે છે.અંદાજે 35 મીટર ઊંચી બિલ્ડીંગ હોવા છતાં આસી.ટીડીઓની સહી બી.યુ.ઇસ્યુ થઈ છે.જેમાં પૂર્વ આસી.ટીડીઓ નારણભાઇ ચાવડ અને દક્ષિણઝોનના વર્તમાન ટીડીઓ કીર્તિભાઈ ડામોરની સહી છે. (આ વિસ્તારની ડ્રેનેજ સમસ્યા અંગે અધિકારીઓ અને બિલ્ડરોના મંતવ્ય હવે પછી)