કોમર્શિયલ મિલકતોના પ્રોપર્ટી ટેક્ષ રિટર્ન મામલે લેવામાં આવતી પેનલ્ટીમાં ઘટાડો
ર૪ ફેબ્રુઆરીએ ઝોન દીઠ લોકદરબાર યોજાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા ચેક રિટર્ન મુદ્દે નાગરિકો પાસેથી તગડી રકમ વસુલ કરવામાં આવે છે જેમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેવી જ રીતે નાગરિકો તરફથી થતી ફરિયાદોના સમયસર નિવારણ થતાં ન હોવાથી ટુંક સમયમાં લોકદરબારના આયોજન કરવામાં આવશે.
મ્યુનિ. રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિકભાઈ પટેલ અને ડેપ્યુટી ચેરમેન પ્રદિપ દવેએ જણાવ્યું હતું કે કોમર્શિયલ મિલકત ધારકો પાસેથી મિલકત વેરાના ચેક રિટર્ન મામલે ઘણો વધારે પડતો ચાર્જ લેવામાં આવે છે. રહેણાંક મિલકતમાં રૂા.પ૦૦ અથવા ચેકની રકમ બેમાંથી જે ઓછુ હોય તે લેવાય છે તેને યથાવત રાખવામાં આવે છે.
પરંતુ કોમર્શિયલ મિલકતોમાં ચેક રિટર્ન થતાં પેનલ્ટી પેટે રૂા.૧ હજાર અથવા ચેકની રકમના પાંચ ટકા બેમાંથી જે વધુ હોય તે મુજબ લેવામાં આવે છે તેથી જાે કોઈ નાગરિકને રૂા.પ લાખનો ચેક રિટર્ન થાય તો રૂા.રપ હજાર પેનલ્ટી લેવામાં આવે છે જે રકમ ઘણી વધારે છે
તેથી કમિટિમાં થયેલ નિર્ણય મુજબ હવે રૂા.૧ હજાર અથવા ચેકની રકમના પાંચ ટકા બેમાંથી જે ઓછું હોય તે મુજબ પેનલ્ટી લેવામાં આવશે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટિ અને બોર્ડની મંજુરી બાદ તેનો અમલ થશે. ટેક્ષ ખાતામાં નાગરિકો દ્વારા નામ ટ્રાન્સફર, ક્ષેત્રફળ, નવી આકારણી વધુ આકારણી, પરિબળમાં સુધારા જેવા કારણોસર ફરિયાદો થાય છે
આ ફરિયાદોના સમયસર નિકાલ થતો ન હોવાથી તંત્રએ ટેક્ષની આવક ગુમાવવી પડે છે તેથી આગામી ર૪ ફેબ્રુઆરીએ તમામ ઝોનની વોર્ડ ઓફિસમાં સવારે ૧૦.૩૦થી સાંજે પ.૦૦ વાગ્યા સુધી ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાગરિકોની ફરિયાદોનું સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.