AMC દ્વારા પ્રોપર્ટી ટેક્ષની વસુલાત માટે ખાનગી સોસાયટીઓના ચેરમેન-સેક્રેટરીઓને નોટીસ આપવામાં આવી
પૂર્વ ઝોનમાં ૩૯ અને દક્ષિણ ઝોનમાં ર૭ રહેણાંક સોસાયટીને નોટીસો ફટકારાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મિલકત વેરાના બાકી લેણાંની વસુલાત માટે દર વર્ષે સિલીંગ ઝુંબેશ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત જ ખાનગી સોસાયટીના ચેરમેન, સેક્રેટરીઓને નોટિસ આપવામાં આવી છે.
જે સોસાયટીના વધુ ટેક્ષ બાકી હોય તેવી સોસાયટીના નળ-ગટરના જોડાણ કાપવા માટે આ નોટિસો આપવામાં આવી છે. ટેક્ષ વિભાગે મંગળવારે એક જ દિવસમાં ૧ર૦૦ કરતા વધુ મિલકતો સીલ કરી રૂ.ર.૭૦ કરોડની આવક મેળવી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને પૂર્વ અને દક્ષિણ ઝોનમાં પ્રોપર્ટી ટેક્ષની રકમ ભરતા ન હોય તેવી સોસાયટીઓના ચેરમેન/સેક્રેટરીઓને નોટીસ આપવામાં આવી છે. પૂર્વ ઝોનમાં કર્ણાવતી પાર્ક નરોડા, મારૂતિ પાર્ક- નવા નરોડા, કૈલાશધામ સોસાયટી- નવા નરોડા, આદિનાથ નગર- ઓઢવ, કિલ્લોલ નગર- ઓઢવ, રોયલ એપાર્ટમેન્ટ – ગોમતીપુર,
લોટસ રેસીડેન્સી- ગોમતીપુર, દેવશય રેસીડેન્સી – વસ્ત્રાલ સહિતની ૧૪ સોસાયટીઓના રહીશોનો પ્રોપર્ટી ટેક્ષ બાકી હોવાથી નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં ૪૭૯ એકમો સીલ કરી રૂ.૩પ.૧૬ લાખ પ્રોપર્ટી ટેક્ષની વસુલાત કરવામાં આવી છે. તેવી જ રીતે દક્ષિણ ઝોનમાં પણ ર૭ રહેણાંક સોસાયટીઓને નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત ર૭૯ મિલકતો સીલ કરવામાં આવી છે.
તંત્ર દ્વારા જે રહેણાંક સોસાયટીઓને નોટીસ આપવામાં આવી છે તેમાં ધ્વનિકુંજ ફલેટ-વિઠ્ઠલનગર ટેકરા, અંજતા- ઈલોરા એપાર્ટમેન્ટ, શ્રીરામ રેસીડેન્સી- નારોલ, નિકુંજ છાયા સોસાયટી- મણિનગર વગેરેનો સમાવેશ થાય છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ મિલકત વેરાની બાકી લેણાંની વસુલાત માટે સીલીંગ ઝુંબેશ કરવામાં આવી છે જે અંતર્ગત અત્યાર સુધી કુલ ર૩ર૪૩ મિલકતો સીલ કરી રૂ.૮ર.૭૭ કરોડની આવક મેળવી છે. ચાલુ વર્ષ દરમિયાન મ્યુનિ. કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્ષ પેટે કુલ રૂ.૧૧૯૯.૭ર કરોડની આવક થઈ છે
જયારે પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂ.૧૭૬.ર૬ અને વ્હીકલ ટેક્ષ પેટે રૂ.૧પ૭.૮૭ કરોડની આવક થઈ છે. મંગળવારે ટેક્ષ વિભાગે ૧ર૮૦ મિલકત સીલ કરી હતી જેમાં મધ્યઝોન-૯૮, ઉત્તર- ૩ર, દક્ષિણ-૧૭૯, પૂર્વ ઝોન- ૪૬૯, પશ્ચિમ – ૬૧, ઉ.પ.ઝોન- ૪૯, દ.પ.-૧૯ર મિલકતોનો સમાવેશ થાય છે.