અદાણી, રિલાયન્સ, ટાટા ટેલીકોમનો 25 કરોડ કરતા વધુ રકમનો પ્રોપર્ટી ટેક્ષ બાકી
તાકાત હોય તો આ લોકોની ઓફિસે જઈ ઢોલ-નગારા વગાડો ઃ નાગરિકોમાં આક્રોશ
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘મોટા કરે તે લીલા અને નાના કરે તે પાપ’ કહેવત યથાર્થ સાબિત થઈ રહી છે. મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ દ્વારા હમણાં સુધી ટેક્ષના બાકી લેણાંની વસુલાત માટે કોમર્શિયલ મિલકતો સીલ કરવામાં આવતી હતી પરંતુ હવે રહેણાંક મિલકતોને પણ નોટીસ આપવામાં આવી રહી છે
અને મોટા કરદાતાઓ સામે બાથ ભીડ ન શકતા શાસકો અને વહીવટીતંત્ર દ્વારા રહેણાંક મિલકતોનો ટેક્ષ વસુલ કરવા ઢોલ નગારા વગાડી નાગરિકોનું જાહેર અપમાન કરી રહયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
બીજી તરફ મોટી કંપનીઓના કરોડો રૂપિયા બાકી હોવા છતાં તેમના માટે લાલજાજમ બીછાવવામાં આવી રહી છે. મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા દર વર્ષે ટાર્ગેટ પૂર્ણ કરવા માટે સરેરાશ અઢીથી ત્રણ લાખ નાની મોટી મિલકતો સીલ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં તો એવા કિસ્સા પણ જોવા મળ્યા હતા કે જેમાં કરદાતાએ ટેક્ષ ભરપાઈ કર્યો હોય તેમ છતાં મિલકત સીલ થઈ હતી.
અથવા તો વર્તમાન વર્ષનો જ ટેક્ષ બાકી હોય તેમ છતાં નોટીસ આપી સીલીંગ કાર્યવાહી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે આના કરતા પણ વધારે અમાવીય કહી શકાય તેવી કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં રહેણાંક મિલકતના રૂ.ર થી ૩ હજારનો ટેક્ષ વસુલ કરવા નાગરિકોના ઘરે જઈ ઢોલ નગારા વગાડવામાં આવી રહયા છે. આ બાબત નાગરિકો કરતા વહીવટી તંત્ર માટે અત્યંત શરમજનક હોવાનું માનવામાં આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે અદાણી, રિલાયન્સ અને ટાટા જેવી કંપનીઓના કરોડો રૂપિયા બાકી છે.
અમદાવાદ શહેરમાં અંડરગ્રાઉન્ડ ગેસ પાઈપલાઈન કે ટેલીકોમ સર્વિસ માટે નાંખવામાં આવતા કેબલ કે પાઈપોના ટેક્ષની વસુલાત વર્ષોથી થઈ નથી. ર૦ ડીસેમ્બર ર૦ર૪ની સ્થિતિ મુજબ જોવામાં આવે તો ટાટા ટેલીકોમ, અદાણી અને રિલાયન્સ આ ત્રણ કંપનીના જ કુલ રપ કરોડ કરતા પણ વધુ રકમ પ્રોપર્ટી ટેક્ષ પેટે બાકી નીકળે છે.
આ કંપનીઓ સામે કાર્યવાહી કરવાને બદલે આંખ આડા કાન કરવામાં આવે છે. જોકે અદાણી લિમિટેડની કોર્ટ મેટર ચાલી રહી છે જેના કારણે ટેક્ષ બાકી હોવાનું અધિકારીઓ જણાવી રહયા છે. પરંતુ અહીં બીજી નોંધપાત્ર બાબત એ છે કે આ તમામ કંપનીઓ દ્વારા જ મ્યુનિ. કોર્પો.ની માલિકીની જગ્યામાં ખોદકામ કરી કેબલ કે પાઈપો નાંખવામાં આવી છે
ત્યારે તેની ટેક્ષ આકારણી ભાડુઆતના ધોરણે કરવી જોઈએ જેના બદલે માલિકીના ધોરણે કરવામાં આવી રહી છે તેથી પણ કોર્પોરેશનને આર્થિક નુકશાન થઈ રહયું છે. આ કંપનીઓ દ્વારા સમયસર ટેક્ષ ભરવામાં નથી આવતો તેથી જો તંત્રમાં તાકાત હોય તો તેમની ઓફિસો સામે જઈ ઢોલ નગારા વગાડવા જોઈએ તેવી ચર્ચા નાગરિકો કરી રહયા છે.