અમદાવાદ મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષની જુની ફોર્મ્યુલામાં ૮૦ કરોડ મુદ્દલ અને ૩ર૬ કરોડ વ્યાજ

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઓકટ્રોય દર શૂન્ય થયા બાદ કોર્પોરેશનની આવકનો મુખ્ય આધાર ટેક્ષ વિભાગ રહયો છે. મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા બાકી લેણાંની વસુલાત માટે વ્યાજ રિબેટ, સીલીંગ ઝુંબેશ, મિલકત જપ્તી જેવા અવનવા અખતરા કરવામાં આવે છે. પરંતુ વર્ષો જુના લ્હેણાં વસુલ થતાં નથી જેનું મુખ્ય કારણ ‘ઉંઘમાં પણ દોડી રહેલા વ્યાજના ઘોડા છે’ કોર્પોરેશન દ્વારા ટેક્ષના બાકી લેણાં પર ૧૮ટકા વ્યાજ વસુલ કરવામાં આવે છે
જેના કારણે મુદ્દલ કરતા વ્યાજની રકમ બમણી થઈ ગઈ છે. આવી જ કંઈક પરિસ્થિતિ ટેક્ષની જુની ફોર્મ્યુલામાં પણ જોવા મળે છે. જેમાં ૮૦ કરોડની મુદ્દલ સામે ૩ર૬ કરોડ જેટલું વ્યાજ ચડયું છે.
મ્યુનિ. કોર્પોરેશનમાં ર૦ર૧ની સાલથી ટેક્ષની નવી ફોર્મ્યુલાનો અમલ શરૂ થયો છે. આ અગાઉ જુની ફોર્મ્યુલા મુજબ ટેક્ષની આકારણી થતી હતી જેમાં જે તે વોર્ડ ઈન્સ્પેકટરની મરજી મુજબ ઉચ્ચક ગણતરી કરવામાં આવતી હતી તેથી તે સમયે ઘણા કરદાતાઓએ ટેક્ષ ભરપાઈ કર્યાં ન હતાં. ટેક્ષની નવી ફોર્મ્યુલાના અમલ બાદ જુની ફોર્મ્યુલા બાકી લેણાં ભરવામાં કરદાતાઓને રસ રહયો ન હતો. કારણ કે તેનું મુખ્ય કારણ ૧૮ ટકા વ્યાજ હોવાનું માનવામાં આવે છે.
મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા વસુલ કરવામાં આવતા શરાફી વ્યાજ ના કારણે મુદ્દલ કરતા વ્યાજની રકમ ૪ ગણી થઈ ગઈ છે. જુની ફોર્મ્યુલામાં મુદ્દલ પેટે રૂ.૮૦ કરોડ બાકી છે જેની સામે વ્યાજની રકમ ૩ર૬ કરોડ રૂપિયા થાય છે. આ સંજોગોમાં કોર્પોરેશન દ્વારા ગમે તેટલી રિબેટ આપવામાં આવે તો પણ કરદાતાઓ ટેક્ષ ભરવા તૈયાર નથી.
મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા વસુલવામાં આવતા ૧૮ ટકા વ્યાજની અસર જુની ફોર્મ્યુલાની સાથે સાથે નવી ફોર્મ્યુલાના પણ બાકી લહેણાં પર જોવા મળી છે. ર૦૦૧થી અમલી નવી ફોર્મ્યુલામાં પણ મુદ્દલ કરતા વ્યાજ વધી ગયું છે. આ ફોર્મ્યુલામાં વર્તમાન નાણાંકિય વર્ષને બાદ કરવામાં આવે તો ૧૬ર૦ કરોડની મુદ્દલ સામે રર૮૩ કરોડનું વ્યાજ ચડી ગયું છે તેથી એમ પણ માનવામાં આવે છે કે ટેક્ષ વિભાગના ચોપડે જે આવક થાય છે તેમાં લગભગ પ૦ ટકા વધુ રકમ માત્ર વ્યાજની હોય છે.
અહીં આશ્ચર્યજનક બાબત એ છે કે ર૦૦૬-૦૭ બાદ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં ભેળવાયેલા નવા પશ્ચિમ ઝોન વિસ્તારની પણ જુની ફોર્મ્યુલામાં બાકી દર્શાવવામાં આવે છે જેના માટે એમ કહેવામાં આવી રહયું છે કે જે તે ગ્રામ પંચાયત કે નગરપાલિકા સમયના બાકી લેણાંને જુની ફોર્મ્યુલામાં સમાવેશ કરવામાં આવે છે તેથી તેમાં પણ ૧૮ટકા લેખે વ્યાજના ઘોડા દોડાવવામાં આવે છે.