AMCને ટેક્ષ પેટે 2256 કરોડની આવકઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી છલકાઈ :

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નાણાકીય વર્ષ 2024-25માં ટેક્ષ પેટે ઐતિહાસિક આવક થઈ છે. 2024-25ના નાણાકીય વર્ષનાં અંતિમ દિવસે સાંજે સાત વાગ્યા સુધીમાં ટેક્ષની કુલ આવક 2256.31 કરોડ થઈ છે. ગત વર્ષ કરતાં 103 કરોડ જેટલી વધુ આવક થઈ છે.
મ્યુનિસિપલ રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા અને ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુખ્ય સ્ત્રોત ટેક્સનો હોય છે,
ત્યારે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સ ધારકો પાસેથી ટેક્સ વસૂલવાની કાર્યવાહીથી લઈને વ્યાજમાં ફીની સ્કીમનો ટેક્સ ધારકો દ્વારા લેવામાં આવેલા લાભ પરથી આખા વર્ષ દરમિયાન પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વ્હિકલ ટેક્સ તેમજ નામ ટ્રાન્સફર વસુલ ફી સાથે કુલ આવક 2256.31 કરોડ જેટલી થઈ છે. ગત વર્ષ કરતાં 103 કરોડની આવક વધુ છે જે કોર્પોરેશનની ટેક્સ વિભાગની અભૂતપૂર્વ સિદ્ધિ છે.
2024-25માં પ્રોપર્ટી ટેક્સની આવક 1740 કરોડ જ્યારે પ્રોફેશનલ ટેક્સની 270 કરોડની આવક થઈ છે. આજે 31 માર્ચ 2025 ના રોજ વ્યાજ માફીની યોજનાનો છેલ્લો
દિવસ હતો ત્યારે એક જ દિવસમાં 24.22 કરોડ રૂપિયાની આવક થઈ છે. સૌથી વધારે પાલડી, વાડજ, વાસણા, નવરંગપુરા નારણપુરા, રાણીપ, સાબરમતી ચાંદખેડા મોટેરા સહિતના વિસ્તારના નાગરિકોએ ટેક્સ વધુ ભર્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા 14 માર્ચથી રિબેટ યોજના જાહેર કરવામાં આવી હતી. 14 માર્ચથી 31 માર્ચ સુધી મિલકતવેરા પેટે કુલ 229.47 કરોડની આવક થઈ હતી જે પૈકી કરદાતાઓને રૂ 54.55 કરોડ રિબેટ આપવામાં આવ્યું હતું.રિબેટ યોજનાનો 108749 કરદાતાઓએ લાભ લીધો હતો.