રાણીપમાં 4 કિમી ગટરલાઈન નાંખવા કોર્પોરેશન 2.85 કરોડ ખર્ચશે
રાણીપની વર્ષો જુની ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં નર્મદાના પાણી સપ્લાય થતા નથી તેથી આ વિસ્તારો બોર આધારિત છે. આવા વિસ્તારોનો સર્વે કીર તેમાં નવા નેટવર્ક નાંખી બોર બંધ કરવા માટે તાકિદે કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત પશ્ચિમ ઝોનના રાણીપ વિસ્તારની ડ્રેનેજ લાઈનો વર્ષો જુની હોવાથી તેને અપગ્રેડ કરી બ્રેક ડાઉનની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવશે. આ ઉપરાંત એસટીપીમાં ફરજ બજાવતા કોન્ટ્રાકટરના સ્ટાફને મોબાઈલ ફોન આપવા માટે વિચારણા ચાલી રહી છે.
મ્યુનિ. વોટર સપ્લાય અને સુઅરેજ કમિટિ ચેરમેન દિલીપ બગડિયા ના જણાવ્યા મુજબ પશ્ચિમ ઝોન રાણીપ વોર્ડમાં બલોલ નગર થી શાકમાર્કેટ રોડ ગાયત્રી મંદિર થી બાલકૃષ્ણ મંદિર સમાધાન ચાર રસ્તા તરફ ગાયત્રી મંદિર થી સદા હોસ્પિટલ થઈ જોગસ પાર્ક તરફ તથા લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી થી શાકમાર્કેટ રોડ ઉપર નાખવામાં નગરપાલિકા સમયગાળા દરમિયાન નાખવામાં આવેલ
ડ્રેનેજ નેટવર્ક વર્ષો જૂનું હોય તથા ૨૨ થી ૨૮ ફૂટ જેટલી ઊંડાઈમાં હોય નેટવર્ક અપગ્રેડેશન કરવાના કામ અંતર્ગત- જુના રાણીપ વિસ્તારમાં શાક માર્કેટ થી નવનિર્માણ હાઈસ્કૂલ થી બલોલ નગર બ્રિજ તરફ, સબ જોનલ ઓફિસ થી રાજ બંગલો થઈ પોસ્ટ ઓફિસ ચાર રસ્તા સુધી,
રાજદીપ સોસાયટી થી બાલકૃષ્ણ મંદિર થી જોગર્સ પાર્ક સુધી તથા આંતરિક રોડ ઉપર ૧૨ થી ૧૫ ફૂટ ની ઊંડાઈમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાના કામમાં, સદર ડ્રેનેજ લાઈન મોટેભાગે સિલ્ટેડ થઈ ગયેલ હોવાથી ડ્રેનેજ લાઈન અપગ્રેડેશનની કામગીરી કરવામાં આવશે.
આ કામગીરી કરવાથી જુના રાણીપ વિસ્તારના ગટર લાઈન ભરાવવાના પ્રશ્નોનો કાયમી નિકાલ લાવી શકાશે. તેમજ ગટર લાઈન વર્ષો જૂની હોય વારંવાર થતાં બ્રેક ડાઉન થવાનો કાયમી નિકાલ થશે. તેમજ આ કામગીરી કરવાથી સમગ્ર વિસ્તારમાં ડ્રેનેજ ના પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શકશે.
વોટર સપ્લાય કમિટિના જીરો અવર્સ દરમિયાન થયેલ ચર્ચા મુજબ અમદાવાદ શહેરમાં અત્યારે પણ ૬૦૦થી વધારે મ્યુનિ. સંચાલીત બોર કાર્યરત છે. આ બોરમાંથી પાણી ખેંચીને નાગરીકોને પહોંચાડવામાં આવે છે. નોંધનીય છે કે તેને કારણે ભુગર્ભજળ ઘટી રહ્યું છે ત્યારે હવે આ બોર બંધ કરી તબક્કાવાર રીતે શહેરમાં તમામ નાગરીકોને નર્મદાનું જળ મળી રહે તે દિશામાં કામ કરવા માટે તંત્રને સુચના આપી છે.
ચાંદખેડા વિસ્તારમાં ઔડા દ્વારા બનાવવામાં આવેલા ઓવરહેડ ટાંકી લાંબા સમયથી ખાલી પડી રહી છે. તેનો યોગ્ય ઉપયોગ નહી કરવામાં આવવાને કારણે તે જર્જરીત થયા છે. જે બાબતે પણ તપાસ કરવા માટે સુચના અપાઇ છે. કમોડ ખાતે મ્યુનિ.ના બોરવેલમાં હવે રેતી આવતી હોવાથી ઝડપથી તે બોરવેલ બંધ કરવો પડે તેવી સ્થિતિ હોવાનું રજૂઆત થઇ હતી. જેને પગલે ચેરમેન પુછતાં મ્યુનિ. પાસે હયાત કેટલા બોર છે?
તો આવા ૬૦૦ થી વધારે બોર હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતુંકે, જોકે તમામ બોરથી પાણી ખેંચીને પુરૂ પાડવામાં આવતું નથી. માત્ર કેટલાક બોરથી જ ભુગર્ભજળ ખેંચીને પાણી પુરવઠો આપવામાં આવે છે. દરમ્યાન અન્ય કેટલાક બોર એવા સ્થળે છે જે માત્ર ક્યારેક જ કાર્યરત કરવામાં આવે છે ત્યાં અત્યારે નર્મદાજળથી પાણી અપાય છે. જોકે જે બોર પાણી ખેંચી અન્ય વિસ્તારમાં પાણી અપાય છે
તે બોરની યાદી તૈયાર કરી તબક્કાવાર રીતે આ બોર બંધ કરવાનું આયોજન કરવા કમિટિ દ્વારા સુચન કરવામાં આવ્યું છે. જોકે પહેલા આ તમામ વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે. મ્યુનિ.ના એસટીપી ખાતે કાર્યરત કર્મચારીઓને મોબાઇલ ફોન આપવા જોઇએ જેથી ચોમાસામાં વરસાદી પાણી સમયે ત્યાંની સ્થિતિ જાણી શકાય. નોંધનીય છેકે, આ તમામ એસટીપી ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા જ ચલાવવામાં આવે છે. ત્યારે ૧૦૮ જેટલા ફોન આપવા પડે તેવી સ્થિતિ છે.