કોર્પોરેશનના રોડ કોન્ટ્રાકટરોને પીકઅવર્સ દરમ્યાન જ રોડ બનાવવાનું સુજે છે
પીક અવર્સમાં રોડનું કામ હાથ ધરાતાં લોકો ટ્રાફિકજામમાં અટવાયા -ખોખરા વોર્ડના ગુરુજી રેલવે ઓવરબ્રિજથી હાટકેશ્વર સર્કલ સુધીના દોઢ કિલોમીટર લાંબા રોડનો વાહન વ્યવહાર ખોરવાયો
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં રોડનાં કામ હાથ ધરાઈ રહ્યાં છે, જે હેઠળ પેચવર્ક તેમજ રોડ રિસરફેસિંગનાં કામનો ધમધમાટ ચાલી રહ્યો છે, જાેકે લોકો હેરાનગતિ ભોગવી રહ્યા છએ. રોડનાં કામ કરતી વખતે સામાન્ય રીતે રાતનો સમય પસંદ કરાય છે,
તેમાં પણ મોડી રાતે વાહન વ્યવહાર સાવ ઓછો થઇ ગયા બાદ રોડનાં કામ કરાતાં હોઈ સવારે તેને આટોપી લેવામાં આવે છે એટલે સવારથી ટ્રાફિકની અવરજવર શરૂ થાય તે વખતથી રોડનાં કામથી કોઈ અવરોધ ઊભો થતો નથી, પરંતુ અનેક વખત ધોળે દહાડે રોડ બનાવવાની કામગીરી થતી જાેવા મળે છે. આનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે, જેમાં ખોખરા વોર્ડમાં રોડ રિસરફેસિંગની કામગીરી કોન્ટ્રાક્ટરે સવારે શરૂ કરતાં થયેલા ટ્રાફિક જામમાં સેંકડો લોકો અટવાતાં ભારે હોબાળો મચી ગયો હતો.
ખોખરા વોર્ડમાં ગુરુજી રેલવે ઓવરબ્રિજ નીચે ગોરના કૂવા પોલીસ ચોકીથી સેવન્થ ડે સ્કૂલથી હાટકેશ્વર સર્કલ તરફ જતા રોડને રિસરફેસિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો. આજે સવારના નવ વાગ્યે સેંકડો વાહનચાલકો રોડના કામના લીધે તેને બ્લોક કરાતાં મુશ્કેલીમાં મુકાયા હતા.
નોકરી-ધંધાના સ્થળે પહોંચવા માટેની દોડધામમાં નાગરિકો હતા, પરંતુ રોડના કામના કોન્ટ્રાક્ટર દ્વારા રિસરફેસિંગની કામગીરી હાથ ધરવા એકબાજુના રોડને બેરિકેડ મૂકી સવારના છ વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
ગોરના કૂવા પોલીસ ચોકીથી સેવન્થ ડે સ્કૂલ સુધીના ૨૦૦ મીટર લાંબા રોડ પર કોન્ટ્રાક્ટરે કામગીરી તો શરૂ કરી હતી, પરંતુ તે માટે કોઈને વિશ્વાસમાં લીધા ન હતા, જેના કારણે પીક અવર્સ શરૂ થતાં જ સમગ્ર રોડ પરનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જે કામ રાતના સમયે કરવાનું હોય એ કામ પીક અવર્સમાં શરૂ કરાતાં છેક હાટકેશ્વર સર્કલ સુધીના આશરે દોઢ કિલોમીટર લાંબા રોડના પટ્ટા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.
ટ્રાફિકજામમાં અટવાયેલા લોકો પૈકી કોઈ જાગૃત નાગરિકે શહેર પોલીસ કંટ્રોલરૂમને તત્કાળ ફોન દ્વારા આ સ્થિતિથી વાકેફ કર્યાે હતો તેમજ સ્થાનિક કોર્પાેરેટરને પણ ફોન કરીને સમગ્ર બાબતથી પરિચિત કર્યા હતા, જાેકે સંકલન વિના રોડ બનાવવાનું કામ શરૂ થતાં પીક અવર્સ દરમિયાન નોકરિયાત વર્ગ, વેપારીઓ અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ આ ટ્રાફિકજામમાં ફસાઈ જતાં તેમને તેમના સ્થવે જવામાં વિલંબ થયો હતો.
દરમિયાન અમદાવાદમાં રોડના કામમાં સરેરાશ ૪૯૦૦ મેટ્રિક ટન માલ વપરાઈ રહ્યો છે, જેમાં આશરે ૫૦૦ મેટ્રિક ટન માલ પેચવર્કના કામ માટે અને ૪૪૦૦ મેટ્રિક ટન માલ રોડ રિસરફેસિંગના કામ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. પશ્ચિમ ઝોનના સ્ટેડિયમ વોર્ડ, મધ્ય ઝોનના ખાડિયા વોર્ડ, ઉત્તર ઝોનના સરસપુર વોર્ડ, પૂર્વ ઝોનના ગોમતીપુર વોર્ડ અને લાંભા વોર્ડ, ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડ,
ગોતા વોર્ડ અને બોડકદેવ વોર્ડના વિવિધ રોડ પર તા.૨૩ નવેમ્બરે પેચવર્કનાં કામ મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામાં આવ્યાં હતાં, જેમાં સ્ટેડિયમ વોર્ડમાં સૌથી વધુ ૭૧.૭૩ મેટ્રિક ટન માલ વાપરવામાં આવ્યો હતો.
જ્યારે આ જ દિવસે ગોતામાં ગોગા મહારાજ મંદિરથી સ્થાપત્ય કાઈટ, વસ્ત્રાલમાં માધવ ઈન્ટરનેશનલ સ્કૂલથી એસ.પી.રિંગરોડ અને ઉમિયા ડુપ્લેક્સથી કસાલી રોડ એમ ત્રણ રોડ રિસરફેસિંગનાં કામ મ્યુનિ.તંત્રના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા.
ઝોનદીઠ રોડની કામગીરી તપાસતનાં ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડના સ્થાપત્ય હાઈટથી એસ.પી.રિંગરોડ, એસ.પી.રિંગનો સર્વિસ રોડ, ચાદલોડિયાની શ્રીજી રેસિડેન્સીથી યદુડી ગરનાળા સુધીનો રોડ, પશ્ચિમ ઝોનના સ્ટેડિયમ વોર્ડના મિલાપ કોર્નથી ઉસ્માનપુરા અંડરપાસ અને વાસણા વોર્ડના ગણેશ પ્લાઝાથી વાસુપૂજ્ય ફ્લેટ સુધીનો રોડ રિસરફેસ કરાયો હતો. ઉપરાંત સૈજપુર, ઈન્ડિયા કોલોની, વસ્ત્રાલ, અસારવા અને સરખેજમાં પણ રોડ રિસરફેસિંગનાં એક-એક કામ કરવામાં આવ્યાં હતાં.