Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનમાં લાલીયાવાડીઃ રોડના ચાર ટેન્ડરમાં જ રૂ. ૩૩ કરોડ વધુ ચૂકવાશે

File

Ahmedabadમાં નવા રોડ રીસરફેસ કરવાના નામે રૂ. ૧૩૭ કરોડના ચાર કામોની દરખાસ્ત લાવવામાં આવી છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં ચોમાસા બાદ વિવિધ જગ્યાએ નવા રોડ બનાવવાની અને રિસરફેસ કામગીરી શરૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે ગોઠવણ કરી અંદાજિત ભાવ કરતા વધુ ભાવે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહયા છે.

શહેરના પૂર્વ વિસ્તાર અને ઉત્તર પશ્ચિમ ઝોનના વિસ્તારમાં નવા રોડ બનાવવાની રીત સરફેસ કરવા માટે ઇજનેર વિભાગના અધિકારીઓ ઘ્‌વારા બનાવવામાં આવેલા અંદાજીત ભાવ કરતા ૨૫ ટકા વધુ આપવામાં આવશે જેનો કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો છે.

મ્યુનિસિપલ વિપક્ષી નેતા શેહઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શહેરમાં ડામરના રોડ ટકતા નથી. અનેક જગ્યાએ ખાડાઓ પડયા છે. ભ્રષ્ટાચારી વહીવટના કારણે રોડ બનાવવા પાછળનો ખર્ચ વેડફાઈ જાય છે

ત્યારે શહેરમાં નવા રોડ રીસરફેસ કરવાના નામે રૂ. ૧૩૭ કરોડના ચાર કામોની દરખાસ્ત લાવવામાં આવી છે. જેમાં ૨૪.૫૦ ટકા વધુ ભાવ મૂકવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીઓએ રૂપિયા ૧૦૫ કરોડનો અંદાજ મૂક્યો હતો

તેની સામે ૩૨ કરોડ રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે, શું ઇજનેર વિભાગના અધિકારીઓ યોગ્ય અંદાજ કાઢતા નથી?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વચ્ચે વચ્ચે રોડના કામગીરી માટે કોન્ટ્રાક્ટરો એકબીજાની ગોઠવણ કરતા હોય તેમ વિવાદાસ્પદ દરખાસ્ત લાવતા હોય છે

શહેરના પૂર્વ વિસ્તારમાં ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને મધ્ય ઝોન વિસ્તારમાં નવા રોડ રીસરફેસ કરવા માટે કોન્ટ્રાક્ટર મારુતિ કન્સ્ટ્રક્શનને બે ઝોનમાં, જ્યારે અન્ય ઝોનમાં એપેક્ષ પ્રોટેક્ટ એલએલપી અને આશિષ ઈન્ફ્રાકોનને ૨૫ ટકાથી વધુના ભાવે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત લાવવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવતા હોય તેમ તેઓએ પણ નેગોસીએશન માટે અસંમતિ પહેલા દર્શાવી હતી

ત્યારબાદ માત્ર એક ટકાથી બે ટકા જ ઓછો ભાવ કરી અને કોન્ટ્રાક્ટ મળે તે રીતે જ અધિકારીઓએ તેમની દરખાસ્ત લાવી છે. ચોંકાવનારી બાબત એ છે કે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં આ દરખાસ્ત ચર્ચા વિના જ મંજુર કરવામાં આવી છે. હવે, સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે રજુ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.