AMCની 150 સફાઈ કામદારોની બીજી ટીમ વડોદરા જવા રવાના
(પ્રતિનિધિ) અમદાવાદ, વડોદરા શહેરમાં થયેલ અસાધારણ વરસાદના કારણે પૂરની સ્થતિ ઉભી થયેલ છે. વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ પરિસ્થિતિ પૂર્વવત કરવા તેમજ રોગચાળાને પ્રસરતો અટકાવવા માટે તાકીદે કામગીરી કરવી જરૂરી બને છે. તેમાં પણ વરસાદી પાણી ઓસર્યા બાદ સફાઇની કામગીરી તેમજ પાણીજન્ય અને મચ્છર-જન્ય રોગો ફેલાય નહી તે માટે જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી ખૂબ જ મહત્વની રહે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે આ સંજોગોમાં સફાઈના જરૂરી સંસાધનો, સાધન-સામગ્રી સાથે 100 સફાઈ કામદારોની એક ટીમ 10 જેસીબી, 25 ટ્રકો, 2 વરુણ પમ્પ સાથે વડોદરા મોકલવામાં આવી છે. દ્વારા મેન્યુઅલ અને મીકેનીકલ દ્વારા સઘન સફાઈ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર વિજયભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ગુરુવાર વહેલી સવારથી જ વડોદરા શહેરમાં કચરો અને કાદવ-કીચડ દૂર કરવાની કામગીરી યુધ્ધનાં ધોરણે શરૂ કરી હતી તેમજ મોટાભાગના વિસ્તારો સ્વચ્છ કરી જંતુનાશક પાવડરનો છંટકાવ કરી, નાગરીકોને પડી રહેલ હાલાકી દૂર કરી હતી.
જે અંગે સ્થાનિક નાગરીકો ખૂબ જ સરાહના કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં મોટાં ભાગનાં વિસ્તારોમાં સફાઈની જરુરીયાત હોવાથી બીજા 150 સફાઈ કામદારોની ટીમ ગુરુવાર મોડી રાત્રે ડે.ડાયરેક્ટર કક્ષાનાં ઉચ્ચ અધિકારીની આગેવાની હેઠળ મોકલી આપવામાં આવશે.
વડોદરા ખાતે જનાર બીજા વધારાના 150 સફાઈ કામદારોની આ ટીમની સાથે સફાઈ કામગીરી માટે જરૂરી સામગ્રી જેવી કે ઝાડું, સેવાલ, પાવડા, તગારા, ગમબૂટ, માસ્ક, સાબુ સહિતની સાધન સામગ્રી તેમજ વડોદરા ખાતે નાગરીકોના આરોગ્યની સુખાકારી માટે લાઈમ ડસ્ટ પાવડર, મેલેથીઓન પાવડર જેવા જંતુનાશક પાવડર છંટકાવ માટે તેમજ એસિડ, ફીનાઇલ પણ મોકલી આપવામાં આવશે તેમ તેમણે વધુમા જણાવ્યું હતું.