Ahmedabad; મ્યુનિસિપલ શાળામાં ચાલુ વર્ષે 37 હજાર નવા એડમીશન થયા
છેલ્લા 10 વર્ષ માં ખાનગી શાળા છોડી 55 હજાર વિદ્યાર્થીઓ મ્યુનિ. શાળામાં આવ્યા
( દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે. જેના કારણે જ ખાનગી શાળા છોડી સ્કૂલબોર્ડ ની શાળાઓમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ ની સંખ્યા સતત વધી રહી છે. તદુપરાંત દર વર્ષે પ્રવેશોત્સવ દરમ્યાન પણ મોટી સંખ્યામાં નવા એડમિશન થઈ રહ્યા છે. સ્કૂલબોર્ડ ઘ્વારા શિક્ષણ ઉપરાંત રમતગમત અને સાંસ્કૃતિક મામલે પણ અંગત ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ ની શાળાઓમાં છેલ્લા દસ વર્ષ દરમ્યાન 216268 વિદ્યાર્થીઓએ પ્રવેશોત્સવ દરમ્યાન નવા એડમીશન લીધા છે. 2024-25ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન 36336 નવા એડમીશન થયા છે. જે છેલ્લા દસ વર્ષ દરમ્યાન સૌથી વધુ છે.ચાલુ વર્ષ દરમ્યાન બાલવાટિકા માં 15934 અને ધોરણ -1 મસ 20402 એડમીશન થયા છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષણ સ્તર માં નોંધપાત્ર સુધારો થયો છે.
જેના કારણે છેલ્લા 10 વર્ષ માં 55 હજાર વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સ્કૂલ બોર્ડની હસ્તકની શાળામાં પ્રવેશ લીધો છે. 2024-25 માં 4300 બાળકો ખાનગી શાળા છોડી મ્યુનિસિપલ શાળામાં આવ્યા છે. 2022-23માં સૌથી વધુ 9500 બાળકોએ આ રીતે પ્રવેશ લીધો હતો.
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ચેરમેન ડો.સુજય મહેતા અને શાસનાધિકારી લબ્ધીર દેસાઈના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ શાળાઓમાં શિક્ષણ ની સાથે સાથે કેમ્પસ એક્ટિવિટીમ પણ સુધારો થયો છે. આ ઉપરાંત સ્માર્ટ અને મોડેલ શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી તમામ આધુનિક સુવિધાઓ આપવામાં આવી રહી છે. રમત ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ સ્કૂલબોર્ડ ના બાળકો નોંધપાત્ર દેખાવ કરી રહયા છે.
મ્યુનિસિપલ શાળાઓમાં હાલ 1 લાખ 78 હજાર બાળકો અભ્યાસ કરી રહયા છે. સ્કૂલના આચાર્ય અને શિક્ષકો દરેક વિદ્યાર્થીઓ પર અંગત ધ્યાન આપી રહયા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.