પ્રોપર્ટી ટેકસની વસૂલાતના મામલે AMCએ 849 મિલકતો સીલ કરી

પ્રતિકાત્મક
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૪૭૭, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૩૭ર મિલકતો સીલ
અમદાવાદ, માર્ચ મહિનાની શરૂઆતથી જ બાકી પ્રોપર્ટી ટેકસની વસૂલાતના મામલે મ્યુનિસિપલ સત્તાધીશો એકદમ આક્રમક મૂડમાં આવી ગયા છે અને મ્યુનિસિપલ ટેકસ વિભાગને ડિફોલ્ટર્સ સામે આકરી કાર્યવાહી કરવાની છૂટ આપી દીધી છે.
મ્યુનિસિપલ ટેકસ વિભાગની વારંવારની નોટિસ અને ચેતવણીને ઘોળી પી જનારા ડિફોલ્ટર્સનું હવે આવી બન્યું છે અને રોજેરોજ શહેરના સાતેય ઝોનના તમામ ૪૮ વોર્ડમં મિલકતો સીલ કરવાની ઝુંબેશ ચાલી રહી છે.
બાકી પ્રોપર્ટી ટેકસના મામલે મ્યુનિસિપલ ટેકસ વિભાગ દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનની ૪૭૭ અને ઉત્તર પશ્ચિમ ઝોન ૩૭ર મિલકતોને સાગમટે સીલ કરી દેવાતા ડિફોલ્ટર્સ દોડતા થઈ ગયા છે. મહત્ત્વની વાત એ છે કે એક જ દિવસમાં આ બન્ને ઝોનમાંથી કુલ રૂ.૧.૦૭ કરોડથી પણ વધુ રકમના પ્રોપર્ટી ટેકસની વસૂલાત કરવામાં મ્યુનિ. તંત્ર સફળ રહ્યું છે.
દક્ષિણ પશ્ચિમ ઝોનના ટેકસ વિભાગ દ્વારા ખાસ રીકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ મકરબા ક્રોસ રોડના વેસ્ટ ગેટ, બિઝનેસ બેય, મકરબાના ઈન્સેપ્ટમ, કોર્પોરેટ રોડ પર આવેલા પેલેડિયમ, સરખેજના સુવિધા એસ્ટેટ, ફતેહવાડીના ઝુબેર એસ્ટેટ અને શિવરંજની ક્રોસ રોડ પરની કૃપાલ પાઠશાલા સહિતની કુલ ૪૭૭ કોમર્શિયલ મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી તંત્ર દ્વારા કુલ રૂ.૪૧ લાખના ટેકસની વસૂલાત કરવામાં આવી છે.
ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસેસર એન્ડ ટેકસ કલેકટરના જણાવ્યા અનુસાર ઘણા લાંબા સમયથી પ્રોપર્ટી ટેકસ નહીં ચૂકવનારા બેજવાબદાર નાગરિકોને દંડવાનું ટેકસ વિભાગ દ્વારા શરૂ કરાયું છે. ડેપ્યુટી મ્યુનિ. કમિશનરના આદેશ બાદ પ્રોપર્ટી ટેકસની રકમ નહીં ભરનારા કરદાતાઓની મિલકતો સીલ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.
આ કામગીરી હેઠળ ઘાટલોડિયા ગામના શાલ્વી કોમ્પલેક્ષ, ત્રાગડના સિદ્ધાર્થ આઈકોન, સ્વસ્તિક રિવેરા, દેવ રેસિડેન્સી, થલતેજ-શીલજ રોડના હાર્મની આઈકોન, સતાધાર સોસાયટી રોડ પરના કલાસાગર મોલ, ચાણકયપુરીના મલહાર ગ્રીન્સ ડ્રાઈવ-ઈન રોડ પરની સુવિધાનગર કો-ઓ.હાઉસિંગ સોસાયટી લિમિટેડ,
વસ્ત્રાર તળાવ નજીકના ચંદનપુરી, વસ્ત્રાપુર જ સી.જે.એપાર્ટમેન્ટ, રન્નાપાર્કના સહયોગ રો-હાઉસ એન્ડ શોપિંગ સેન્ટર અને અર્જુન ટાવર નજીકના કેશવ કોમ્પલેક્ષ સહિતના કુલ ૩૭ર એકમને સીલ કરાયા હતા. એક જ દિવસમાં ઉત્તર પશ્ચિમ ઝોનના ટેકસ વિભાગ દ્વારા કુલ રૂ.૬૬.૪૯ લાખના ટેકસની વસૂલાત કરવામાં આવી હતી.