મ્યુનિસિપલ કમિશનરે સિક્યોરિટી કોન્ટ્રાક્ટમાં ચાલતી લાલીયાવાડી સામે કડક કાર્યવાહી શરૂ કરી
ટેન્ડર શરતોનું પાલન થાય તે માટે તમામ વિભાગને ધ્યાન રાખવા પરિપત્ર કર્યો
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સિક્યુરિટી સેવામાં ચાલતી ગેરરીતી સામે મ્યુનિસિપલ કમિશનરે કડક કાર્યવાહી શરૂ કરી છે થોડા સમય પહેલા જરૂરિયાત કરતાં વધારે સિક્યુરિટી સ્ટાફ હોવાની બાબત ધ્યાને આવતા મ્યુનિસિપલ કમિશનરે સ્ટાફ ઘટાડવા માટેઆદેશ કર્યો હતો
હવે ટેન્ડર શરત મુજબ કામ ન કરતા સિક્યુરિટી કોન્ટ્રાક્ટરો સામે કમિશનરને લાલ આંખ કરી છે તેમજ જે ખાતામાં સિક્યુરિટી ગાર્ડ છે તે ખાતાને ટેન્ડર શરતો બાબતે ધ્યાન આપવા માટે પરિપત્ર કર્યો છે તેમજ ટેન્ડર શરતોનું પાલન કરાવવા આદેશ કર્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિક્યુરિટી માટે જે ટેન્ડર જાહેર કરવામાં આવે છે તેમાં ગાર્ડની શારીરિક લાયકાત માટે ખાસ શરતો દર્શાવવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૮ કલાકની શિફ્ટ મુજબ પેમેન્ટ કરવામાં આવે છે પરંતુ સિક્યુરિટી કંપનીઓ ૧૨ કલાકની શિફ્ટ મુજબ ગાર્ડની નિમણૂક કરે છે
તેમજ અશક્ત અને વૃદ્ધ કહી શકાય તેવા ગાર્ડને વિવિધ પોઈન્ટ પર મૂકવામાં આવે છે આ ઉપરાંત બીજી શિફ્ટના સિક્યોરિટી ગાર્ડ હાજર ન થયા હોય તેમ છતાં પ્રથમ શિફ્ટ ના ગાર્ડ પોઇન્ટ છોડીને જતા રહે છે આ પ્રકારની અનેક ગેરરીતી મ્યુનિસિપલ કમિશનરને ધ્યાનમાં આવતા તેમણે તમામ ખાતાઓમાં પરિપત્ર કરી શરતોનુ પાલન થાય તે માટે ધ્યાન રાખવા આદેશ કર્યા છે
મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા મુજબ જે તે સિક્યુરિટી ગાર્ડ પોઇન્ટ પર હાજર થાય તે સમયે તેના આઈકાર્ડ, ફિટનેસ નો પુરાવો, પોલીસ વેરીફિકેશન, ઉંમરના પુરાવા સહિતની ચકાસણી કરી બાયોમેટ્રિક સિસ્ટમ થી જે તે સિક્યુરિટી ગાર્ડની હાજરી ભરવામાં આવે તેમજ સિક્યુરિટી ગાર્ડ સમયસર હાજર થાય છે કે કેમ?
બીજી શિફ્ટ ના ગાર્ડ હાજર ન થાય ત્યાં સુધી પોઇન્ટ ન છોડે એ બાબતે પણ તકેદારી રાખવી આવશ્યક છે. દરેક મહિનાના અંતે ગાર્ડની હાજરી સહિતની તમામ વિગતો સેન્ટ્રલ ઓફિસમાં મોકલી આપવાની રહેશે સિક્યુરિટી ગાર્ડ બાબતે સેન્ટ્રલ ઓફિસને પણ કેટલીક બાબતોમાં તકેદારી રાખવા કમિશનરની સૂચના આપી છે
જેમાં ટેન્ડર ક્લોઝ ના મુદ્દા નંબર ૧ થી ૮ નું ફરજિયાત પાલન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું છે આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડન પીએફ પીએસઆઇ અને જીએસટી સહિતની રકમ કાયદાકીય મુજબ જમા થયેલ છે કે કેમ તેની ચકાસણી કરવા પણ સૂચના આપી છે.
દરેક સિક્યુરિટી કંપનીએ ગાર્ડના એકાઉન્ટમાં આરટીજીએસટી પેમેન્ટ કર્યું છે કે કેમ તેમ જ બાયોમેટ્રિક પદ્ધતિથી હાજરી ભરી છે કે કેમ તેના સ્ટેટમેન્ટ પણ રજૂ કરવાના રહેશે .જ્યાં સુધી આ સ્ટેટમેન્ટ રજૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી પેમેન્ટ ન કરવા માટે પણ કમિશનરે આદેશ કર્યા છે.