મ્યુનિ. કોર્પોરેશનમાં બમણા ભાવથી સિકયુરિટી કોન્ટ્રાકટ આપવાની શરૂ થયેલી હિલચાલ
જો નવા ભાવ ચુકવાશે તો વર્ષે રૂ.૩૦ કરોડનો બોજો આવશે ઃ ચર્ચા
સિકયુરીટી ગાર્ડને દર મહિને રૂ.પ.૭પ કરોડ ચુકવાશે. જે હાલની રકમ કરતા રૂ.૧.૮૪ કરોડ વધારે છે. જયારે બાઉન્સર માટે માસિક રૂ.૭ લાખ વધુ ચુકવાશે.
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સિકયુરીટી માટે પહેલેથી જ અનસિક્યોર છે. મ્યુનિ. કોર્પોરેશનમાં સિકયુરીટીના કોન્ટ્રાકટ માટે છેલ્લા બે દાયકામાં લગભગ ત્રણથી ચાર વખત ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે પરંતુ ટેન્ડર પ્રક્રિયાનો અમલ માંડ એકાદ વખત જ કરવામાં આવ્યો છે. હાલ જે સિકયુરિટી કંપનીઓને આપવામાં આવ્યા છે
તેમની મુદત પૂર્ણ થતી હોય નવા ટેન્ડર જાહેર કરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે હાલ જે સિકયુરિટી કંપનીને જે રકમ ચુકવવામાં આવી રહી છે તેના કરતા લગભગ બમણી રકમ ચુકવવાનું મન વહીવટી તંત્રના વડાએ બનાવ્યું હોવાનું જાણવા મળે છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં હાલ દસેક જેટલી સિકયુરીટી કંપનીના કોન્ટ્રાકટ ચાલી રહયા છે આ કંપનીઓને મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના હોસ્પિટલ, સ્મશાન ગૃહ, ઝોનલ ઓફિસ, વોર્ડ ઓફિસ, વોટર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર સહિતના પોઈન્ટ આપવામાં આવ્યા છે. સદર કંપનીઓને બે વર્ષ અગાઉ જયારે કોન્ટ્રાકટ આપવામાં આવ્યા હતા ત્યારે કમિશનર દ્વારા સર્વિસ ચાર્જ પેટે શૂન્ય રકમ આપવાની શરત મુકવામાં આવી હતી
જેના કારણે હાલ કોન્ટ્રાકટરોને હાલ સર્વિસ પેટે રાતીપાઈ પણ મળતી નથી. હાલ સિકયુરિટી કંપનીઓને ગાર્ડ દીઠ રૂ.૧૭ હજાર જયારે બાઉન્સર અને ગનમેન માટે રૂ.૧૭૮૦૦ ચુકવવામાં આવે છે. જયારે હવે જાહેર થનાર નવા ટેન્ડરોમાં જે કંપનીને કોન્ટ્રાકટ આપવા માટે કમિશનરે નિર્ણય કર્યો છે તેને લગભગ બમણી કહી શકાય તેટલી રકમ ચુકવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ. કોર્પોરેશનમાં સૌ પ્રથમ શિવ અને શક્તિ એમ બે જ કંપનીના સિકયુરિટી કોન્ટ્રાકટ ચાલતા હતા આ બંને કંપનીઓને સતત દોઢ દાયકા કરતા પણ વધુ કોન્ટ્રાકટ આપવામાં આવ્યા હતા જેના માટે ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી ન હતી. ત્યારબાદ ર૦૧૩ અને ર૦૧૬માં પણ સિકયુરીટી માટે ટેન્ડર જાહેર થયા હતા પરંતુ તેને પણ અભરાઈએ મુકવામાં આવ્યા હતા
જેના માટે એમ કહેવાય છે કે શિવ સિકયુરિટી ટેન્ડર પ્રક્રિયાની શરતો પૂર્ણ કરી શકે તેમ ન હોવાથી તે ડીસ્કવોલીફાય કરવામાં આવી હતી જેના કારણે ટેન્ડર પ્રક્રિયા રદ થઈ હોવાની ચર્ચા પણ જે તે સમયે થઈ હતી. ત્યારબાદ ફરી વખત ટેન્ડર જાહેર કરી ર૧ વર્ષ બાદ નવેસબરથી કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે જેમાં હાલ અંદાજે ર૩૦૦ જેટલા ગાર્ડની સેવા લેવામાં આવે છે
જેના પેટે માસિક રૂ.૩.૯૧ કરોડ ચુકવાય છે. જયારે પર બાઉન્સ અને ૧૦ ગન મેનની સર્વિસ લેવામાં આવે છે જેમને માસિક રૂ.૧૧ લાખ ચુકવાય છે. પરંતુ હવે કમિશનર જે નવી કંપનીને કોન્ટ્રાકટ આપવા માટે મહેનત કરી રહયા છે તે કંપનીના ગાર્ડને માસિક રપ હજાર રૂપિયા અને ગન અને બાઉન્સરને માસિક રૂ.૩૦ હજાર કે તેથી વધુ રકમ ચુકવાઈ શકે છે. તેના કારણે સિકયુરીટી ગાર્ડને દર મહિને રૂ.પ.૭પ કરોડ ચુકવાશે.
જે હાલની રકમ કરતા રૂ.૧.૮૪ કરોડ વધારે છે. જયારે બાઉન્સર માટે માસિક રૂ.૭ લાખ વધુ ચુકવાશે. આમ વર્તમાન કંપનીઓના સ્થાને નવી કંપનીને ટેન્ડર આપવામાં આવે તો કોર્પોરેશનની તિજોરી પર દર વર્ષે અંદાજે રૂ.ર.પ૦ કરોડનો વધારાનો બોજો આવી શકે છે. ૧ર મહિને આ રકમ ૩૦ કરોડ જેટલી થાય અને જો પ વર્ષ માટે કમિશનર દ્વારા કોન્ટ્રાકટર આપવામાં આવે તો રૂ.૧પ૦ કરોડનો વધારાનો આર્થિક બોજ મ્યુનિ. તિજોરી પર આવશે તેમ માનવામાં આવે છે.