સરદાર બ્રીજ, શાહપુર, ભેરવનાથ સહિતના AMCના ૭ સ્ટાફ કવાર્ટસના રિ-ડેવલોપમેન્ટ થશે

પ્રતિકાત્મક
ટેરેસ/માર્જીનમાં વધારાના ઝુંપડાબાંધી રહેતા ૮ર૮ પરિવારને પણ યોજનાનો લાભ મળશે: દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લગભગ ૪૦ થી પ૦ વર્ષ અગાઉ બનાવવામાં આવેલ વિવિધ સ્ટાફ કવાટર્સ અત્યંત જર્જરીત થઈ ગયા છે અને તેમાં ગમે તે સમયે મોટી દુર્ઘટના બને તેવી દહેશત પણ વ્યકત થઈ રહી છે તેથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ જાહેર આવાસોને રિડેવલપમેન્ટ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મુળ લાભાર્થી ઉપરાંત માર્જીન કે ટેરેસમાં વધારાના બાંધકામ કરી વસતા ૮૦૦ કરતા વધુ પરિવારોનો પણ સમાવેશ કરવામાં આવશે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છ દાયકા અગાઉ બનાવવામાં આવેલ વિવિધ હેલ્થ સ્ટાફ કવાર્ટસ અત્યંત જર્જરીત થઈ ગયા છે તેથી જાહેર આવાસોની પુનઃ વિકાસ યોજના ર૦૧૬ની જોગવાઈ મુજબ રિડેવલપ કરવામાં આવશે.
આ યોજનામાં મુળ લાભાર્થી સિવાય વધારાના રહેતા લોકોને મકાન આપી શકાતા નથી તેથી પોલીસીમાં સુધારો કરવા ગુજરાત સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જે મુજબ યોજનાના પ્લોટ વિસ્તારમાં માર્જીન કે ટેરેસ પર ઝુંપડાબાંધીને રહેતા લાભાર્થીઓને પણ પ્રોજેકટ અફેકટેડ ગણી ૩૦ ચો.મી. કાર્પેટ એરિયાનું બાંધકામ આપવા સુચન કરવામાં આવ્યું છે. જેમાં લાભાર્થી પાસેથી રૂ.૩ લાખ જેટલી રકમ લેવામાં આવશે.
મ્યુનિ. સ્ટાફ કવાર્ટસમાં મુળ લાભાર્થી સિવાયના વધારાના આવાસોમાં રહેનાર કોર્પોરેશનનો કર્મચારી હોવો જોઈએ તથા મુળ લાભાર્થી પરિવારનો સભ્ય પણ ન હોવો જોઈએ તેમજ છેલ્લા ૧૦ વર્ષથી કોર્પોરેશનના પગારમાં ભાડા પેટેનું એલાઉન્સ પણ લેતો હોવો જોઈએ નહીં. અમદાવાદ મ્યુનિ. સર્વન્ટ એસોસીએશનની રજુઆત બાદ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને લાભ થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.