Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટીમાં લાંભા ગણેશનગરનો મુદ્દો ઉછળ્યો? શું છે આ મામલો

AI Image

દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગે ૭ મહિના અગાઉ પુરાવા ચકાસણી કરી ડિમોલેશનની બાંહેધરી આપી હતી પરંતુ પરિસ્થિતિ હજી યથાવત

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના ચંડોળા તળાવમાં ગેરકાયદે વસાવટ કરતા બાંગ્લાદેશીઓ અને અસામાજિક તત્વોના મકાન તોડી પાડવામાં આવ્યા છે. ચંડોળા તળાવમાંથી કેટલાક લોકો પીપળજ પાસે આવેલ ગણેશનગરમાં રહેવા જતા રહયા હોવાની ચર્ચા ચાલી રહી છે. રિવરફ્રંટ પ્રોજેકટ સમયે કોર્પોરેશન દ્વારા વિસ્થાપિતોને ગણેશનગરમાં મકાનો બનાવી આપવામાં આવ્યા હતા

તે સમયે જેટલા મકાન બનાવ્યા હતા તેના કરતા ૮ થી ૧૦ ઘણા મકાન હાલ ગણેશનગરમાં થઈ ગયા છે જે અંગે મ્યુનિ. અધિકારીઓ સ્પષ્ટ જવાબ આપતા નથી. ચોંકાવનારી બાબત એ છે કે દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ગણેશનગર મામલે સ્ટેન્ડિગ કમિટીને પણ અધ્ધરતાલ જવાબ આપવામાં આવી રહયા છે. શુક્રવારે મળેલી બેઠકમાં ગણેશનગરના કારણે કમિટીનું વાતાવરણ ગરમાયું હતું.

લાંભા વોર્ડમાં પીપળજ પાસે ગણેશનગર નામની વસાહત બનાવવામાં આવી છે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રિવરફ્રંટના વિસ્થાપિતો માટે જે તે સમયે રર૦ જેટલા મકાન બનાવવામાં આવ્યા હતાં પરંતુ હાલ તે સ્થળે ર૦૦૦ કરતા પણ વધારે મકાનો હોવાની વિગતો બહાર આવી છે. મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટીના સભ્ય અને લાંભાના કોર્પોરેટર માનસિંહ સોલંકીએ સપ્ટેમ્બર ર૦ર૪માં ગણેશનગર અંગે કમીટીમાં પ્રશ્ન પુછયા હતાં

જેના જવાબમાં દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જે જવાબ આપવામાં આવ્યો હતો તે મુજબ ‘શાહવાડીના રેવન્યુ સર્વે નં.૩પ૧, ૩પર અને ૩પ૩ માં ગણેશનગર વસાહત આવેલી છે. અહીં કોર્પોરેશનની અંદાજે ૧,૪૭,ર૩ર ચો.મી. જમીન છે જેમાં ૧૬૦૦ જેટલા કાચા મકાનોમાં લોકો વસવાટ કરે છે તેમજ કોમર્શિયલ દબાણોને તોડી પાડવામાં આવ્યા છે.

ગણેશનગરમાં વસવાટ કરતા લોકોને પુરાવા રજુ કરવા નોટિસ આપી ચકાસણી કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને આ જગ્યા નોન ટીપી વિસ્તારમાં છે.’ આ મુજબનો જવાબ ૩ ઓકટોબર ર૦ર૪ની કમિટીમાં દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા સભ્ય માનસિંહ સોલંકીને આપવામાં આવ્યો હતો. આ બાબતે શુક્રવારે મળેલી કમિટીમાં માનસિંહ સોલંકીએ ફરીથી પ્રશ્ન કર્યાં હતાં.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી બેઠકમાં લાંભાના કાઉÂન્સલરે ગણેશનગર મુદ્દે ફરી એક વખત ચર્ચા પુછયું હતું કે ૭ મહિના અગાઉ દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ જે જવાબ આપવામાં આવ્યા હતા તે મુજબ ગણેશનગરમાં વસવાટ કરતા કેટલા લોકોના પુરાવા મળ્યા છે તેમજ તેની ચકાસણી કરવામાં આવી છે તેનો જવાબ આપવો જરૂરી છે.

આ ઉપરાંત રર૧ મકાનોમાંથી ૧૬૦૦ મકાન કેવી રીતે બની ગયા તથા તેના માટે જવાબદાર કોણ છે તે અંગેના જવાબ પણ ઝોનના કમિશનર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે આપવા જરૂરી છે તેવી માંગણી પણ તેમણે કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.