Western Times News

Gujarati News

રસ્તા પર ગલ્લા અને લારી લઈને ઊભા રહેલા લોકો વિરૂદ્ધ તંત્રની કડક કાર્યવાહી

file

આશ્રમરોડ, લો ગાર્ડન, કોમર્સ છ રસ્તા પરનાં દબાણો હટાવાયાં

(એજન્સી)અમદાવાદ, જાહેર રસ્તામાં નાસ્તાની લારી, પાનનો ટેમ્પો, જ્યુસની લારી ઊભી રાખીને દબાણ કરનારા પર વહેલી સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે લાલ આંખ કરી હતી. એસ્ટેટ વિભાગ દ્વારા વહેલી સવારથી શહેરના પોષ વિસ્તારમાં ગેરકાયદે દબાણ કરીને ઊભા રહેતા લારી-ગલ્લાવાળા વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. કોમર્સ છ રસ્તા, આશ્રમરોડ, લો ગાર્ડન, ગુજરાત કોલેજ સહિતની જગ્યાઓ પર એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને સંખ્યાબંધ લારી-ગલ્લા ડિટેઈન કર્યા હતા.

અમદાવાદમાં સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા માટે રોડ પરના ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો તેમજ વાહન પા‹કગ જવાબદાર છે. ખાસ કરીને રોડ પર વાહનચાલકોથી લઈ રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. અમદાવાદને દબાણમુક્ત શહેર બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડીંગ પોલીસીનો આ અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ પોલિસી બાદ હજુ પણ ઘણી જગ્યાએ લોકો ગેરકાયદે લારી-ગલ્લા લઈને ઊભા રહી જાય છે.

ગેરકાયદે દબાણ કરતાં લોકો વિરૂદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પશ્ચિમ ઝોનમાં આવેલા કેટલાક વિસ્તારોમાં એસ્ટેટ વિભાગ દ્વારા સપાટો બોલાવાયો હતો. એએમસી દ્વારા અનેક વખત દબાણની કામગીરી કરાતી હોય છે.

જેના કારણે ઘણી વખત ઘર્ષણ પણ થતું હોય છે. થોડા સમય પહેલાં વસ્ત્રાપુરમાં ઊભા રહેતા લારી-ગલ્લાને હટાવવા માટે આવેલી દબાણ વિભાગની ટીમ સાથે ઘર્ષણ થયું હતું. જ્યારે માધવપુરા, લાલ દરવાજા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પણ પોલીસના કાફલા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને મેદાનમાં ઉતરવું પડતું હોય છે.

કોમર્સ છ રસ્તા, આશ્રમ રોડ, લો ગાર્ડન, ગુજરાત કોલેજ પર એસ્ટેટ વિભાગની ટીમ ત્રાટકી હતી. એસ્ટેટ વિભાગના ઈન્સ્પેકટર તેમજ કર્મચારીઓએ તમામ જગ્યા પર ગેરકાયદે ઊભા રહેલા ગલ્લા-લારી હટાવ્યા હતા. એસ્ટેટ વિભાગની કામગીરી આખો દિવસ ચાલે તેવી શક્યતા છે. એએમસી જપ્ત કરેલા ગલ્લા-લારી તેમના પ્રિમાઈસિસમાં મૂકીને બીજી કામગીરી કરવા માટે નીકળશે.

એએમસીની કામગીરીથી આજ સવારથી દોડધામ મચી ગઈ હતી જ્યારે કેટલાક લોકોએ પહેલેથી પોતાના ધંધા બંધ રાખ્યા હતા. દબાણ વિભાગની ટીમ આવવાની છે. તવી માહિતી પહેલેથી ધંધાર્થીઓને મળી જતાં તેમણે પોતાના ધંધા બંધ રાખ્યા હોવાનું પણ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

જાહેર રોડ પર ગલ્લા અને લારીઓ મૂકતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને જ્યારે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડે છે. ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે માટે આજે એએમસીની ટીમ એકશન મોડ પર આવી ગઈ હતી. આશ્રમરોડથી કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ લો ગાર્ડન, ગુજરાત કોલેજ અને કોમર્સ છ રસ્તા બાદ પૂર્ણ કરી હતી. આ બાદ હવે ઉચ્ચ અધિકારીઓના આદેશ અનુસાર એસ્ટેટ વિભાગની ટીમ કામગીરી કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.