AMC ટેક્ષ વિભાગનું મેગા કૌભાંડ: 3 વર્ષમાં ટોરેન્ટને રૂ. ૬૬ કરોડનો ફાયદો કરાવ્યો

AI Image
ટોરેન્ટ પાવર લિમિટેડનો વાર્ષિક ટેક્ષ રૂ. ર૬ કરોડથી ઘટાડી રૂ.૪ કરોડ કર્યો -કમિશનર ઠરાવથી ત્રણ નાણાંકિય વર્ષમાં ટોરેન્ટને રૂ.૬૬ કરોડનો ફાયદો કરાવ્યો
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂપિયા બે કે પાંચ હજારના ટેક્ષની વસુલાત માટે નાગરિકોને નોટીસ આપવામાં આવે છે જયારે ૧૦ હજાર રૂપિયાનો ટેક્ષ બાકી હોય તો નાના વહેપારીઓના એકમોને પણ સીલ કરવામાં આવે છે પરંતુ મોટા માથાઓ આગળ તંત્ર નતમસ્તક બની જાય છે.
અને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી આપે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે જેમાં મ્યુનિ. કોર્પોરેશને માત્ર કમિશનર ઠરાવથી ટોરેન્ટ પાવર લિમિટેડને ચાલુ વર્ષ સાથે ગણતરી કરીએ તો રૂ.૬૦ કરોડ કરતા વધુ રકમનો ફાયદો કરાવી આપ્યો છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટેલીકોમ, ગેસ તેમજ ઈલેકટ્રીક કંપનીઓ દ્વારા નાંખવામાં આવતા અંડર ગ્રાઉન્ડ યુટીલીટીના ટેક્ષ મામલે વર્ષોથી અસંમજસ ચાલી રહી છે જેમાં અધિકારીઓ અવાર નવાર મનઘડત કથાઓ રજુ કરતા હોય છે પરંતુ યોગ્ય રીતે ટેક્ષની વસુલાત થતી નથી.
જયારે કેટલીક કંપનીઓ દ્વારા વર્ષોથી ટેક્ષ ભરપાઈ પણ કરવામાં આવ્યો નથી તેવી જ એક કંપની ટોરેન્ટ પાવર લિમિટેડ છે જેના ટેક્ષની આકારણી છેલ્લા બે વર્ષથી કરવામાં આવી છે તેમાં પણ ઉચ્ચકક્ષાએથી દબાણ આવ્યા બાદ તત્કાલીન મ્યુનિ. કમિશનરે ટોરેન્ટ કંપનીનો અંદાજે રૂ.૬પ કરોડનો ટેક્ષ માફ કર્યો છે જેને તંત્ર ટોરેન્ટની અરજી ધ્યાનમાં લઈ ટેક્ષમાં કરવામાં આવેલ ફેરફાર કહી રહયા છે.
અમદાવાદ શહેરમાં ટોરેન્ટ દ્વારા પર૬૯ કિ.મી. લંબાઈના કેબલ નાંખવામાં આવ્યા છે જેનો અંદાજિત એરિયા ૧૬,૮પ,૭૬૦ ચો.મી. થાય છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ ગણતરીને ધ્યાનમાં લઈ ર૦ર૩-ર૪માં ટેક્ષની આકારણી કરી બીલ મોકલવામાં આવ્યા છે. જેની રકમ રૂ.ર૬.ર૬ કરોડ થતી હતી. જયારે ર૦ર૪-રપમાં રૂ.ર૬.૭૯ કરોડ થતી હતી. આમ બે નાણાંકિય વર્ષમાં ટોરેન્ટ પાવરના અંડર ગ્રાઉન્ડ કેબલ માટે કોર્પોરેશન દ્વારા રૂ.પ૩.૦પ કરોડની આકારણી કરવામાં આવી હતી
જે કંપની દ્વારા ભરપાઈ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ નવેમ્બર ર૦ર૪માં ટોરેન્ટ પાવર લિમિટેડ તરફથી એક અરજી કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમના દ્વારા જે કેબલ નાંખવામાં આવ્યા છે તેનું માપ ઘણું જ ઓછું છે. જેમ કે કોર્પોરેશને જે પર૬૮ કિ.મી. જણાવ્યું હતું તેને ટોરેન્ટ પાવરે ૪૭ર૯ કિ.મી.ના જ કેબલ નાંખ્યા હોવાનું તેની અરજીમાં જણાવ્યું હતું
ટોરેન્ટ પાવરની અરજી અને માપનો તત્કાલિન કમિશનરે સ્વીકાર કર્યો હતો તેમજ તે મુજબ આકારણી રિવાઈઝ કરી હતી તથા ટેક્ષની ગણતરી કરી હતી જેમાં ર૦ર૩-ર૪માં રૂ.ર૬.ર૬ કરોડની સામે માત્ર રૂ.૪.૮૧ કરોડ અને ર૦ર૪-રપમાં રૂ.ર૬.૭૯ કરોડની સામે માત્ર રૂ.૪.૯૧ કરોડ જ ટેક્ષ થતો હોવાનો ઠરાવ કર્યો હતો તત્કાલિન મ્યુનિ. કમિશનરે આ અંગે ઠરાવ નં.રપ, ૧૯ નવેમ્બર- ર૦ર૪ના રોજ આ કૌભાંડને કાયદેસર મહોર મારી હતી
અહીં ચોંકાવનારી બાબત એ છે કે આ બાબતથી શાસક પક્ષ બિલકુલ અજાણ છે તેમજ આ અંગે સ્ટેન્ડિગ કમિટી સમક્ષ કોઈપણ દરખાસ્ત રજુ કરવામાં આવી નથી. સામાન્ય રીતે ટેક્ષના ફેરફાર કે માફી અંગે રાજય સરકારની મંજુરી લેવાની રહે છે પરંતુ અહીં કમિશનરે મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ અને રાજય સરકારને પણ કોરાણે મુકયા હોવાનું ફલિત થાય છે.