અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની મહેરબાની : કામમાં વિલંબ છતાં ટેન્ડર વિના નવા 7 રોડનું કામ આપવામાં આવ્યું

11 વ્હાઇટ ટોપીંગ રોડ પૈકી 4 વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવાની કામગીરી ગોયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.ને સોંપવામાં આવી હતી.
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના અતિ વિવાદાસ્પદ વ્હાઇટ ટોપીંગ રોડમાં તંત્રની કોન્ટ્રાક્ટર પર વધુ એક મહેરબાની સામે આવી છે. જેમાં અગાઉ 4 વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવાની કામગીરી સોંપાયા બાદ મ્યુનિ. તંત્રએ નવા ટેન્ડર પાડવાને બદલે રીવાઇઝડ ટેન્ડરથી આ કોન્ટ્રાક્ટરને વધારાના 7 રોડનું કામ સોંપી દીધું.
એટલું જ નહી આ કોન્ટ્રાક્ટરે 14 માસ નો વિલંબ કરવા છતાં તેને કોઇ દંડ કરવાને બદલે બારોબાર પાછલી અસરથી આ વિલંભને મંજુર કરી દેવા માટે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિમાં દરખાસ્ત મુકવામાં આવી છે.
મ્યુનિ. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિ દ્વારા ગત 30મી જુન 2023ના રોજ 11 વ્હાઇટ ટોપીંગ રોડ પૈકી 4 વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવાની કામગીરી ગોયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.ને સોંપવામાં આવી હતી. જેમાં 8.48 કિ.મી.ના 11 રોડ પૈકી 5.065 કિ.મી.ના 4 રોડ બનાવવાની કામગીરી ગોયલને સોંપવામાં આવી હતી.
જે માટે રૂ. 20.39 કરોડના ખર્ચે ટેન્ડર આપવામાં આવ્યું હતું. જોકે બાદમાં બાકીના 3.41 કિ.મી.ના 7 રોડ બનાવવા માટે કોઇપણ નવા ટેન્ડર કરવાને બદલે મ્યુનિ. દ્વારા રીવાઇઝડ ટેન્ડરથી આ કામ ગોયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.ને સોંપવામાં આવ્યું હતું.
જેમાં આ કંપનીને રૂ. 35.67 કરોડનો ખર્ચ મંજુર કરી દેવામાં આવ્યો હતો. જો અગાઉના ભાવ પ્રમાણે ગણતરી કરીએ તો પણ આ ભાવ 13 થી 14 કરોડ થાય તેને બદલે વધારે ભાવ આપી મ્યુનિ. દ્વારા રૂ. 35.67 કરોડનું રીવાઇઝડ ટેન્ડર મંજુર કરી દેવામાં આવ્યું હતું. અને બાકીના 7 રોડની કામગીરી પણ તેને સોંપી દેવામાં આવી હતી. દરમ્યાન આ કોન્ટ્રાક્ટર દ્વારા નિયત સમય મર્યાદામાં આ રોડની કામગીરી પુર્ણ કરી ન હતી.
કોન્ટ્રાક્ટરે 25મી સપ્ટેમ્બર 2023 સુધીમા આ તમામ રોડ બનાવી આપવાના હતા. તેને બદલે કોન્ટ્રાક્ટર દ્વારા 14 માસ જેટલો વિલંબ કરી 25 નવેમ્બર 2024 સુધી કામ કર્યું જેને કારણે પાછલી અસરથી આ કામમાં વિલંભને મંજુર કરવા માટે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. નોંધનીય છેકે, તંત્ર દ્વારા કામમાં વિલંબ કરનાર એજન્સીને કોઇપણ પ્રકારની પેનલ્ટી કરવાની પણ જોગવાઇ વિચારી નથી.