Western Times News

Gujarati News

વટવામાં ગેરકાયદે બાંધકામ AMCએ તોડી પાડયું

પ્રતિકાત્મક

શહેરના મહત્ત્વના માર્ગો અને વિસ્તારોમાંથી દબાણો દૂર કરવા એએમસીની સ્પેશિયલ ડ્રાઈવ

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના દક્ષિણ ઝોનના વટવા વોર્ડમાં ડિમોલિશન હાથ ધરીને તંત્રએ રપ૦૦ ચોરસફૂટ ક્ષેત્રફળમાં ઊભું કરી દેવાયેલું ગેરકાયદે બાંધકામ તોડી પાડયું હતું.

દક્ષિણ ઝોનના વટવા (પશ્ચિમ) વોર્ડમાં ટીપી-પ૮ (વટવા આઉટ ફિલ્ડ-૧)ના ફાઈનલ પ્લોટ નં.૧ પૈકી રેવન્યુ સર્વે નં.૩૬ર પૈકી નારોલ-અસલાલી હાઈવે પર ભોજા તળાવ સામે આવેલા ગુરૂકૃપા એસ્ટેટમાં કોમર્શિયલ શેડ પ્રકારનું ગેરકાયદે બાંધકામ ઊભું કરી દેવાયું હતું. આશરે રપ૦૦ ચોરસફૂટ ક્ષેત્રફળમાં કરવામાં આવેલા આ ગેરકાયદે બાંધકામને હટાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એકટ-૧૯૪૯ અંતર્ગત વારંવાર નોટિસ ફટકારવામાં આવી હતી.

૬ એપ્રિલ ર૦ર૪ના રોજ દક્ષિણ ઝોનના એસ્ટેટ ટીડીઓ વિભાગ દ્વારા આ ગેરકાયદે બાંધકામને સીલ પણ કરી દેવામાં આવ્યું હતું. આમ છતાં પણ બાંધકામકર્તા દ્વારા આ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું ન હતું અને તેનો ઉપયોગ ચાલુ રખાતા આખરે તંત્ર તેના પર ત્રાટકયું હતું. એસ્ટેટ અને ટીડીઓ વિભાગે ચુસ્ત એસઆરપી બંદોબસ્ત વચ્ચે ત્રણ દબાણગાડી, બે ગેસકટર મશીન અને ૩પ જેટલા મજૂરોની મદદથી આ ગેરકાયદે બાંધકામ તોડી પાડયું હતું.

ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર સમગ્ર દક્ષિણ ઝોનના જુદા જુદા જાહેર માર્ગ અને બીઆરટીએસ રૂટ ઉપરથી ટ્રાફિકની અવરજવને નડતરરૂપ ત્રણ શેડ દૂર કરાયા હતા અને ૧૧ લારી તથા ૮પ જેટલો માલસામાન અને લૂઝ દબાણો જપ્ત કરી ગોડાઉનમાં જમા કરાવાયા હતા. જાહેર માર્ગ પર આડેધડ પાર્ક કરાયેલા ૧૭ વાહનને લોક મારીને કસૂરવાર ચાલકો પાસેથી કુલ રૂ.૧૪૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

મ્યુનિ. કોર્પોરેશનની મધ્યસ્થ કચેરીના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના મહત્ત્વના માર્ગો અને વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ સાથે સંયુક્ત ડ્રાઈવ હાથ ધરીને દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ હતી. શહેરના મહત્ત્વ ગણાતા જમાલપુર ફૂલબજાર, શાકમાર્કેટ, સરદારબ્રિજ, રાયપુર દરવાજા, રાયપુર ચકલા, ચકલેશ્વર મહાદેવ ભદ્ર પ રિસર, ત્રણ દરવાજા, જિલ્લા પંચાયત,

કાલુપુર ફ્રૂટ માર્કેટ, હાટકેશ્વર, મહાદેવ, નહેરૂબ્રિજ, ગાંધીબ્રિજ, એલિસબ્રિજ અને દધિચિબ્રિજ જેવા વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. તંત્ર દ્વારા ૮૬ લારી, ર૭૯ બોર્ડ બેનર્સ, ૧ર૧ વાંસવળી અને તાડપત્રી તથા પ૬૩ પરચૂરણ માલસામાન મળી કુલ ૧૦૪૯ જેટલો માલસામાન જપ્તો કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જાહેર રસ્તાની બાજુમાં બનાવાયેલા ર૧ શેડ પર દૂર કરવામાં આવ્યા હતા. ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરેલા વાહનો, દબાણો અને ગેરકાયદે જાહેરાતો દૂર કરવાની કાર્યવાહીના ભાગરૂપે કસૂરવારો પાસેથી કુલ રૂ.૮પ હજારનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.