અમદાવાદ મ્યુનિ. વિજિલન્સ વિભાગના ડાયરેક્ટરની બદલી કરવા રજૂઆત
( પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ ભગવાન ભરોસે ચાલી રહ્યો છે. મ્યુનિસિપલ અધિકારી કે વિભાગથી ત્રસ્ત કોર્પોરેટર વિજિલન્સ વિભાગમાં ફરિયાદ કરે તો ત્યાં પણ વર્ષોથી અડ્ડો જમાવીને બેઠેલા અધિકારી ઘ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે આ મહિલા અધિકારીની ટ્રાન્સફર કરવા મ્યુનિસિપલ બોર્ડની બેઠકમાં રજુઆત કરવામાં આવી હતી.
જમાલપુર ના કોર્પોરેટર રફીકભાઈ શેખ ના જણાવ્યા મુજબ લાલ દરવાજા ખાતે સ્વીમીંગપુલ માં આઠ માસ પૂર્વે લીકેજીસ નું કામ કરવા માટે આશરે ૨૦ લાખ કરતા વધુ રકમનું ખર્ચ કરવામાં આવ્યો હતો. અને ફક્ત આઠ મહિનાની અંદર આ લિકે૭ ફરી ચાલુ થતા ૨૦ લાખ રૂપિયાનું આંધણ થયું છે. થોડા સમય પહેલા રૂબરૂ રાઉન્ડ લઈ તેના ફોટો અને વિડીયો મ્યુનિસિપલ કમિશનર તેમજ વિજિલન્સમાં પણ કવર લેટર સાથે મોકલ્યા હતા.
પરંતુ આ અંગે આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી. મ્યુનિસિપલ અધિકારીને સ્વીમીંગ પુલ માટે થયેલ ખર્ચની વિગત પૂછી હતી પરંતુ તેમના તરફથી જવાબ ન મળતા વિજિલન્સ વિભાગમાં ફરિયાદ કરી હતી પરંતુ હજી સુધી વિજિલન્સ વિભાગે પણ કોઈ જવાબ આપ્યા નથી .જે ખૂબ ગંભીર બાબત છે.
અને કોઈપણ જાતની તપાસ તેઓ કરતા નથી. વિજિલન્સ વિભાગના આવા ડાયરેક્ટર હિનાબેન ભાથાવાલા આ પોસ્ટ પર સાત વર્ષથી છે તેમ છતાં તેમની બદલી થતી નથી. તેથી નિયમ મુજબ તેમની તાકીદે બદલી કરવી જોઇએ અને સ્વીમીંગ પુલ નું કામ કરનાર કોન્ટ્રાક્ટર ને તાકીદે બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.