ધાર્મિક સંસ્થાઓમાં પથ્થર પેવીંગ, પાણી, લાઈટ, સોલાર પેનલ માટે AMC ગ્રાંટ આપશે
ધાર્મિક સંસ્થાઓ માટે રૂ.રપ કરોડની ફાળવણી કરવામાં આવી છે ઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાણાંકિય વર્ષ ર૦ર૪-રપ માં ધાર્મિક સંસ્થાઓમાં પ્રાથમિક સુવિધાઓના કામો માટે રૂ.રપ કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેને ગુરૂવારે મળેલી સ્ટેન્ડિગ કમિટિમાં ફરી એક વખત નીતિ નિયમો સાથે આખરી ઓપ આપવામાં આવ્યો છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ ચાલુ વર્ષના બજેટમાં સ્ટેન્ડિગ કમિટિએ ધાર્મિક સંસ્થાઓમાં એપ્રોચ રોડ, પથ્થર પેવીંગ, લાઈટ, પાણી, ગટર, વોટર કુલર, તથા સોલાર પેનલ જેવા જરૂરિયાતના કામો કરવા માટે રૂ.રપ કરોડની ફાળવણી કરી હતી જેમાં ઉત્તર ઝોન માટે રૂ.૩ કરોડ, દક્ષિણ ઝોન-૪ કરોડ, પૂર્વ ઝોન-૪ કરોડ, પશ્ચિમ ઝોન-૪ કરોડ, મધ્યઝોન-ર કરોડ, ઉ.પ.-પ કરોડ, અને દ.પ.માં ૪ કરોડ ફાળવવામાં આવ્યા હતા.
જે ધાર્મિક સંસ્થા પ્રાચીન હોય અને ઐતિહાસિક ધરોહર પ્રકારની હોય તે ધાર્મિક સંસ્થા માટે કોર્પોરેશન વધુમાં વધુ રૂ.પ લાખ સુધીના કામો માટે મ્યુનિ. કમિશનરની મંજુરી મેળવવાની રહેશે તથા રૂ.પ લાખથી ૧૦ લાખના કામો અંતર્ગત સ્ટેન્ડિગ કમિટિની મંજુરી મેળવવાની રહેશે. સ્ટેન્ડિગ કમિટિ તરફથી ફાળવવામાં આવેલ રકમનો ઉપયોગ લાઈટ બીલ રીપેરીંગ જેવા કામ માટે કરી શકાશે નહી.
જે ધાર્મિક સંસ્થાઓ આ પ્રકારની સહાય મેળવવા માંગતા હોય તેમણે વિગતવાર ઠરાવની નકલ કોર્પોરેશનમાં રજુ કરવાની રહેશે. જેતે ધાર્મિક સંસ્થાનું એક અલગ રજીસ્ટ ટ્રસ્ટ હોવું જરૂરી છે તથા તેના છેલ્લા ર વર્ષના હિસાબો ઓડીટ થયેલા હોવા ફરજીયાત છે. જે જમીન પર ધાર્મિક સંસ્થા આવેલ હોય તે જમીનના ટાઈટલ પણ કલીયર હોવા જરૂરી છે. જે ધાર્મિક સંસ્થા આ પ્રકારની કામગીરી કરાવવા માંગતી હોય તેણે જે તે ઝોન તથા વિભાગમાં અરજી કરવાની રહેશે અને તેની સાથે સરકયુલર મુજબના જરૂરી તમામ ડોકયુમેન્ટ સબમીટ કરવાના રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.