હવે અમદાવાદના રસ્તાઓને 25 વર્ષ સુધી કાંઈ નહીં થાયઃ AMC નો દાવો
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવાની કામગીરી શરૂ-મ્યુનિ.એ ૩ રસ્તાઓ ૧૭ કરોડના ખર્ચે વ્હાઇટ ટોપીંગથી બનાવવાનો ર્નિણય કર્યો
અમદાવાદ મ્યુ. કોર્પો. એવા રોડ બનાવશે જેનું આયુષ્ય ૨૫ વર્ષનું હોવાના દાવા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચથી નવા રોડ રસ્તા બનાવવામાં આવે છે પરંતુ વરસાદ ના એકાદ બે ઝાપટામાં જ રોડ તૂટી જાય છે અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ૨૦૧૭ ની સાલમાં આ પ્રમાણે ૧૩૦ કરતા વધુ રોડ તૂટી ગયા હતા.
જે મામલે મ્યુનિસિપલ ઇજનેરી વિભાગના અધિકારીઓને નાની મોટી સજા પણ કરવામાં આવી છે શહેરમાં પ્રતિ વર્ષ રૂપિયા ૪૦૦થી ૫૦૦ કરોડ નો ખર્ચ તૂટી ગયેલા રોડ રિપેર કરવામાં થાય છે આ સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા થોડા વર્ષો પહેલા પ્લાસ્ટિક રોડ બનાવવા ર્નિણય કર્યો હતો
જેના ટ્રાયલ પણ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ અગમ્ય કારણોસર તેની ફાઈલ અઘરાઈએ મૂકવામાં આવી હતી હવે મ્યુનિસિપલ શાસકો દ્વારા વાઈટ ટોપીંગ રોડ બનાવવા માટે ર્નિણય કરવામાં આવ્યું છે દેશના બેંગ્લોર શહેરમાં વ્હાઇટ ટોપીંગ રોડ નો પ્રયોગ સફળ સાબિત થયો છે તેવા દાવા પણ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં રસ્તાઓની આયુષ્ય મર્યાદા વધે તે માટે મ્યુનિ. દ્વારા વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવા માટે રૂપિયા ૧૭ કરોડના કોન્ટ્રાક્ટઆપવામાં આવ્યા છે. જે પૈકી ગુરૂકુળ રોડ પર વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. મ્યુનિ. સત્તાધિશોનો એવો દાવો છેકે, વ્હાઇટ ટોપીંગ રોડ ૨૦ થી ૨૫ વર્ષ સુધી ટકી રહે છે, તેની સામે ડામરના રસ્તાનું ટકાઉપણું માંડ ૩ થી ૫ વર્ષનું હોય છે. બીજી તરફ વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવાનો ખર્ચ ડામરના રોડ કરતાં ૧.૩ ગણો વધારે આવે છે.
મ્યુનિ. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિના ચેરમેન મહાદેવ દેસાઇએ જણાવ્યું હતુંકે, શહેરમાં ત્રીકમલાલ ચાર રસ્તાથી સુહાના હોટલ જંકશન સુધીનો ૨.૭ કિ.મી.નો રસ્તો, ગુરૂકુળ રોડ અને તેને જાેડતાં ૨.૧૫ કિ.મી.ના રસ્તા તથા ઇસનપુરમાં આલોક બંગલો મુખ્ય દરવાજાથી સીધાધી બંગલો સુધીનો ૦.૫૫ કિ.મી.નો રસ્તો
વ્હાઇટ ટોપીંગથી બનાવવા માટે ૧૭ કરોડનો કોન્ટ્રાક્ટ બી.આર. ગોયલ ઇન્ફ્રાસ્ટ્રકચર લી.ને આપવામાં આવ્યો છે. બેંગલોરમાં આ પ્રકારના રસ્તાઓ બને છે જેની મુલાકાત બાદ મ્યુનિ. દ્વારા આવા રસ્તા બનાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુંકે, ડામરના રસ્તાની સરખામણીએ વ્હાઇટ ટોપીંગ રોડની જાડાઇ પણ ૫૦ ટકા જેટલી ઓછી હોય છે.
મ્યુનિ. વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું છેકે, રોડના કામોમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર અને ગેરરીતી થાય ચે. તાજેતરમાં બનાવેલા રોડમાં પણ પેન ઘુસાડતાં ડામર અને કપચી ઉખડી જતી હોય છે. ત્યારે મ્યુનિ.ના ભાજપ સત્તાવાળાઓ નવું વ્હાઇટ ટોપીંગ રોડ લઇ આવ્યા છે.
જાે આ ટેકનોલોજી એટલી સારી હતી તો મ્યુનિ. દ્વારા અત્યાર સુધી તેનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો નહી? ૧૦ ટકા ડીપોઝીટ જમા રાખવાની શરત હોવા છતાં પણ શહેરના મોટાભાગના રસ્તાઓ તુટી જતાં હોય છે. આ સ્માર્ટ સીટી છેકે, ભાજપ ભ્રષ્ટ્રાચાર શહેર છે? શહેરમાં રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે નાગરીકોને મુશ્કેલી પડી છે.
૨૫૨૩૮ જેટલા રસ્તા પરના ખાડા ગત ૨૦મી સપ્ટેમ્બર સુધી પુરાયા છે. શહેરના અનેક વિસ્તારમાં હજુ આજે પણ ખાડા પડેલા છે. પ્રજાને ટકાઉ અને સારા રોડ મળે તેવી તેમણે માગણી કરી છે. તેમજ હલકી ગુણવત્તાના રોડ બનાવનાર અધિકારી- કોન્ટ્રાક્ટરો સામે પ્રજાહિતમાં કડક કાર્યવાહી કરવા તેમણે માગણી કરી છે.