AMC પેનલ્ટી વસૂલવાની કામગીરી હવે ‘ઓનલાઈન’ કરશે
ઈન્ટરનેટ બંધ હોય તેવા આકસ્મિક સંજોગોમાં જ ફિઝિકલ રસીદ બનાવવામાં આવશે
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, સીએનસીડી વિભાગ, એસ્ટેટ જેવા વિભાગો દ્વારા વિવિધ પબ્લિક હેલ્થ બાયલોઝ તેમજ જીપીએમસી એક્ટના ભંગ બદલ કસૂરવારો પાસેથી વહીવટીચાર્જ કે પેનલ્ટી વસૂલવામાં આવે છે. જો કે આગામી દિવસોમાં ફિઝિકલ રસીદના બદલે આ વસૂલાત ‘ઓનલાઈન’ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.
મેન્યુઅલી ચલણ બનાવવાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, સીએનસીડી વિભાગ, એસ્ટેટ વિભાગ, જેવા વિભાગોની કામગીરીને ઓનલાઈન કરવા માટે મ્યુનિસિપલ ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા એમ-ચલન મોડ્યુઅલ બનાવવામાં આવ્યું છે, જે હાલ કાર્યરત છે. જેમાં સ્થળ પર જ ઓનલાઈન, યુપીઆઈ, કેશ, ચેક તેમજ ડિમાન્ડ ડ્રાફ્ટથી નાણાં વસૂલ કરવાની જોગવાઈ કરાઈ છે.
જો કે, હવે આગામી ૧ માર્ચ, ૨૦૨૪થી વિવિધ પબ્લિક હેલ્થ બાયલોઝ તેમજ જીપીએમસી એક્ટના ભંગ બદલ વહીવટી ચાર્જ કે પેનલ્ટી વસૂલ કરનારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સીએનસીડી અને એસ્ટેટ વિભાગ દ્વારા આવી પેનલ્ટીની રસીદ ૩૧૧ એપમાં એમ-ચલન મારફતે જ ઓનલાઈન, યુપીઆઈ, કેશ, ચેક તેમજ ડિમાન્ડ ડ્રાફ્ટથી લેવાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને આ અંગેનો ખાસ સર્ક્યુલર પ્રસિદ્ધ કરીને આગામી ૧ માર્ચ, ૨૦૨૪થી આને લગતી વ્યવસ્થા ગોઠવવા તમામ વિભાગના વડા અધિકારીઓને આદેશ અપાયો છે. આકસ્મિક સંજોગો જેવા કે, ઈન્ટરનેટ બંધ હોવું, નેટવર્ક પ્રોબ્લેમ હોવા કે અન્ય ટેકનિકલ એરર ઉદ્ભવે તેવા કિસ્સામાં સક્ષમ સત્તાની મંજૂરી મેળવીને જ ફિઝિકલ રસીદ બનાવવાની રહેશે.
એમ-ચલન મોડ્યુઅલમાં વસૂલ કરવામાં આવતી તમામ રસીદોના નાણાં નજીકના સિટી સિવિક સેન્ટર ખાતે જે – તે કર્મચારી કે અધિકારી દ્વારા જમા કરાવાવનાં રહેશે. જે તે ઝોન વિભાગમાં બનેલા તમામ એમ-ચલન રસીદોના નાણાં સમયસર જમા થાય તે બાબતે ઝોન કે વિભાગના અધિકારીએ સુનિશ્ચિત કરવાની રહેશે.
વહીવટી ચાર્જ કે પેનલ્ટી વસૂલ કરવાની કામગીરી સાથે સંકળાયેલા, જે ખાતાની કામગીરી એમ-ચલનમાં સમાવેશ ન થઈ હોય તે વિભાગોએ પબ્લિક હેલ્થ બાયલોઝ તેમજ જીપીએમસી એક્ટની વિવિધ જોગવાઈઓ સહિત જેને તે પ્રાકરની રસીદો ઓનલાઈન મળી રહે તેમજ નાણાં ખાતાની પરામર્શમાં રહી જે તે વિભાગ દ્વારા વસૂલ કરવામાં આવેલા નાણાંનું રિકÂન્સલિએશન થઈ શકે તે મુજબની વ્યવસ્થા એમ-ચલન મોડ્યુઅલમાં કરવાની રહેશે. આ માટે કમિશનરના આદેશ મુજબ તાકીદે ઈ-ગવર્નન્સ વિભાગનો સંપર્ક કરવી ગો-લાઈવ કરવા સુધીની કામગીરી કરવાની રહેશે.