મ્યુનિ. કોર્પોરેશન નવેમ્બર મહિનામાં બુક ફેરનું આયોજન કરશે
શીલજ, બોપલ, ઘુમામાં નર્મદાના નીર સપ્લાય થશેઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગામતળના વિસ્તારોમાં ઝડપથી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત શીલજ, બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં નર્મદાના નીર સપ્લાય કરવામાં આવશે તેમજ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવેમ્બર મહિનામાં બુક ફેરનું આયોજન કરવા માટે સત્તાધીશો દ્વારા મંજુરી આપવામાં આવી છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૬ નવેમ્બરથી ૯ ડીસેમ્બર સુધી બુક ફેરનું આયોજન કરવામાં આવશે જેમાં નેશનલ બુક ટ્રસ્ટ ભારત સરકારનો સહયોગ રહેશે. શહેરના નવા ભળેલા વિસ્તાર એવા બોપલ, ઘુમા, શીલજ સહિતના વિસ્તારોમાં નર્મદાના પાણીની પાઇપલાઇન નાખવાની અરજીઓનો જલ્દીથી નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે.
નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેના માટે જેટલી પણ પેન્ડિંગ અરજીઓ હોય તેનો જલ્દીથી નિકાલ કરી કનેક્શન આપવામાં આવે જેના કારણે પાણીની સમસ્યા ઉભી ન થાય. શહેરમાં આવેલાં ગામતળ વિસ્તારોમાં જ્યાં સ્ટ્રીટ લાઈટો નથી અથવા ઓછી સ્ટ્રેટ લાઈટો છે ત્યાં પૂરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે એવી પણ સૂચના આપવામાં આવી છે.
વાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવું સ્મશાન ગૃહ બનાવવામાં આવી રહ્યું છે તેની કામગીરી ઝડપી પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે. રીવરફ્રન્ટ બાજુનો પ્લોટ જલ્દીથી ખાલી કરાવી દેવા સૂચના અપાઇ છે. ચેનપુર વિસ્તારમાં ભૂંડનો ત્રાસ વધી ગયો છે જેના કારણે તેને જલ્દીથી દૂર કરવામાં આવે તે માટે અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.
કાળીગામ અંડરપાસની કામગીરી ચાલી રહી છે જેને ૧૦થી ૧૫ દિવસમાં પૂર્ણ થશે. નવી પેન્શન સ્કીમ મુજબ રાજ્ય સરકાર દ્વારા હવે ૧૦ ટકાની જગ્યાએ જે ૧૪ ટકા વધારો કરવામાં આવ્યો છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ૧૫,૦૦૦ જેટલા કર્મચારીઓને નવી પેન્શન સ્કીમનો ફાયદો મળશે જેમાં દર માસે બે કરોડ રૂપિયાની અને વાર્ષિક ૨૪ કરોડ રૂપિયાનું ભારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પડશે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખાણીપીણી બજારોના દિવસ દરમિયાન ચેકિંગ થાય છે પરંતુ હવેથી દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રી દરમિયાન જે ખાણીપીણી બજારો પણ ચાલતા હોય છે ત્યાં ફૂડ વિભાગની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરી જ્યાં પણ બિન આરોગ્યપ્રદ ખોરાક વેચાતો હોય ત્યાં નાશ કરી અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.