Western Times News

Gujarati News

ફુડ ફોર થોટઃ AMCએ 3 દિવસ માટે કન્સલ્ટન્ટને રૂ.૫૯ લાખ અને ગ્વાલિયા સ્વીટ્‌સને રૂ.૭૬ લાખ ચૂકવ્યા

File Photo

હોટલ વેલકમ અને કમ્ફર્ટ ઈન પ્રેસીડેન્ટમાં રહેવા અને જમવાનો તમામ ખર્ચ પણ કોર્પોરેશન દ્વારા ભોગવવામાં આવ્યો

રેડીશન બ્લ્યુ હોટલમાં નામાંકિત શેફને રોકાવવા માટે રૂ.૭ લાખ ૪૩ હજારનું બીલ ચુકવવામાં આવ્યું

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો દ્વારા નાના-મોટા કામો, ઉત્સવો, કાર્નિવલ વગેરે માટે કમિશનરને નાણાંકિય સત્તા આપવામાં આવે છે. પરંતુ એક વખત નાણાંકીય સત્તા આપવામાં આવ્યા બાદ તેનો હિસાબ સત્તાધીશો દ્વારા પુછવામાં આવતો નથી અને કમિશનર દ્વારા ક્યારેય જાહેર કરવામાં આવતો નથી જેના કારણે પ્રજાના રૂપિયાનું આધણ થઈ રહયું છે. AMC’s Food for Thought Fest

પ્રજા પાસેથી દંડો ઉગામી ટેક્ષ વસુલ કરતા કમિશનર તેમની સત્તાનો બેફામ ઉપયોગ કરી માત્ર બે ત્રણ દિવસના ઉત્સવ માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને તેની જાણ સુધ્ધા સત્તાધારી પાર્ટી અને નાગરિકોને થતી નથી.

મ્યુનિ. હેલ્થ ફુડ વિભાગ દ્વારા માત્ર ત્રણ દિવસ માટે યોજવામાં આવેલ ‘ફુડ ફોર થોટ’નો કુવિચાર કોર્પોરેશનને રૂ.૧.૭પ કરોડમાં પડયો છે જેમાં સૌથી વધુ ઘી કેળા કન્સલટન્ટને થયા હોવાની વિગતો બહાર આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૮ થી ૧૦ માસ દરમિયાન રિવરફ્રંટમાં ‘ફુડ ફોર થોટ’નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેલ્થ ફુડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોષી દ્વારા રજુ કરવામાં આવેલી દરખાસ્ત મુજબ સ્ટેન્ડિગ કમિટીએ તમામ નાણાંકિય સત્તા કમિશનરને સોંપી હતી

જેનો ભરપુર ગેરલાભ કમિશનર દ્વારા લેવામાં આવ્યો હતો અને માત્ર ૩ દિવસના જ આ કાર્યક્રમમાં કન્સલટન્ટને રૂ.પ૯ લાખ જેટલી માતબર રકમ ચુકવવામાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે રૂ.૪૦ લાખ એડવાન્સ ચુકવવામાં આવ્યા હતા અને આ રકમ માત્ર મ્યુનિ. કમિશનરની મંજુરીથી જ ચુકવાઈ છે.

આ ઉપરાંત કન્સલટન્ટની ટીમ માટે દિલ્હી અને મુંબઈથી આવવા જવા માટેની એર ટિકિટ તેમજ હોટલ વેલકમ અને કમ્ફર્ટ ઈન પ્રેસીડેન્ટમાં રહેવા અને જમવાનો તમામ ખર્ચ પણ કોર્પોરેશન દ્વારા ભોગવવામાં આવ્યો છે.

મ્યુનિ. હેલ્થ ફુડ વિભાગના ઉચ્ચ અધિકારી ડો. ભાવિન જોષીના આ ‘ફુટ ફોર થોટ’ના કુવિચારે કન્સલટન્ટ ઉપરાંત ગ્વાલિયા સ્વીટ્‌સને પણ ઘી કેળા કરી આપ્યા છે. ૮ માર્ચથી ૧૦ માર્ચ દરમિયાન ત્રણ દિવસ માટે જ ગ્વાલિયા સ્વીટ્‌સને રૂ.૭૬ લાખ ૭૦ હજાર ચુકવાયા છે.

જેમાં ગ્વાલિયા સ્વીટ્‌સ દ્વારા માત્ર વેલનેસ અને પેવેલિયન રસોડું કરવામાં આવ્યા હતા આ રકમ પણ મ્યુનિ. કમિશનરની મંજુરીથી જ ચુકવવામાં આવી છે. તેવી જ રીતે દેશ વિદેશથી આવેલા નામાંકિત શેફને રોકાવવા માટે રેડીશન બ્લ્યુ હોટલમાં રૂ.૭ લાખ ૪૩ હજારનું બીલ ચુકવવામાં આવ્યું છે જેના પર પણ કમિશનરને જ હસ્તાક્ષર કર્યાં છે.

‘ફુડ ફોર થોટ’ ફેસ્ટિવલની રસપ્રદ બાબત એ છે કે જે મોટા ખર્ચા થયા છે તે તમામ માટે મ્યુનિ. કમિશનરે મંજુરી આપી છે જયારે નાના ખર્ચા માટે કમિટિની મંજુરી કે ડેપ્યુટી મ્યુનિ. કમિશનર હેલ્થની મંજુરી લેવામાં આવી છે.

જેમ કે કલર ડેકોરેશનમાં વપરાતી સામગ્રી માટે ૭૪ હજારના બીલ ચુકવવા માટે કમિટીની મંજુરી લેવામાં આવી હતી. તેવી જ રીતે અકસ્માત વીમાના પ્રિમીયમ રૂ.૧ લાખ ૯પ હજાર માટે પણ કમિટીની મંજુરી લેવામાં આવી હતી જયારે ફુડ ફેસ્ટિવલ માટે ર૩ ફેબ્રુઆરીએ થયેલ મીટીંગના નાસ્તા ખર્ચ રૂ.૧૪ હજારની ચુકવણી માટે ડેપ્યુટી કમિશનર હેલ્થની મંજુરી લેવામાં આવી હતી.

આમ મોટા અને માતબર ખર્ચા માત્ર કમિશનરની મંજુરીથી જ ચુકવાયા છે જયારે નાનકડા ખર્ચા કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યા છે. ‘ફુડ ફોર થોટ’ ફેસ્ટિવલ માટેનો ત્રણ દિવસનો કુલ ખર્ચ ૧ કરોડ ૭૬ લાખ રૂપિયા થયો છે. જેમાં અક્ષર મેનેજમેન્ટને પણ રૂ.૬ લાખ ૬૦ હજારની સેવા કરવાની તક આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.