Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનની એલ. જી. અને શારદાબેન હોસ્પિટલની બદતર સ્થિતિ : દર્દીઓની દયનીય હાલત

File

પંખા અને વોટર કુલર બંધ – ઇકબાલ શેખ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દવારા નાગરિકોની જાહેર આરોગ્ય સુખાકારી માટે કરોડો રૂપિયાનું માતબર બજેટ ફાળવવા છતાં કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં તથા એલ.જી.હોસ્પિટલમાં દર્દીઓની સ્થિતિ બદતર જોવા મળે છે. દર્દીઓને જરૂરી યોગ્ય સુવિધાઓ મળતી નથી જયારે તેમના સ્વજનો ને પારાવાર હાલાકી થાય છે. આ મુદ્દે દર્દીઓ તરફથી ફરિયાદ કરવામાં આવતી હોવા છતાં કોઈ સુધારો થયો ન હોવાના આક્ષેપ થઈ રહયા છે. AMC’s L. G. And Shardaben worsening condition

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.હોસ્પિટલમાં વાર્ષિક કેપીટલ ૧૦ કરોડ અને રેવન્યુ ૭૫ કરોડ એમ કુલ ૮૫ કરોડ ફાળવવામાં આવે છે. જયારે શારદાબેન હોસ્પિટલમાં કેપીટલ ૩.૦૦ કરોડ અને રેવન્યુ ૬૫ કરોડ એમ કુલ ૬૮ કરોડની ફાળવણી કરવામાં આવે છે.

શહેરમાંથી વી.એસ.હોસ્પિટલ બંધ થતાં શહેર ઉપરાંત અન્ય જિલ્લાના દર્દીઓ એલ.જી.હોસ્પિટલ તથા શારદાબેન હોસ્પિટલ ખાતે ચાલુ ચોમાસાની ઋતુમાં જંતુજન્ય ટાઈફોઈડ, મેલેરીયા, ડેન્ગ્યુ તથા અન્ય પાણીજન્ય રોગોના દર્દીઓ સારવાર માટે મોટા પ્રમાણમાં આવતાં હોય છે. સદરહું બન્ને હોસ્પિટલોમાં આવેલ વિવિધ વોર્ડ જેવાં કે, ઓર્થોપેડીક, ગાયનેક, પિડીયાટ્રીક, મેઈલ અને ફીમેલ, મેડીકલ તેમજ અન્ય બિમારીથી પિડાતા દર્દીઓને બન્ને હોસ્પિટલમાં દાખલ થાય છે.

જેમાં શારદાબેન હોસ્પિટલમાં ઓ.પી.ડી.માં આશરે ૨૨૦૦ થી ૨૫૦૦ જેટલા દર્દીઓ નોંધાય છે. શારદાબેન હોસ્પિટલ ૬૨૧ બેડ ધરાવે છે અને ઈન્ડો દર્દીઓ આશે ૫૫૦ (દાખલ) હોય છે. જયારે એલ.જી.હોસ્પિટલમાં ૩૨૦૦ થી ૩૫૦૦ દર્દીઓની ઓ.પી.ડી.હોય છે અને ૧૨૦૦ બેડ ધરાવતી હોસ્પિટલ હોવાથી સરેરાશ આશે ૧૧૦૦ દર્દીઓ ઈન્ડોર (દાખલ) હોય છે.

મ્યુનિ.કોંગી કોર્પોરેટર ઇકબાલ શેખના જણાવ્યા મુજબ એલ.જી.અને શારદાબેન હોસ્પિટલોમાં દર્દીઓનો વધુ પ્રમાણમાં ધસારો હોવાથી સામાન્ય નાગરિકને પ્રાથમિક સારવાર યોગ્ય પ્રમાણમાં મળતી નથી. તમામ વોર્ડમાં પંખાની સ્થિતિ પણ બદતર જોવા મળે છે.

હયાત પંખા યોગ્ય રીપેરીંગના અભાવે પંખાઓ પુરતા પ્રમાણમાં હવા ફેકતા નથી અને વોટર કુલરોની સંખ્યા ઘણી જ ઓછી હોવાથી દર્દીઓના સગાઓ સાથે વારંવાર આ બાબતે ધર્ષણ થતું જોવા મળે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી ભીષણ ગરમીના કારણે ધણાં દર્દીઓ દામા માં રજા લઈને જતા હોય છે . અન્ય અધુરી સારવાર છોડી કોઈના કહયા વગર જતા રહેતા હોય છે.

આના કારણે દર્દીઓની બિમારી ઘટવાના બદલે વધતી રહે છે અને વાતાવરણમાં સંક્રમણનો ફેલાવો તીવ્ર ગતિએ થતો રહે છે. આ પરિસ્થિતિ નિવારવા બન્ને હોસ્પિટલોમાં મુવેબલ પંખા તથા જો શકય હોય તો મુવેબલ એ.સી.ની ખાસ કિસ્સામાં તંત્ર દવારા કરવાની આવશ્યકતા રહે છે. જેના પરિણામે સારવાર માટે આવતાં અસંખ્ય દર્દીઓ પુરતી સારવાર મેળવી રાહતનો અનુભવ કરી શકે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.