Western Times News

Gujarati News

AMCના કર્મચારીઓના પ્રયત્નોથી અસ્થિર મગજની મહિલા પરિવારને પાછી મળી

ઓઢવ આશ્રયગૃહમાં આશરો લેનારી મહિલાનો પરિવારજનો સાથે મેળાપ

અમદાવાદ, કુદરતનો માર ક્યારે કોના પર કઈ રીતે પડે તે કહી શકાતું નથી, પરંતુ ઘણી વખત ગૃહક્લેશના કારણે પણ પરિવાર પીંખાઈ જતો હોય છે. ગઢડાની એક મહિલાને ક્લેશના કારણે કડવો અનુભવ થયો હતો. આ મહિલાને પતિ દ્વારા સંતાનો સાથે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી,

જે ફરતાં ફરતાં અમદાવાદ આવી પહોંચતાં મ્યુનિસિપલ તંત્ર સંચાલિત યુસીડી વિભાગની ટીમની નજરે પડી હતી. આ ટીમ દ્વારા ખાસ્સી એવી જહેમત ઉઠાવી મહિલાને આશ્રયગૃહમામં આશરો તો અપાયો જે હતો, પરંતુ પરિવારજનો સાથે પણ તેનો મેળાપ કરી અપાયો હતો. આમ, આશ્રયગૃહમાં ગરીબોને માત્ર આશ્રય જ આપવામાં આવતો નથી, પરંતુ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવામાં પણ આવે છે.

મ્યુનિસિપલ કોર્પાેરેશનના યુસીડી વિભાગ સંચાલિત શેલ્ડર સંચાલિત શેલ્ટર ફોર અર્બન હોમલેસ એટલે કે એવા લોકો જેમની પાસે ઘર નથી અને રોડ, ફૂટપાથ, બ્રિજ નીચે, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન કે બગીચા જેવી જાહેર જગ્યાએ આશ્રય લેતા હોય છે તેઓને આશ્રયગૃહમાં ખસેડવામાં આવે છે. આવા ઘરવિહોણા લોકોને આશ્રય આપવા માટે યુસીડી વિભાગ દ્વારા દરરોજ બે વખત ડ્રાઈવ કરવામાં આવે છે.

આવી જ એક ડ્રાઈવ દરમિયાન ચામુંડાબ્રિજ નીચે માનસિક રીતે અસ્થિર હાલતમાં એક મહિલા પોતાની બે વર્ષની બાળકી સાથે જોવા મળી હતી. આ મહિલા ડરેલી લાગતી હતી અને કોઈ સાથે વાત કરવા પણ તૈયાર નહોતી. જોકે તંત્ર દ્વારા ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈનની ટીમને બોલાવીને તેમની સમજાવટ દ્વારા ઓઢવના મનમોહન ચાર રસ્તા પાસે આવેલા આશ્રયગૃહમાં લાવવામાં આવી હતી.

સંસ્થા દ્વારા કરાવાયેલી સારવારના પરિણામે મહિલાએ પોતાનું નામ સંગીતાબહેન જણાવ્યું હતું અને ગઢડાનાં વતની હોવાની વાત કહી આપવીતીમાં જણાવ્યું હતું કે તેમને બે મહિના પહેલાં તેમના પતિ દ્વારા ઘરમાંથી સાત વર્ષના દીકરા અને બે વર્ષની દીકરી સાથે કાઢી મૂકવામાં આવ્યાં હતાં. અમદાવાદ આવ્યા બાદ બે દિવસમાં જ તેમનો સાત વર્ષનો દીકરો ખોવાઈ ગયો હતો. ખૂબ જ શોધ કરવા છતાં દીકરો ન મળતાં મહિલા માનસિક રીતે અસ્થિર બની ગઈ હતી.

આશ્રયગૃહ સંચાલિત સંસ્થા દ્વારા સતત કાઉન્સેલિંગ કરી તેમનો વિશ્વાસ સંપાદિત કરવામાં આવતાં તેઓ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતાં થયાં હતાં. આ દરમિયાન તેમનાં પરિવારજનોની શોધ ચાલુ કરી દેવાતાં સોશિયલ મીડિયા મારફતે પરિવારજનોને સંગીતાબહેનના સમાચાર મળતાં તેઓએ સંસ્થાનો સંપર્ક કર્યાે હતો.

તેમના સાત વર્ષના દીકરાને ઘરનું સરનામું ખબર હોવાથી તે પાછો ઘરે આવી ગયો હતો. સંગીતાબહેનને આશ્રયગૃહમાં લાવવામાં આવ્યાં તેના કારણે તેઓ પરિવારજનો સાથે ફરીથી મળી શક્યાં હતાં. હવે તેઓ પોતાના પરિવાર સાથે ફરીથી સામાજિક જીવન જીવી શકશે. આશ્રયગૃહની સરાહનીય કામગીરીથી એક પરિવાર તૂટતાં બચી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.