Western Times News

Gujarati News

અમેરિકાએ ત્રણ મહિનામાં રેકોર્ડ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા

વોશિંગ્ટન, ભલે કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે જવાનો ક્રેઝ વધ્યો હોય પરંતુ હાલમાં પણ અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ છે. અમેરિકા પણ ભારતીય વિદ્યાર્થીઓને વધારેમાં વધારે વિઝા આપી રહ્યું છે. અમેરિકાએ જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ ત્રણ મહિનામાં રેકોર્ડ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા છે.

ભારતમાં યુએસ મિશને ટિ્‌વટર પર જાહેરત કરી છે કે તેમણે યુએસમાં હાયર એજ્યુકેશન મેળવવા માટે અરજી કરનારા ભારતના ૯૦,૦૦૦થી વધુ ઉમેદવારોને વિઝા આપ્યા છે. ટિ્‌વટર પરની પોસ્ટમાં, યુએસ મિશનએ એમ પણ કહ્યું કે વિશ્વભરમાં લગભગ ચારમાંથી એક સ્ટુડન્ટ વિઝા ભારતમાં જારી કરવામાં આવ્યા છે.

ભારતીય વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા, યુએસ મિશનએ કહ્યું છે કે, “તમામ વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ જેમણે તેમના ઉચ્ચ શિક્ષણના લક્ષ્યોને વાસ્તવિક બનાવવા માટે યુનાઈટેડ સ્ટેટ્‌સ પસંદ કર્યું છે.” ૨૦૨૨માં ભારત યુનાઈટેડ સ્ટેટ્‌સમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે વિશ્વનો ટોચનો દેશ બન્યો હતો. આ મામલે ભારતે ચીનને પાછળ છોડી દીધું હતું. ૨૦૨૦માં લગભગ ૨,૦૭,૦૦૦ આંતરરાષ્ટ્રીય ભારતીય વિદ્યાર્થીઓ યુએસમાં અભ્યાસ કરતાં હતા.

અગાઉ ફ્રાન્સે પણ ભારતમાંથી લગભગ ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓને આવકારવાની પોતાની ઈચ્છા અને ધ્યેય વ્યક્ત કર્યો હતો. ફ્રાન્ચ ૨૦૩૦ સુધીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરવાના પ્રયાસો કરી રહ્યું છે. શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપીને, સાંસ્કૃતિક સંબંધોને વેગ આપી અને બંને દેશો વચ્ચે લાંબા સમય સુધી ચાલતી મિત્રતાને વધારીને આ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી કેનેડા પણ હાયર એજ્યુકેશન માટે ભારતીય વિદ્યાર્થીઓની પસંદગીનો દેશ બન્યો હતો.

કેનેડામાં પણ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જાેકે, હાલમાં આ ચિત્ર બદલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ભારત અને કેનેડા વચ્ચે જે રીતે વિવાદ ચાલી રહ્યો છે તેના કારણે કેનેડા અભ્યાસ માટે જવાનું વિચારતા વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાઓ વધી ગઈ છે. આ ઉપરાંત ત્યાં હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પણ ચિંતામાં છે. ઘણા વિદ્યાર્થીઓ તો હવે કેનેડાના વિકલ્પ અંગે પણ તપાસ કરી રહ્યા છે.

નિષ્ણાતોને લાગે છે કે વર્તમાન પરિસ્થિતિમાં સલામતી એક ચિંતાનો વિષય છે અને કેનેડામાં હેટ ક્રાઈમ પણ એક મુદ્દો હોઈ શકે છે. તેમ છતાં તેઓ વિદ્યાર્થીઓને સાવચેત રહેવાની સલાહ આપે છે. નિષ્ણાતો માને છે કે અત્યારે આવું કહેવું ઉતાવળીયું ગણાશે પરંતુ ભય વાસ્તવિક છે, અને ઉચ્ચ શિક્ષણ માટે કેનેડામાંથી અન્ય દેશોમાં પસંદગી તરફ દોરી શકે છે. જેવું ભારતીયો સામે વંશીય હુમલાના અહેવાલોને પગલે ભૂતકાળમાં યુએસ અને ઓસ્ટ્રેલિયાના કિસ્સામાં જાેવામાં મળ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.