કેનેડા સાથેની ટ્રેડ વોરમાં છેવટે અમેરિકાને જ નુકસાનઃ માર્ક કાર્ની

AI Image
ટોરન્ટો, કેનેડા સાથેની ટ્રેડ વોરમાં છેવટે અમેરિકાને જ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે એમ કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ જણાવ્યું હતું. કાર્નીએ કહ્યું કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેવટે કેનેડાના સાર્વભૌમત્વનું સન્માન કરી વેપાર અંગે ચર્ચા કરવા તૈયાર થવું પડશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં સુધી એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકેનું અમારું સન્માન નહીં જળવાય ત્યાં સુધી ટ્રમ્પ સાથે વાતચીત શક્ય નહીં બને.
દરમિયાનમાં ટ્રમ્પે કેનેડા પર આક્રમક વલણ જાળવી રાખતાં ફરી તેને અમેરિકામાં ભેળવી તેને ૫૧મું રાજ્ય બનાવવાની વાતનો પુનરોચ્ચાર કર્યાે હતો. અમેરિકા સાથે ટેરિફ મુદ્દે ચાલી રહેલી લડાઈ મામલે દેશના પ્રાંતિય નેતાઓ સાથે શનિવારે યોજાયેલી બેઠકમાં કાર્નીએ જણાવ્યું હતું કે, તેઓ અમેરિકા સાથે વેપાર અને સુરક્ષા મામલે વ્યાપક ચર્ચા ઈચ્છે છે.
ટ્રમ્પે વેપાર મામલે જે પગલાં લીધાં છે તેનાથી છેવટે અમેરિકાને જ નુકસાન થવાનું છે, અને એટલે જ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, અમેરિકા સાથે ભવિષ્યમાં જે ચર્ચા થશે તેમાં કેનેડાનું સન્માન જળવાશે. તેઓ કહે તે સમયે હું તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છું.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ કેનેડાથી આયાત થતાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ૨૫ ટકા ટેરિફ લાદી છે. એટલું જ નહીં પરંતુ આગામી ૨ એપ્રિલથી કેનેડાના તમામ ઉત્પાદનો પર જંગી ટેરિફ લાદવાની ચીમકી ઉચ્ચારી છે.SS1MS