ડિવોર્સની અટકળો વચ્ચે અભિષેક-ઐશ્વર્યા મણિરત્નમની ફિલ્મમાં સાથે કામ કરશે
‘ગુરુ’ના શૂટિંગ દરમિયાન અભિષેક-ઐશ્વર્યા વચ્ચે નિકટતા વધી હતી
ઐશ્વર્યા અભિષેકની મણિરત્નમ સાથે આ ત્રીજી ફિલ્મ હશે, આ પહેલાં તેઓ ‘ગુરુ’ અને ‘રાવણ’માં સ્ટાર કપલ સાથે કામ કરી ચૂક્યા છે
મુંબઈ, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના ડિવોર્સની સતત ચાલતી અટકળો વચ્ચે તેમના ફૅન્સ માટે એક રાહતના સમાચાર આવ્યા છે કે ઐશ્વર્યા અને અભિષેકને લઇને મણિરત્નમ એક ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે.
ઐશ્વર્યા અભિષેકની મણિરત્નમ સાથે આ ત્રીજી ફિલ્મ હશે. આ પહેલાં તેઓ ‘ગુરુ’ અને ‘રાવણ’માં સ્ટાર કપલ સાથે કામ કરી ચૂક્યા છે. મણિરત્નમ સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર મણિને આ ફિલ્મ માટે યોગ્ય વાર્તા પણ મળી ગઈ છે.
અભિષેક આ પહેલાં ઐશ્વર્યા સહિતની બે ફિલ્મો ઉપરાંત ‘યુવા’માં પણ તેમની સાથે કામ કરી ચૂક્યો હોવાથી મણિ સાથે કામ કરવા માટે હંમેશા ઉત્સાહિત હોય છે.ચેન્નાઈથી મળી રહેલા અહેવાલો અનુસાર, આ એક હિન્દી ફિલ્મ હશે. ૨૦૦૭માં જ્યારે તેમણે પહેલી વખત આ બંને સાથે ‘ગુરુ’ બનાવી ત્યારે જ અભિષેક અને ઐશ્વર્યા એકબીજાથી નજીક આવ્યાં હતાં અને પછી એકબીજા સાથે લગ્ન કર્યા હતા.
હવે જ્યારે એક તરફ તેમના સંબંધના અંતની ચર્ચાઓ અને અફવાઓ જોરશોરથી ચાલે છે, ત્યારે ફરી એક વખત મણિરત્નમ તેમને સાથે લઇને આવવાના હોવાની વાતથી તેમના ફૅન્સને સારા સમાચારની આશા જાગી છે, કે ફિલ્મ સાથે આ દંપતિ તેમની વચ્ચે આવેલા મતભેદો પર પણ કામ કરી લેશે.
મણિરત્નમે જ્યારે રાવણ બનાવી ત્યારે તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું, “તે બંનેમાંથી હું કોનાથી વધુ નજીક છું એ પ્રશ્ન મારા માટે અઘરો છે. મને લાગે છે કે અભિષેક અને ઐશ્વર્યા બંને મારા જીવનનો હિસ્સો છે. ગુરુ અને રાવણ પછી મારે તેમની સાથે એક હેટ્રિક પુરી કરવી છે.” ત્યારે હવે લાગે છે કે આ ફિલ્મ પર ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે.મણિરત્નમ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા સૂત્રના જણાવ્યા અનુસાર, “મણિ સર તેમની બંને સાથે કામ કરવા માટે ઘણા લાંબા સમયથી કોઈ સારી સ્ક્રિપ્ટની શોધમાં હતાં.
હવે તેમણે નક્કી કરી લીધું છે કે તેમને આ બંને સાથે કયા વિષય પર કામ કરવું છે.”અભિષેકને પણ મણિરત્નમ માટે બહુ માન છે. આ અંગે તે પણ વારંવાર પોતાની લાગણી વ્યક્ત કરી ચૂક્યો છે. ભૂતકાળમાં એક ઇન્ટરવ્યુમાં અભિષેકે મણિ અંગે જણાવ્યું હતું, “જ્યારે તેઓ યુવા માટે મને સાઇન કરવા માટે અમારા ઘેર આવ્યા ત્યારે મને એવું લાગેલું કે તેઓ પાને મળવા આવ્યા છે. જ્યારે મને ખ્યાલ આવ્યો કે તેઓ મને મળવા આવ્યા છે તો મારા ઉત્સાહનો પાર રહ્યો નહોતો. મણિ સાથે કામ કરવા માટે કોઈ પણ કલાકાર પોતાનું એક અંગ પણ આપી શકે. મને એ બાબતે ઘણું ગૌરવ થાય છે કે તેમણે મને ત્રણ વખત તેમના સિનેમાને લાયક ગણ્યો અને એ પણ કોઈ જ અંગ ગુમાવ્યા વિના.”ss1