Western Times News

Gujarati News

અમીરગઢની એકલવ્ય મોડેલ સ્કૂલ આદિજાતિ બાળકો માટે આશીર્વાદરૂપ

ધોરણ- ૬ થી ૧૨ માં ૧૩૩૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છેઃ રાજ્યમાં કુલ ૧૦૨ એકલવ્ય મોડેલ સ્કૂલમાં આદિજાતિના ૩૩,૮૧૦ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિનું ઘડતર થઈ રહ્યું છે

(માહિતી બ્યુરો, પાલનપુર) આદિજાતિ બાળકોના ગુણવત્તાસભર અને પાયરૂપી શિક્ષણની જરૂરિયાત માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી. જેના થકી રાજ્યના ૧૪ આદિવાસી જિલ્લાના ૯૨ લાખ જેટલાં આદિવાસી બાંધવોના જીવનમાં સ્મિત રેલાયું છે. આદિજાતિના બાળકોને પાયાનું અને અદ્યતન શિક્ષણ મળી રહે એ માટે આદિજાતિ વિસ્તારોમાં મોડેલ પ્રાથમિક શાળાઓથી માંડી વિશ્વવિદ્યાલયો શરૂ કરવાનો શ્રેય માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે.

બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ અને દાંતા તાલુકો આદિજાતિ બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારના આદિજાતિ બાળકો માટે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ અને સરકારશ્રી દ્વારા ૩ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ૫ કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને ૨ મોડેલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. જેમાં ૪૦૦૦ જેટલાં આદિજાતિ બાળકો રહેવા જમવાની સુવિધા સાથે શિક્ષણની નવી ક્ષિતિજાે સર કરી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનું ભાથું મેળવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં આવેલી મોડેલ સ્કૂલ આ વિસ્તારના આદિજાતિ બાળકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. વર્ષ- ૨૦૧૦ માં ૧૯ વિદ્યાર્થીઓથી શરૂ કરવામાં આવેલી આ મોડેલ સ્કૂલમાં અત્યારે ૪૨૦ વિદ્યાર્થી ભાઈ-બહેનો અભ્યાસ કરી રહ્યાં છે. અમીરગઢ મોડેલ સ્કૂલ સંચાલિત કુલ- ૪ શાળાઓ જેથી, સરોત્રા, વિરમપુર અને અમીરગઢ શાળાઓમાં કુલ-૧૩૩૧ વિદ્યાર્થી ભાઈ-બહેનો ધોરણ- ૬ થી ૧૨ માં અભ્યાસ કરી રહ્યા છે.

જેમાંથી ૧૦૩૧ બાળકો નિવાસી શાળાઓમાં રહીને તેમજ ૩૦૦ બાળકો અપડાઉન દ્વારા શાળામાં આવી શિક્ષણ મેળવી રહ્યા છે. આ શાળામાં તમામ બાળકોને સવારે નાસ્તો, બપોરનું ભોજન, યુનિફોર્મ, સ્ટેશનરી, ટોઈલેટરી, પુસ્તકો, ચોપડા સહિતની શૈક્ષણિક કીટ અને જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.
અમીરગઢ મોડેલ સ્કૂલમાં બાળકોના અભ્યાસની વિશેષ દરકાર કરવામાં આવે છે.

જેના ભાગરૂપે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે શહેરોમાં હોય એવી આધુનિક અને અદ્યતન સુવધાઓથી સજ્જ લેબ ઉપલબ્ધ કરવામાં આવી છે. શાળામાં બાયોલોજી, ફિઝીક્સ, કેમેસ્ટ્રીની અદ્યતન લેબ વિકસાવવામાં આવી છે. જેમાં એક સાથે ૪૦ બાળકો પ્રેક્ટિસ કરી શકે છે. આધુનિક કમ્પ્યુટર લેબ દ્વારા બાળકોને કમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે.

આદિજાતિ બાળકોના વ્યક્તિત્વનો વિકાસ થાય અને દુનિયા સાથે કદમ મિલાવી શકે એ માટે વિદ્યાર્થીઓને પ્રોજેકટર દ્વારા ભણાવવામાં આવે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિઓ અને સંગીતના સાધનો વસાવવામાં આવ્યા છે જેના દ્વારા વિદ્યાર્થી ભાઈ-બહેનો પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરી શકે છે.
અમીરગઢ મોડેલ સ્કૂલમાં પ્રવેશ માટે ધોરણ- ૫ ના મેરીટને ધ્યાનમાં લેવામાં આવે છે.

ઉપરાંત વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. અંબાજીથી ઉંમરગામ સુધીના આદિજાતિ પટ્ટામાં આવેલી તમામ મોડેલ સ્કૂલોમાં એકસાથે પ્રવેશ પ્રક્રિયા યોજાય છે. આદિવાસીનું દરેક બાળક શિક્ષણથી વંચિત ન રહે અને તમામ બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.

જેના ભાગરૂપે રાજયમાં ૧૨ મોડેલ સ્કૂલો, ૪૩ કન્યા નિવાસી સાક્ષરતા શાળાઓ, ૪૭ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ અને તેને સંલગ્ન ૨ સૈનિક શાળાઓ મળી રાજ્યમાં કુલ ૧૦૨ એકલવ્ય મોડેલ સ્કૂલોમાં આદિજાતિના ૩૩,૮૧૦ બાળકો ગુણવત્તાસભર શિક્ષણની સવલત મેળવી કારકિર્દી ઘડતરની કેડી કંડારી રહ્યા છે.

આદિવાસી વિદ્યાર્થીઓને વર્લ્ડ ક્લાસ અદ્યતન સવલતો સાથે અભ્યાસની તક મળે અને સામાજિક શૈક્ષણિક વિકાસ સાધી શકે એ માટે બે વર્ષ પહેલાં ૯ નવી એકલવ્ય મોડેલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. જેમાં સી.બી.એસ.સી. કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિનું શિક્ષણ અંગ્રેજી માધ્યમની શરૂ કરવામાં આવી છે. મોડેલ શાળાઓમાં એક વિદ્યાર્થી પાછળ વાર્ષિક સરેરાશ રૂ. ૩૭,૦૦૦, કન્યા નિવાસી સાક્ષરતા શાળાઓમાં રૂ. ૬૭,૦૦૦ અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓમાં એક વિદ્યાર્થી પાછળ વાર્ષિક સરેરાશ ૧,૦૯,૦૦૦ જેટલો ખર્ચ કરવામાં આવે છે.

કેન્દ્રીય વિદ્યાલય અને જવાહર નવોદય ધોરણે આદિજાતિના વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રે હરીફાઈ કરી શકે તે માટે ધોરણ- ૬ થી ૧૨ સુધીનું વિનામૂલ્યે શિક્ષણ, રહેઠાણ, પુસ્તકો, ગણવેશ અને ભોજન વગેરેની સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો ચલાવવામાં આવે છે. આદિજાતિ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શરૂ કરવામાં આવેલી શિક્ષણની આવકારદાયી પહેલ અંબાજીથી ઉંમરગામ સુધીના આદિજાતિ પટ્ટા ના બાળકો માટે શિક્ષણ સાથે સર્વાંગી વિકાસનો રાજપથ બની રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.