ગાંધીજીના સેવા અને પરોપકારના સંસ્કાર ગુજરાતની ગળથૂથીમાં જીવે છે: અમિત શાહ
માથાદીઠ રક્તદાન, ચક્ષુદાન, અંગદાન અને સેવાભાવી સંગઠનોની સંખ્યામાં ગુજરાત દેશમાં પ્રથમ – કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ
-: કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ :-
Ø વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ નાગરિકોના આવાસ આરોગ્ય અને અન્ન -રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજના વિશ્વમાં બીજે ક્યાંય નથી
Ø બંધારણના ઘડવૈયાઓએ રાજસત્તાનો નક્કી કરેલો એક માત્ર ઉદ્દેશ ‘કલ્યાણ રાજ્ય‘ છે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે, માથાદીઠ રક્તદાન, ચક્ષુદાન, અંગદાન અને સેવાભાવી સંગઠનોની સંખ્યામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે. ગાંધીજીના સેવા અને પરોપકારના સંસ્કાર ગુજરાતીઓની ગળથુંથીમાં જીવે છે.
ગુજરાત લોક સેવા ટ્રસ્ટની સ્થાપનાના ૩૫માં વર્ષમાં પ્રવેશની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ આ વાત કહી હતી. શ્રી રોહન ગુપ્તા દ્વારા સંચાલિત આ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિઓ અને સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની નેમને મંત્રીશ્રીએ આ તકે બીરદાવી હતી.
શ્રી અમિતભાઈ શાહે આ સંદર્ભે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન -રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજના વિશ્વમાં બીજે ક્યાંય નથી. આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલન અને લોકકલ્યાણના કાર્યો કર્યા છે, પરંતુ ૨૦૧૪ પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે જનકલ્યાણલક્ષી વિકાસ કામો થયા અને જે યોજનાકીય લાભો લોકોને મળ્યા તે અભૂતપૂર્વ છે.
દરેક ગરીબ મધ્યમ વર્ગના વ્યક્તિને આવાસ, પાણી, ગેસ કનેક્શન, આરોગ્ય સુરક્ષા, રાશન આપીને મોદી સરકારે પાછલા દસ વર્ષમાં ૨૫ કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ જન કલ્યાણ માટે સંકલ્પબદ્ધ સરકારની પરિપાટીના મૂળમાં બંધારણમાં નિહિત રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હોવાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
આ સંદર્ભે તેમણે કહ્યું કે, બંધારણના ઘડવૈયાઓએ રાજસત્તાનો નક્કી કરેલો એક માત્ર ઉદ્દેશ ‘કલ્યાણ રાજ્ય‘ છે. સરકાર અને સામાજિક સંગઠનો સૌએ સાથે મળીને કલ્યાણ રાજ્યને સાકાર કરવા માટે કાર્યો કરવાના છે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સરકારની સાથે ગુજરાત લોક સેવા ટ્રસ્ટ જેવા સેવાભાવી સંગઠનો સામાજિક કાર્યકરો જોડાઈ ત્યારે જ કલ્યાણ રાજ્યના લોકોના ઉત્કર્ષના લક્ષ્યો સિદ્ધ થતા હોય છે.
બીજાનું કામ કરવાથી, લોકોની સેવા કરવાથી અન્યને મદદરૂપ થવાથી જ સાચો આનંદ અને આત્મસંતોષ પ્રાપ્ત થતો હોય છે. તેવો મત કેન્દ્રીય મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ તકે તેમણે સ્વામી વિવેકાનંદ અને વિનોદ કાંબલીના જીવન પ્રસંગોનો ઉલ્લેખ પણ કર્યો હતો, તેમજ લોકસેવા ટ્રસ્ટના ગરીબ, વૃદ્ધ અને દિવ્યાંગલક્ષી સેવાકાર્યોની સરાહના પણ કરી હતી.
ગુજરાત લોક સેવા સંગઠનના ટ્રસ્ટી શ્રી રોહન ગુપ્તાએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈનું સમય આયોજન પ્રશંસનીય છે. શ્રી અમિતભાઇ શાહે લોકસેવાની ભાવનાને સતત બિરદાવી અને માનવતાની સેવામાં શક્ય તમામ સહયોગ આપ્યો છે. ગાંધીનગર સંસદીય મતવિસ્તારના પાત્રતા ધરાવતા પ્રત્યેક લાભાર્થીને સરકારશ્રીની યોજનાનો લાભ અપાવવામાં ટ્રસ્ટ હરહંમેશ સહયોગ આપશે તેવી બાંહેધરી આપી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ લોકસેવા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ કલ્યાણ સ્વરોજગારી, આરોગ્ય, રમત-ગમત જેવા વિષયો સાથે નિર્મિત સ્ટોલ્સની મુલાકાત લઈને લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું.
આજના સમારોહમાં રાજ્યસભા સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, અમદાવાદ શહેર મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી રાકેશ જૈન, શ્રી અમિત ઠાકર તેમજ લોકસેવા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રાજકુમાર ગુપ્તા તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.