Western Times News

Gujarati News

અમિત શાહે બિહાર ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું, જનતાને જંગલરાજની યાદ અપાવી

ગૃહમંત્રીએ લાલુ પ્રસાદ અને રાબડીદેવીના વિવાદો પર ફોકસ કર્યું

બે દિવસના બિહાર પ્રવાસ દરમિયાન અમિત શાહે રાજ્યના પાટનગર પટણા ખાતે પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી

પટણા,
આ વર્ષના છેલ્લા મહિના દરમિયાન બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલા બિહાર ખાતે જાહેરસભા દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે બિહાર ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યુ હતું. તેમણે બિહારમાં ૧૫ વર્ષના લાલુ-રાબડીના શાસનને જંગલરાજ સાથે સરખાવ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ મોરચાને ફરી સત્તા સોંપવા નાગરિકોને અપીલ કરી હતી. રાષ્ટ્રીય જનતાદળના ગઢ સમાન ગોપાલ ગંજમાં અમિત શાહે જાહેરસભાને સંબોધનમાં જણાવ્યું હતું કે, લાલુ પ્રસાદ યાદવ અને તેમનાં પત્ની રાબડી દેવીએ ૧૫ વર્ષ શાસન કર્યું છે. તેમણે બિહારમાં જંગલ રાજ લાવી દીધુ હતું. તેમના કાર્યકાળ દરમિયાન બિહારમાં હત્યા, કિડનેપ, લૂંટ જેવી ગુનાખોરીએ ઉદ્યોગો જેવું સ્થાન હાસલ કર્યુ હતું.

પાછલા વર્ષે લોકસભા ચૂંટણી બાદ અમિત શાહે બિહારમાં પ્રથમ જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમણે દાવો કર્યાે હતો કે, જીવનું જોખમ જણાતા અનેક અગ્રણી ઉદ્યોગપતિઓએ રાજ્યમાંથી ઉચાળા ભર્યા હતા. લાલુએ ચારા ગોટાળો આચરી સમગ્ર વિશ્વમાં બિહારને બદનામ કર્યુ હતું. બિહારમાં ભાજપના ગઠબંધનમાં નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા પછી સ્થિતિ સુધરી રહી છે. બિહારમાં ભાજપ ફરી સત્તા પર આવશે તો દાયકાઓ જૂની પૂરની સમસ્યા દૂર થશે. દર વર્ષે બિહારમાં બનતી પૂરની ઘટનાઓ ભૂતકાળ બનશે. બિહારના લોકોએ જંગલ રાજના પ્રતિક લાલુ-રાબડી અને સ્વચ્છ નીતિશ કુમાર વચ્ચે પસંદગી કરવાની છે.

બિહારના લોકોએ હંમેશા મોદી પ્રત્યે પ્રેમ બતાવ્યો છે અને આ વખતે પણ મોદીના હાથ મજબૂત કરવામાં બિહાર યોગદાન આપશે, તેવો વિશ્વાસ અમિત શાહે વ્યક્ત કર્યાે હતો. બે દિવસના બિહાર પ્રવાસ દરમિયાન અમિતભાઈ શાહે રાજ્યના પાટનગર પટણા ખાતે પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. તેમણે બિહાર વિધાનસભા ચૂંટણીમાં વિજયના મહત્ત્વ અંગે ચર્ચા કરી હતી અને વિજય માટે તમામ પ્રયાસ માટે હાકલ કરી હતી. એનડીએ મોરચામાં ભાજપ ઉપરાંત લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન), હિન્દુસ્તાની આવામ મોરચા (કેન્દ્રિય મંત્રી ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝી) ઉપરાંત રાષ્ટ્રીય લોક મોરચા (સાંસદ ઉપેન્દ્ર કુશવાહા)નો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.