અમિત શાહે NICFS-NFSU, દિલ્હી કેમ્પસ ખાતે બે શૈક્ષણિક બ્લોકનું ઉદ્ઘાટન કર્યું
સમગ્ર દેશમાં દિલ્હી પોલીસ દેશનું સૌપ્રથમ એવું પોલીસ દળ હશે કે જ્યાં છ વર્ષ કે તેથી વધુ સજાના કેસોમાં ફોરેન્સિક તપાસ ફરજિયાતઃ અમિત શાહ
ગાંધીનગર, માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહે ૭૬મા દિલ્હી પોલીસ સ્થાપના દિવસના અવસરે NFSU દ્વારા ભારતમાં નિર્માણ કરવામાં આવેલ મોબાઈલ ફોરેન્સિક વાન દિલ્હીની જનતા માટે અર્પણ કરી હતી અને NICFS-NFSU, દિલ્હી કેમ્પસ ખાતે ૨ શૈક્ષણિક બ્લોકનું પણ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન તા.૧૬મી ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ કર્યું હતું. આ પ્રસંગે શ્રી અજયકુમાર ભલ્લા, કેન્દ્રીય ગૃહસચિવ, શ્રી સંજય અરોડા, પોલીસ કમિશનર, દિલ્હી; પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) અને અન્ય પોલીસ અધિકારીઓ તથા NFSUના અધિકારીઓ હાજર હતા.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે – માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા દેશમાં વિકસિત કરવામાં આવેલી મોબાઈલ ફોરેન્સિક વાનનું લોકાર્પણ થયું છે. જેનાથી દેશના ન્યાયતંત્રને મજબૂત બનાવવામાં મહત્ત્વનું કાર્ય થશે. આગામી સમયમાં સમગ્ર દેશમાં દિલ્હી પોલીસ દેશનું સૌપ્રથમ એવું પોલીસ દળ હશે કે જ્યાં છ વર્ષ કે તેથી વધુ સજાના કેસોમાં ફોરેન્સિક તપાસ ફરજિયાત બનશે. જેનાથી પુરાવા ઉપલબ્ધ થતાં દોષસિદ્ધિના દરમાં પણ વધારો થશે. આ ટ્રાયલ થકી, ન્યાયતંત્રને પુરાવાનો આધાર આપીને મજબૂત બનાવવાનો પ્રયાસ છે. મોબાઈલ ફોરેન્સિક વાન દ્વારા પુરાવાના સંરક્ષણ, જાળવણીનું કાર્ય પણ ૧૦૦ ટકા પૂર્ણ થશે. આ મોબાઈલ ફોરેન્સિક વાન જુદી-જુદી ૧૪ પ્રકારની કિટ્સથી સજ્જ છે.
શ્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે IPC, CRPC અને એવિડન્સ એક્ટના માળખામાં આમૂલ પરિવર્તન-ફેરફાર લાવવા માટે પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. જે આંતરિક સુરક્ષાને મજબૂત કરવામાં ઉપયોગી બનશે. આ માટે દેશમાં ફોરેન્સિક વિજ્ઞાન ક્ષેત્રે કુશળ માનવબળ ઉપલબ્ધ કરાશે. આગામી સમયમાં સમગ્ર દેશમાં ફોરેન્સિક વિજ્ઞાનની જાળ બિછાવવામાં આવશે. આજે NFSUના દિલ્હી કેમ્પસ ખાતે ૩૪ કરોડના ખર્ચે સાત માળના બે એકેડેમિક બ્લોક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ માટે અધ્યયન અને સંશોધનની સુવિધા ઉપલબ્ધ બનશે. જ્યાં શિક્ષણ, ટ્રેનિંગ માટેના અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ રૂમ્સ અને ૯૦ છાત્રાવાસનો સમાવેશ થયો છે. વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કેમ્પસ અત્યારે દેશના નવ રાજ્યોમાં છે અને આગામી સમયમાં દેશના તમામ રાજ્યોમાં NFSUના કેમ્પસ ઉપલબ્ધ બનશે.
આ અંગે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર (NFSU)ના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાષ્ટ્રની જનતાની સેવા માટે દેશમાં નિર્મિત મોબાઈલ ફોરેન્સિક વાનનું નિર્માણ કરાયું છે. જેનાથી આ મોબાઈલ ફોરેન્સિક વાન ઝડપથી ગુના સ્થળે પહોંચી, પુરાવા એકત્રિત કરીને તથા ગુનાની વૈજ્ઞાનિક તપાસ કરીને સચોટ વૈજ્ઞાનિક પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરશે. સાથે જ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી દેશમાં ફોરેન્સિક વિજ્ઞાન ક્ષેત્રે કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તે માટેનું કાર્ય વર્ષ-૨૦૦૯થી કરી રહી છે.
આ પ્રસંગે પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-દિલ્હી; સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, NFSU-ગાંધીનગર; પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર; પ્રો. (ડૉ.) નવીનકુમાર ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગોવા; ડૉ. એચ. કે. પ્રતિહારી, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ત્રિપુરા અને ડૉ. મંજૂનાથ ઘાટે, ડીન-સ્કૂલ ઓફ ફાર્મસી સહિત NFSUના ઉચ્ચ અધિકારીગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.