ગુજરાત વિરોધી મેઘા પાટકરને ૨૦૧૪માં ઝાડુના નિશાન પર ટીકીટ આપી હતીઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટના જસદણ ખાતે જાહેરસભા યોજી
રાજકોટમાં બે બે ફૂટ ખાડામાંથી પાણી ભરવું પડતું હતું. ભાજપે સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા દૂર કરી.
(એજન્સી)જસદણ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકો રાજ્યમાં સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટના જસદણ ખાતે જાહેરસભા યોજી રહ્યા છે. કુંવરજી બાવળિયા માટે અમિત શાહ સભા સંબોધી રહ્યા છે.
અમિત શાહે જસદણમાં જણાવ્યું હતું કે, મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો…જસદણ સભાની સીટ નથી જસદણ કુંવરજીભાઇના કામની સીટ છે. કુંવરજીભાઇ વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરતા ત્યારે કહ્યું આ કુંવરજીભાઇ કોંગ્રેસમાં ખોટા છે, આ મટીરીયલ ભાજપનું છે.
અમિત શાહે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અનેક વર્ષો સુધી કોંગ્રેસીયાઓએ શાસન કર્યું. રાજકોટની ધરતી પર છું, મેં જાેયું છે કે રાજકોટમાં બે બે ફૂટ ખાડામાંથી પાણી ભરવું પડતું હતું. ભાજપે સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા દૂર કરી.
અમિત શાહે જણાવ્યું કે, કોંગ્રેસના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નર્મદા ડેમનું ઓપનિંગ કર્યું હતું. હવે અહીં સુધી પાણી પહોંચ્યું. કોંગ્રેસીયાઓને પૂછવા માંગુ છું કે, સૌરાષ્ટ્રમાં પાણી આટલા સમય કેમ ન પહોંચ્યું? તેની પાછળ કોણ જવાબદાર છે? નર્મદા યોજનાને કોંગ્રેસે રોકી. પરંતુ નરેન્દ્રભાઈએ આમરણ ઉપવાસ પર ઉતરવું પડ્યું હતું અને મનમોહનસિંહ સરકારે ઝુકવું પડ્યું હતું.
મેઘા પાટકર મુદ્દે અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાત ચૂંટણી સમયે જ રાહુલ બાબા મેઘા પાટકરને ભારત જાેડો યાત્રામાં સાથે લઈને નિકળ્યા છે. ગુજરાતની જનતાના ઘા પર મીઠું ભભરાવ્યુ છે. અરવિંદ કેજરીવાલે તો આ ગુજરાત વિરોધી મેઘા પાટકરને ૨૦૧૪માં ઝાડુના નિશાન પર ટીકીટ આપી હતી.
જાેકે કેજરીવાલ એટલા સમજુ કે ગુજરાત ચૂંટણીમાં તેને સાથે પણ ન રાખ્યા. અમિત શાહે કોંગ્રેસને ખેડૂત વિરોધી ગણાવીને પ્રહારો કર્યા હતા કે, કોંગ્રેસના સમયમાં ખેડૂત ૮ કિલોમીટર પછી જમીન ન લઈ શકે તેવો કાયદો હતો. ગામડામાં ૮ કલાક વીજળી આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું.
કોંગ્રેસના સમયમાં તો ફ્રિજમાં દવા રાખવાની હોય પણ ૧૦ કલાક લાઈટ ન આવે તો દવા પણ ફેઈલ થઈ જતી. અમિત શાહે જણાવ્યું હતું કે, ૧૯૯૫ સુધી ગુજરાતમાં દાદાઓ અને ગુંડાઓનું રાજ હતું. જનસંઘ સમયે ગુંડા વિરોધી સમિતિઓ બનાવવામાં આવી હતી. આજે ગુજરાતમાં કોઈ ગુંડો કે દાદાનું ચાલતું નથી. હવે ચાલે તો માત્ર હનુમાન દાદાનું જ.