આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થતાં નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા
(પ્રતિનિધિ) ભરૂચ, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તેમજ વડોદરાના આજવા સરોવરમાંથી છોડેલા પાણીને કારણે આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી સતત બે કાંઠે વહી રહી છે.જેથી નદી કાંઠાના આસપાસના ખેતરોમાં નદીના પાણી ઘુસી ગયા હતા.જેને લઈને ખેતીને વ્યાપક નુકશાન થવા પામ્યું હતું.તેમજ હાલ ઢાઢર નદી ૧૦૧ ફૂટ નજીક વહી રહી છે.
જે તેની ભયજનક સપાટીથી માત્ર ૧ ફૂટ દૂર છે.ઢાઢર નદીની ભયજનક સપાટી ૧૦૨ છે.ત્યારે આમોદ વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા છે.નદી કાંઠાના કાંકરિયા, પૂરસા રાણીપુરા, દાદાપોર, વાસણા, મંજોલા, જુના વાડિયા કોબલા સહિતના ગામોની આસપાસ ની ખેતીને વ્યાપક નુકશાન પહોચ્યું છે.
તેમજ પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અગમચેતીનાં ભાગ રૂપે એસ.ડી.આર.એફ ની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.આ ઉપરાંત આમોદ વહીવટી તંત્ર તરફથી પણ નદી કાંઠાના લોકોને સ્વેચ્છાએ સ્થળાંતર કરી સલામત જગ્યાએ પહોંચવા અપીલ કરવામાં આવી છે.
તેમજ સ્થાનિક તલાટીઓને સ્થળ ઉપર ચાંપતી નજર રાખી અસરગ્રસ્તોને રહેવા તથા ભોજન સહિતની વ્યવસ્થા પૂરી પાડવાની સૂચના આપવામાં આવી છે.આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુલ ૭૬, દાદાપોર ના ૬૪ તેમજ મંજોલા ગામના ૫ કુલ મળી ૧૪૫ લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે.