Western Times News

Gujarati News

લાંબા સમયથી અનેક વાર ગટરો ઉભરાતી હોવાની ફરિયાદો: લોકોએ ધરણાંની ચીમકી ઉચ્ચારી

પ્રતિકાત્મક

ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારતા જ આમોદ પાલિકા તંત્રએ રાતો-રાત કામગીરી શરૂ કરી

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગરની પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યાથી આ વિસ્તારના લોકો નર્કગારની પરિસ્થિતિમાં રહેવા મજબુર બન્યા હતા. જોકે જોકે બહુચર્ચિત આમોદ નગરપાલિકામાં અનેક રજૂઆતો કરાઈ,

અનેક સમાચારો પ્રસિદ્ધ કરાયા, આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારાઈ તેમજ ધરણા પર બેસવાની તૈયારીઓ બાદ આખરે તંત્રએ કામગીરી આરંભી હતી. જોકે આ કામગીરીથી કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે.

આમોદ નગરના વોર્ડ નંબર એકમાં આવેલ પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં લાંબા સમયથી અનેક વાર ગટરો ઉભરાતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. જે અંગે આમોદ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી લેખિત/મૌખિક રજૂઆતો કરવામાં આવતી હતી. સાથેજ અનેક વાર સ્થાનિકોની સમસ્યા અંગે મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ કરવામાં આવતા હતા.

તેમ છતાંય ઉભરાતી ગટરોનું નિરાકરણ નહીં આવતા સ્થાનિક રહીશો ધરણા પ્રદર્શન કરવા મજબૂર બન્યા હતાં. થોડા સમય પહેલા જ સ્થાનિક રહીશો દ્વારા આમોદ નગરપાલિકા હાય હાયના સૂત્રોચાર બોલાવી નગરપાલિકા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો. જે બાદ પાલિકાના સત્તાધીશો સ્થળ નિરીક્ષણ માટે પણ આવી પહોંચ્યા હતા.

વિસ્તારની સમસ્યાની જાત માહિતી મેળવ્યા બાદ પણ અધિકારીઓએ આંખ આડા કાન કરી કામગીરી કરવાનું મન બનાવ્યું ન હતું. વધુમાં પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ રહીશોની લેખિત તેમજ મૌખિક રજૂઆતોને પણ ધ્યાને ન લેતા આખરે કંટાળી સ્થાનિક રહીશે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવા સાથે રહીશોએ ધરણા પર બેસવાની તૈયારી બતાવી હતી.

જે બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને રાતોરાત ઉભરાતી ગટરોની તાત્કાલિક સાફ-સફાઈ કરાવવામાં આવી હતી.જોકે અગાઉ પણ આ રીતે કામ ચલાઉ કામગીરી કરાવાઈ હતી.જેથી સમસ્યાનું કાયમી અને ચોક્કસ નિરાકરણ આવતું ન હતું. જેથી આ વેળાએ સમસ્યાનું કાયમી અને ચોક્કસ સમાધાન લાવવામાં આવે તેવી આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ અલી રાણા સહિત સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે, કે આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખનો વોર્ડ હોય અને તેમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હોઈ, તદુપરાંત જાહેરમાં શૌચક્રિયા પણ કરવામાં આવે છે. તેવા આક્ષેપ માજી પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે. તેમ છતાં આમોદ નગરપાલિકાના અણઘડ વહીવટ અને અંદરો અંદરના વિખવાદના કારણે નગરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

નોંધનીય છે, કે આમોદ નગરપાલિકાના પંપીંગ સ્ટેશનની મોટર વારંવાર ખોટકાઈ જવાને કારણે ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા વારંવાર ઉદ્ભવે છે. વધુમાં માજી પ્રમુખે આક્ષેપ કરતા જણાવ્યું હતું, કે આજે પણ નગરપાલિકાના કર્મચારી દ્વારા પંપીંગ સ્ટેશન ઉપર તાળું મારી દઈ મોટર ચાલુ મૂકી દેવામાં આવી છે. અને કોઈ પણ કર્મચારી પંપીંગ સ્ટેશન પણ હાજર નથી.

જો ગટરનું પાણી પૂરું થઈ જાય અને ખાલી મોટર ચાલવાને કારણે મોટર ખોટકાઈ જાય તો જવાબદાર કોણ.? જો મોટર બગડે તો ફરીથી રહીશોને નર્કગારમાં રહેવા મજબુર બનવું પડશે તેમ તેઓએ જણાવ્યું હતું. વરી આમોદ નગરપાલિકાના સેનેટેરી ઈન્સ્પેક્ટર ચીફ ઓફિસરની સૂચનાનું પણ પાલન ન કરતા હોવાની ચર્ચાઓએ પંથકમાં ભારે જોર પકડ્‌યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.