કોર્ટના હુકમ બાદ પત્નિને ભરણપોષણ નહી ચૂકવતા કોર્ટે જેલમાં મોકલવાનો હુકમ કરતાં ધરપકડ
આમોદ પોલીસે નાસતા ફરતા આરોપીને શમાં હોટેલ પાસેથી ઝડપી પાડયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદના આછોદ રોડ ઉપર આવેલી ગુજરાત સોસાયટી -૨ માં રહેતો સાજીદ હસન ખુજી સામે તેની પત્નિ નઝમાબેને આમોદ – જંબુસર ફેમીલી કોર્ટમાં ભરણપોષણના ત્રણ અલગ – અલગ કેસો કર્યા હતા.જે કેસમાં નામદાર કોર્ટે સાજીદ હસન ખુજીને તેની પત્ની નઝમાને ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યો હતો.
પરંતુ તેણે ભરણપોષણ નહી ચૂકવતા નામદાર કોર્ટે અનુક્રમે ૩૦૦ દિવસ,૩૬૦ દિવસ,૩૩૦ દિવસ એમ કુલ ૯૯૦ દિવસની કેદની સજા ફટકારી હતી.તેમજ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટ આમોદમાં પણ યુનુસ યુસુફ અમીજી નામના વ્યક્તિએ ધ નેગોશીયલ ઈન્સ્ટુમેન્ટ મુજબ સાજીદ હસન ખુજી સામે ચેક બાઉન્સનો કેસ મુક્યો હતો.જેમાં પણ નામદાર કોર્ટે સાજીદ હસન ખુજીને એક વર્ષની સજા ફટકારી હતી.
જે બાબતે છેલ્લા પાંચ માસથી પ્રિન્સીપાલ જજ ફેમીલી કોર્ટ જંબુસર-આમોદ તથા જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ આમોદ દ્વારા આરોપી સાજીદ હસન ખુજીને સજાનો હુકમ ફરમાવ્યો હતો.જેમાં આરોપી નાસતો ફરતો હોય કોર્ટે પોલીસને તેની ધરપકડ કરી જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.
ત્યારે આમોદ પોલીસ ઈન્સ્પેકટર આર.બી.કરમટીયાને બાતમી મળી હતી કે આરોપી સાજીદ હસન ખુજી સમા હોટેલ આમોદ ખાતે આવેલ છે.જેથી બાતમીને આધારે આમોદ પોલીસે ખરાઈ કરી અધિક હેડ કોન્સ્ટેબલ અંબારામ તથા કોન્સ્ટેબલ નિકુંજને સાથે રાખી આરોપીને સમા હોટેલ ખાતેથી અટક કરી તેને ભરૂચ જીલ્લા સબ જેલ ખાતે મોકલી આપ્યો હતો.