આમોદ તાલુકાની બે પ્રાથમિક શાળાના આચાર્યોને ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાની સુઠોદરા અને સીમરથા પ્રાથમિક શાળાના આચાર્યોને ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડથી ગાંધીનગર ખાતે સન્માનિત કરવામા આવતાં શિક્ષણ આલમમાં ખુશી જોવા મળી હતી.
બાળરક્ષક પ્રતિષ્ઠાન ઈન્ડિયા ટ્રસ્ટ મહારાષ્ટ્ર દ્વારા ગરીબ, જરૂરીયાતમંદ,અને અનાથ બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરી તેમને શિક્ષિત કરવાનું ભગીરથ કાર્ય કરે છે. તેઓ દ્વારા ગુજરાત રાજયમાં ૫ણ આવી સેવાકીય પ્રવૃત્તિના વિકાસ વિસ્તાર માટે ગુજરાતમાં ૫ણ શ્રેષ્ઠ કામગીરી કરતા શ્રેષ્ઠ શિક્ષકોની ૫સંદગી કરવામાં આવી હતી.
જેમા ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી ૧૩૦ જેટલા શિક્ષકોની ૫સંદગી કરવામાં આવી હતી.ભરૂચ જીલ્લાના આમોદ તાલુકામાંથી ગુજરાત રાજય પારિતોષિક વિજેતા અને આમોદ તાલુકાના ગૌરવ ગણાતા એવા સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યા રેખાબેન નાથાલાલ મકવાણા તેમજ સીમરથા શાળાના આચાર્ય યાકુબ મુસા ઉઘરાતદારની ૫સંદગી થતા તેઓને ગાંઘીનગર ખાતે સન્માન સંમારંભમાં ઉ૫સ્થિત રહેવા આમંત્રિત કરવામાં આવ્યા હતા.
જેમાં રેખાબેન મકવાણાનુ (જોઈન્ટ ડાયરેકટર સંયુકત પ્રાથમિક શિક્ષણ નિયામક, ગાંઘીનગર) ડૉ.એમ.એન.મેહતાના હસ્તે ‘શિક્ષણ સેવારત્ન એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ યાકુબ મુસા ઉઘરાતદાર સાહેબને (સહાયક સચિવ તેમજ આસિસ્ટન્ટ સેક્રેટરી ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ – ગાંઘીનગર) ડૉ.પુલકીત જોષીના હસ્તે શિક્ષણ સેવારત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શિક્ષણ ક્ષેત્રે ભરૂચ જીલ્લાનું અને આમોદ તાલુકાનું ગૌરવ વઘારવા બદલ આમોદ તાલુકા શિક્ષણાઘિકારી તથા આમોદ તાલુકા શિક્ષક સંઘ તેમજ સમગ્ર આમોદ તાલુકા શિક્ષકગણ દ્વારા બંને શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.