Western Times News

Gujarati News

અંજીરની ખેતી કરી ગુજરાતનો આ ખેડૂત કરી રહ્યો છે મબલખ કમાણી

અમરેલીના મોટા આંકડીયા ગામના દિનેશભાઈએ ૭ વિઘા જમીનમાં ૩૪૦૦ છોડનું વાવેતર થકી કરી રહ્યા છે કમાણી

અમરેલી, કાળા માથાનો માનવી મહેનત કરે ખૂબ છતા ઈશ્વરની મરજી પ્રમાણે જ થાય આ વાકય આપણે અવાર-નવાર અનેક વ્યક્તિઓના મોઢે સાંભળ્યુ હશે જ પરંતુ પ્રયત્ન કરનાર માનવી કયારેય નિષ્ફળ નથી જતો એ પણ સત્ય હકિકત છે..

સમય પ્રમાણે ધંધા-વ્યવસાયમાં આધુનિક ટેકનોલોજી અને મશીનરી આવી ગઈ છે. તેમ અનેક ખેડૂતો અને ખેડૂત પુત્રો ખેતીને આધુનિક ઢબે વિકસાવીને એક સફળ ઈન્ડસ્ટ્રીઝ તરીકે કમાણી કરી રહ્યા છે.

ભલે ખેડૂતોના સંતાનો પોતાના બાપ-દાદાની વારસામાં મળેલી અમૂલ્ય જમીન વેચીને મહાનગરોમાં રહેવાની ઈચ્છા રાખે પરંતુ કોરાના જેવા કપરા કાળમાં મહાનગરોના સિમેન્ટ-કોંક્રિટના મકાનોએ જાકારો આપ્યો ત્યારે ગામડાઓએ લોકોને આશરો આપેલ આ દિવસો કયારેય ના ભુલવા જાઈએ.

આમ તો ભણેલા-ગણેલા અને આર્થિક રીતે સધ્ધર લોકોને અપીલ છે કે તમારા વતનમાં જમીન અને મકાન જે તમારા બાપ-દાદાએ વારસામાં આપેલી સંપત્તિ છે તેને વેચતા નહિ મનની શાંતિ માટે અને મહાનગરો ધક્કો મારશે ત્યારે એજ કામ લાગશે.

આજે મારે વાત કરવી છે સુરત ખાતે મોટો વ્યવસાય ઈક્સપોર્ટ- ઈમ્પોર્ટનો કરતા મૂળ અમરેલી જિલ્લાના, અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામના દિનેશભાઈ ભગવાનભાઈ સવસવીયાની. તેઓની ઉમર પ૦ વર્ષ આસપાસ અને અભ્યાસ ૧ર ધોરણ. તેમની પાસે ૧૩ વિઘા જેટલી જમીન છે.

વિશ્વના અન્ય દેશોમાંથી મશીનરી સહિતની વસ્તુઓ એક્સપોર્ટ કરવી અને દેશમાંથી અન્ય વસ્તુઓ એકસપોર્ટ કરવાના એક સારા વ્યવસાય સાથે જોડાયેલા છે. કોરોના કાળમાં લોકડાઉનના હિસાબે પોતે વતન આંકડીયા આવ્યા. મૂળ ખેડૂતનો જીવ એટલે પોતાની જમીનમાં કંઈક અલગ વાવેતર કરવાની જિજ્ઞાષા જાગી અને અંજીરની ખેતી કરવા માટે અન્ય દેશોમાંથી માહિતી મેળવી એમ દિનેશભાઈ વાત કરતા કહે છે. વિશ્વમાં અંજીરની અનેક વેરાયટી છે.

જેમા ટોપ-૩માં (૧) અમેરિકન વેરાયટી (ર) બ્રાઝિલ વેરાયટી (૩) એલો ગોલ્ડ એસ.જી.એસ. વેરાયટી. જેમા આપણા જિલ્લાની આબોહવા ને એલો ગોલ્ડ એસ.જી.એસ. વેરાયટી અનુકૂળ છે. એટલે આંધ્રપ્રદેશથી ટીચ્યુકલ્ચર રોપાઓ મંગાવીને ૭ વિઘા જમીનમાં વાવેતર કરેલ હતુ. ૭ વિઘા જમીનમાં ૩૪૦૦ છોડનું વાવેતર થયેલ.

અંજીરના વાવેતર પછી ૬ મહિના બાદ છોડની ક્ષમતા પ્રમાણે ફાલ અને ઉત્પાદન આવે છે. વર્ષમાં બે વખત ઉત્પાદન આવે છે. વાવેતર પછી પ્રથમ વખત ૬ મહિના બાદ એક કિલો, વર્ષના અંતે ૪ થી પ કિલો, દોઢ વર્ષ પછી ૭ થી ૧ર કિલોનું ઉત્પાદન દિનેશભાઈને છોડ દિઠ મળેલ છે. જેમાં ફળની સાઈઝ ૮૦ ગ્રામથી ૧ર૦ ગ્રામ જેવડુ અંજીરનું ફળ થાય છે. પાક ઉપર ફળ આવે એટલે પીળા કલરનું થાય છે. સ્વાદ એકદમ મીઠો. હની એટલે કે મધ જેવો સ્વાદિષ્ટ સ્વાદ આવે છે.

ડ્રાય પ્રોસેસમાં સુગરનુ પ્રમાણ વધુ હોવાથી વજન ખૂબ વધુ બેસે છે. તેમજ એક છોડમાં હાલ બે વર્ષના અંતે ૮૦થી ૧પ૦ જેટલા અંજીરના ફળ આવે છે.

દિનેશભાઈના જણાવ્યા અનુસાર બે વર્ષના અંતે ૪ થી પ લાખનું ઉત્પાદન આવશે. આ ઉત્પાદન દર ૬ મહિને ક્રમશઃ ફળના આવરણ ઉપર વધશે. હાલ અમરેલી ખાતે પ્રોસેસીંગ યુનિટ શરૂ કરવા માટે દિનેશભાઈ રાજસ્થાન, પંજાબ અને હરિયાણા જેવા રાજયમાં અંજીરના વાવેતર અને પ્રોસેસીંગ યુનિટોની મુલાકાત લઈને આધુનિક પ્રોસેસીંગ યુનિટ ટુંક સમયમાં અમરેલી ખાતે ઉભુ કરવા કામે લાગ્યા છે.

પોતાના ફાર્મ ઉપર અંજીરના રોપાઓ તૈયાર કરીને વેચાણ કરવા માટે પોતે સજ્જ હોવાનું જણાવ્યુ છે. આ ઉપરાંત પોતાની નર્સરી તૈયાર થઈ ગયા બાદ નાના ખેડૂતોને આ વ્યવસાય રૂબરૂ બતાવી આ આ અંજીરની ખેતી માટે જોડવાનો નવતર અભિગમ શ્રી દિનેશભાઈ દર્શાવી રહ્યા છે. જેનો સંપર્ક નં. ૯૮રપ૯ ૪૩પ૩૧ ઉપર વાતચીત થઈ શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.