અમરેલીની સિવિલ હોસ્પિટલ ટ્રસ્ટનાં હવાલે કરાયા બાદ દર્દીઓની હાલત કફોડી બની
ખાનગી દવાની હાટડીએથી દવા લેવાની ફરજ, સોનોગ્રાફી માટે ખાનગીમાં ધકેલવામાં આવે છે, એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવતી નથીઃ સરકાર સાથે થયેલા કરારનો ટ્રસ્ટ દ્વારા ઉલાળિયો કરાયો
અમરેલી, અમરેલીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને વધુ સારી આરોગ્ય સેવા મળી રહે તેવા હેતુથી સરકારે પીપીપી યોજના હેઠળ સિવિલ હોસ્પિટલને શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટને સોંપવામાં આવી હતી. જોકે ટ્રસ્ટને સોંપાયા બાદ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા વધવાના બદલે દુવિધામાં વધારો થયો છે અને દર્દીઓની હાલત કફોડી બની છે.
ટ્રસ્ટ દ્વારા દર્દીઓને ખાનગી દવાની હાટડીએથી દવા લેવાની ફરજ પાડવામાં આવી રહી છે. સોનોગ્રાફી માટે ખાનગીમાં ધકેલવામાં આવી રહ્યા છે. એમ્બ્યુલન્સ પણ આપવામાં આવતી નથી. સરકાર સાથે થયેલા એમઓયુનો સરેઆમ ઉલાળીયો કરવામાં આવી રહ્યો હોવા છતાં સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા દર્દીઓની હાલત જાયે તો જાયે કહા જેવી બની છે.
અમરેલી સિવિલ હોસ્પિટલને ટ્રસ્ટના હવાલે કરાયા બાદ સરકાર હોસ્પિટલને કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોવા છતાં આરોગ્યલક્ષી સેવાના નામે ડમ ડમ ઢોલ માહે પોલ જેવી સ્થિતિ સીર્જાઈ છે. દર્દીની સારવાર કરવાના બદલે ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે.
એ ગ્રેડની હોસ્પિટલમાંથી દર્દીને ધકેલવામાં આવતા ગરીબ દર્દીઓ સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ હોસ્પિટલમાં જઈ રહ્યા છે. ગરીબ દર્દીઓને હોસ્પિટલમાંથી દવા આપવાના બદલે હોસ્પિટલ કેમ્પસમાં જ ખોલી નાખવામાં આવેલા ખાનગી દવાની દુકાનમાંથી દવા લેવાની ફરજ પાડવામાં આવી રહી છે.
સોનોગ્રાફી યુનિટ એક કલાક ખુલ્લું રાખી બાદમાં બંધ કરી દેવામાં આવે છે અને દર્દીઓને ખાનગી સોનોગ્રાફી હવાલે લૂંટાવા ધકેલી દેવામાં આવે છે. હોસ્પિટલ કેમ્પસમાં જ ટ્રસ્ટના લાગતા વળગતા દ્વારા કેન્ટીન અને મેડિકલ ખોલી નાખવામાં આવી છે. હોસ્પિટલમાં સર્જાતી અફડાતફડી સામે સરકારના પ્રતિનિધિ એવા સિવિલ સર્જન પણ આંખ આડા કાન કરી દર્દીઓની મુશ્કેલી સામે અનદેખી કરી રહેલ હોવાની પરિસ્થિતિ ઉદભવી છે.
હોસ્પિટલની કથળેલી સેવા અંગે ડો. જીવરાજ મહેતા ચોકમાં જાહેરમાં બળાપો ઠાલવવા છતાં પણ સરકાર દ્વારા હોસ્પિટલ સંચાલકો સામે પગલા ભરવામાં ન આવતા દર્દીઓની હાલત કફોડી બની છે. ગંભીર દર્દીઓને સારવાર અર્થે અન્યત્ર જવા માટે હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવતી નથી સરકાર સાથે થયેલ કરાર નો ટ્રસ્ટ દ્વારા સરેઆમ ઉલાળિયો કરવામાં આવતો હોવા છતાં પણ જવાબદાર તંત્ર કોઈ પગલા ભરી રહ્યું ન હોવાથી દર્દીઓ લૂંટાઈ રહ્યા છે.