ધાનાણીનો પરાજય: અમરેલીમાં ૨૦૧૭માં મળેલી પાંચેય બેઠક કોંગ્રેસે ગુમાવી
(એજન્સી)અમરેલી, ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ની તમામ બેઠકોનું લભભગ પરિણામ આવી ચૂક્યું છે અને ભાજપે રેકોર્ડ બ્રેક જીત નોંધાવી છે. પ્રાપ્ત પ્રાથમિક અહેવાલો મુજબ ૧૮૨ બેઠકોની વિધાનસભામાં ભાજપે ૧૫૬ બેઠકો પર ભગવો લહેરાવ્યો છે.
ભાજપની આ સુનામીમાં કોંગ્રેસ અને આપ બંનેનો સપાયો થઈ ગયો છે. જાેકે તેમાં સૌથી વધુ નોંધ એ બાબતની છે કે ૨૦૧૭માં જે બેઠકો કોંગ્રેસ પાસે હતી અને કોંગ્રેસ જેને પોતાની સુરક્ષિત બેઠકો માનતી હતી તેને પણ બચાવી શકી નથી. જેમ કે અમરેલી જીલ્લાની તમામ પાંચ બેઠકો જે ૨૦૧૭માં કોંગ્રેસના ફાળે હતી તેમાંથી એક પણ બેઠક બચાવી શક્યું નથી.
અમરેલી જીલ્લાની ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા આ તમામ બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે. જે પૈકી હાઈવોલ્ટેજ કહી શકાય તેવી અમરેલી બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર અને વિધાનસબાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, રાજુલાના અંબરિષ ડેર અને લાઠીના વિરજી ઠુમ્મર સહિતના નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે.
૨૦૧૭માં કોંગ્રેસે જીલ્લાની તમામ પાંચ બેઠકો પર ક્લીન સ્વીપ કરી હતી જાેકે પાંચ જ વર્ષમાં સમગ્ર ચિત્ર પલટાઈ ગયું હતું અને ભાજપે કોંગ્રેસના ગઢ બનેલા અમરેલીના કાંગરા ખેરવી નાખ્યા હતા. ૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનની આગમાં અમરેલી જિલ્લાની તમામ બેઠકો પરથી ભાજપના સૂપડા સાફ થયા હતા.